Dakshin Gujarat

ભરૂચના ઝનોર જવાના માર્ગ પર અમદાવાદનો સોની લૂંટાયો, 200 તોલા સોનાની દિલધડક લૂંટ

ભરૂચ: (Bharuch) ભરૂચના નબીપુરથી ઝનોર ઝનોર જવાના માર્ગે અમદાવાદના (Ahmedabad) માણેકચોકના જ્વેલર્સની કારને દિલધડક રીતે આંતરી અન્ય બે કારમાં આવેલા લુંટારુઓ (Loot) બંદૂકની અણીએ ૨ કિલો સોનાના દાગીના (Gold Jewelry) તેમજ રોકડા ૩થી ૪ લાખની સિલસિલાબંધ લૂંટ ચલાવતા પોલીસ વર્તુળોમાં સળવળાટ મચી ગયો હતો.

ભરબપોરે ભરૂચમાં દિલધડક સોનાના રૂપિયા એક કરોડ ઉપરાંતના દાગીનાની લૂંટની પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના માણેકચોકના કિલોસ્કન જ્વેલર્સના મુકેશ ત્રિલોકચંદ સોની ભરૂચ જિલ્લાના વેપારીઓને શુક્રવારે દાગીનાની ડિલિવરીઓ નીકળ્યા હતા. વર્ના કારમાં તેમની સાથે અન્ય બે વ્યક્તિ પણ હતા. કારની ડીકીમાં મૂકેલી બેગમાં ૧૫૦૦થી ૨૦૦૦ ગ્રામ સોનાના દાગીના અને રોકડા ૩થી ૪ લાખ પડેલા હતા.

સવારે દહેજ, જોલવા દાગીનાની ડિલિવરી આપ્યા બાદ ભરૂચ શહેરમાં મહમદપુરા આવી નબીપુર હાઇવે થઈ ઝનોર જઈ રહ્યા હતા. નબીપુર-ઝનોર રોડ ઉપર બપોરના સમયે તેમની કાર આગળ વેન્યુ કાર ઊભી કરી દેતાં તેઓએ અચાનક બ્રેક મારી હતી. પાછળ અન્ય નેકસોન કાર ઊભી રહી ગઈ હતી. અમદાવાદના જ્વેલરી વેપારી કઈ સમજે તે પહેલાં જ બે કારમાંથી ૪થી ૫ લુંટારુઓએ ઊતરી બંદૂકની અણીએ ડીકીમાં રહેલ ૨૦૦ તોલા સોનુ અને રોકડા લૂંટી લીધા હતા.

તમામ એક્ઝિટ પોઇન્ટ ઉપર નાકાબંધી
લુંટારુ જતી વખતે સોની પાસેથી કારની ચાવી અને મોબાઈલ પણ લઈ ફરાર થઇ ગયા હતા. એક કરોડ ઉપરાંતની લૂંટની ઘટનાની જાણ ભરૂચ પોલીસને કરાઈ હતી. ઝનોર નજીક ૨૦૦ તોલા સોનાના દાગીનાની લૂંટનો મામલો સામે આવતાં પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે. ઝનોર અને આસપાસના તમામ એક્ઝિટ પોઇન્ટ ઉપર નાકાબંધી અને પેટ્રોલિંગ વધારી દેવાયું છે. સાથે સાથે આ માર્ગને જોડતા વિસ્તારોમાં પેટ્રોલ પમ્પ અને હોટલોનાં સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

લુંટારુઓ નેશનલ હાઇવે તરફ ફરાર થયા હોવાનો અંદાજ
લુંટારુઓ નેશનલ હાઇવે તરફ ફરાર થયા હોવાનો પોલીસને અંદાજ છે. જેના આધારે ટોલબૂથ ઉપર પણ વોચ ગોઠવવામાં આવી છે. ભરૂચ SP ડો.લીના પાટીલના માર્ગર્શન હેઠળ ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ડિવિઝનની ટીમ તપાસમાં જોતરી દેવાઈ છે. ઠેર ઠેર નાકાબંધી, વાહન ચેકિંગ સાથે વડોદરા જિલ્લા સહિત ગ્રામ્ય પોલીસને પણ એલર્ટ કરી ભોગ બનનાર અમદાવાદના સોનીનું નિવેદન લેવામાં આવી રહ્યું હોવાની SOG PI આનંદ ચૌધરીએ માહિતી આપી છે.

Most Popular

To Top