Dakshin Gujarat

નામશેષ થવાના આરે એવા ગીધ પક્ષીનું નવા વર્ષે જ ભરૂચમાં આગમન થયું

ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં લગભગ પંદર વર્ષ બાદ નામશેષ થવાના આરે ફરીવાર ગીધ (Ringtail) પક્ષીનું (Bird) નવા વર્ષે જ આગમન થયું છે. સમયાંતરે લુપ્ત થવાને આરે ઉભેલા વિશાળ ગીધને શહેરના લિંક રોડ ઉપર આવેલી ગંગોત્રી સોસાયટીમાં જોતા લોકો તેને પહેલીવાર પ્રત્યક્ષ જોવા મળતા ભારે ઉત્સાહભેર જોવા મળ્યો હતો.

  • ભરૂચના લિંક રોડ ઉપર 15 કિલોનું ઇજાગ્રસ્ત ગીધ મળી આવ્યું
  • છેલ્લે 2008 દરમિયાન ગણતરી દરમિયાન ગીધ દેખાયું હતું
  • 2 થી 3 હજાર કિલોમીટરની ઉડાન ભરી ભરૂચ શહેરનુ મહેમાન બન્યું હોવાનું અનુમાન

માત્ર ચિત્રો, ફોટા અને વીડિયોમાં જોવા મળતું કુદરતી સફાઈ કામદાર ગીધ 2023ના નવા વર્ષના પહેલા જ દિવસે જોવા મળતા સેલ્ફીઓ લેવા લોકો ઉમટી પડ્યા હતાં.નવા વર્ષના શુભારંભના દિને ભરૂચ શહેરમાં લિંક રોડ પાસે આવેલ ગંગોત્રી સોસાયટીમાં લુપ્ત પ્રજાતિના ગીધ ઇજાગ્રસ્ત હાલતમાં દેખાયું હતું. સ્થાનિક જીવદયા પ્રેમી કિશોરભાઈ કાવાએ ભરૂચ વન વિભાગના વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્માને આપી હતી. તેઓ સાથે કામધેનુ ગૌરક્ષા સમિતિના કાર્યકરો, રમેશભાઈ દવે, યોગેશ મિસ્ત્રી, ઉમેશ પટેલતત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાં જઈ જોતા વિશાળ ગીધ નજરે પડતા તેઓ પણ આંનદીત થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત ગીધને સલામત રેસ્ક્યુ કરી ભરૂચ વનવિભાગને સારવાર અર્થે નીલકંઠ નર્સરીમાં ઓબ્ઝર્વેશનમાં મોકલી આપવામાં આવ્યું છે. આ ગીધ 12 વર્ષનું આયુષ્ય અને 14થી 15 કિલો વજનનું છે. જે 2 થી 3 હજાર કિલોમીટરની ઉડાન ભરી ભરૂચ શહેરનુ મહેમાન બન્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ભરૂચ જિલ્લામાં છેલ્લે 2008ના વર્ષમાં એક ગીધ વસ્તી ગણતરીમાં નોંધાયું હતું.

Most Popular

To Top