Dakshin Gujarat

ભરૂચમાં ટેન્કરને અડફેટે લઈ ટેમ્પો રેલિંગ પર લટક્યો, ડ્રાઇવર નદીમાં કૂદ્યો અને થયું આવું….

ભરૂચ: (Bharuch) ભરૂચના નવા સરદાર બ્રિજ (Bridge) ઉપર ટેમ્પોચાલકે આગળ ચાલતા ટેન્કરને અડફેટે લીધા બાદ રેલિંગમાં વાહન ઘૂસીને લટકી જતાં જીવ બચાવવા નદીમાં કૂદકો માર્યો હતો. પણ નદીના પટમાં પટકાતાં તેનું મોત નીપજ્યું હતું. નવા સરદાર બ્રિજ પરથી શનિવારે રાતે પાલનપુરથી ટેન્કર નં.(MH-25 AJ-0972)માં પામોલીન તેલ ભરી ડ્રાઈવર સજ્જન ચાંદઅલી ચૌધરી મુંબઈ જઈ રહ્યો હતો.

  • ભરૂચમાં ટેન્કરને અડફેટે લઈ ટેમ્પો રેલિંગ પર લટક્યો, નદીમાં કૂદતાં ડ્રાઇવરનું મોત
  • પાલનપુરથી ટેન્કરમાં પામોલીન તેલ ભરી ડ્રાઈવર મુંબઈ જઈ રહ્યો હતો, નવા સરદાર બ્રિજ પર અકસ્માત

દરમિયાન પાછળથી આવેલા ટેમ્પોએ ટેન્કરને ડ્રાઈવર તરફથી અડફેટે લીધું હતું. ટેમ્પો ટેન્કર સાથે અકસ્માત સર્જી ચાલકે કાબૂ ગુમાવતાં આગળ નીકળી બ્રિજના ફૂટપાથ પર ચઢી ગયો હતો. જ્યાં બ્રિજની મજબૂત રેલિંગ સાથે ભટકાઈ લટકી ગયો હતો. મૂળ જોનપુરના અકસ્માત સર્જક ટેમ્પોચાલક નનહેલાલ શ્રીરામે બ્રિજની રેલિંગ પર લટકતાં ટેમ્પો વચ્ચે દરવાજો ખોલી પોતાનો જીવ બચાવવા નદીમાં છલાંગ લગાવી દીધી હતી. બીજી તરફ આ અકસ્માતને લઈ ટેન્કરચાલકે વાહન ઊભું રાખી દીધું હતું. બાદ જોયું તો બ્રિજ નીચે નદીનો પટ હોવાથી ટેમ્પોચાલકનું પટકાતાં માથામાં ગંભીર ઇજાને લઈ સ્થળ પર જ મોત થયું હતું.

અકસ્માતની ઘટના અંગે સી ડિવિઝન પોલીસને જાણ કરતાં તેઓએ દોડી આવી તપાસ હાથ ધરતાં મૃતકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળતાં તેની ઓળખ થઈ હતી. ઘટના અંગે ટેન્કરચાલકની ફરિયાદના આધારે ટેમ્પોના મૃતક ડ્રાઈવર સામે અકસ્માત સર્જી પોતાનું મોત નીપજાવવા બદલ ગુનો દાખલ કરાયો હતો. દરમિયાન નવા સરદાર બ્રિજ પર ભારે ટ્રાફિકજામ થઈ જતાં પોલીસે ક્રેઇનની મદદથી ટેમ્પોને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરવા કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Most Popular

To Top