Editorial

સોશિયલ મીડિયાને કારણે દુનિયામાં અનેક આંદોલન સફળ રહ્યાં છે

ભારતમાં ભાજપ સરકારમાં કોઇ મંત્રીએ રાજીનામું આપવું પડે તે વાત કલ્પના બહારની છે પણ એવું થયું છે. આ સફળતાનો શહેરો યુવાનો પર જાય છે. સોશિયલ મીડિયામાં તેનો એટલો પ્રચાર થયો કે અંતે મોદી સરકારે ઝુકવું પડ્યું છે. જો કે, અગાઉ સોશિયલ મીડિયાને કારણે દુનિયાના અનેક આંદોલન સફળ રહ્યાં છે. 2009માં ઇટાલીમાં શરૂ થયેલી એક ચળવળે ત્યાંના રાજકારણમાં એક નવો વિકલ્પ રજૂ કર્યો. તેની શરૂઆત હાસ્ય બ્લૉગર બેપ્પે ગ્રિલો દ્વારા કરવામાં આવી હતી.

તેમણે ખરેખર 2005ની શરૂઆતમાં જ મીટઅપ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને લોકોને એકસાથે લાવવાનું શરૂ કર્યું હતું. સમાન વિચારધારા ધરાવતી વ્યક્તિઓ ભેગી થતી અને પર્યાવરણીય અને અન્ય નીતિગત ફેરફારોની ચર્ચા કરતી. ધીમે ધીમે, પ્રતિભાવ વધતો ગયો. પછી, 2007માં તેમણે એક બ્લૉગ દ્વારા ભ્રષ્ટ રાજકીય વર્ગ સામે વ્યંગ્યાત્મક આંદોલન વી-ડે શરૂ કર્યું. આ આગળનું પગલું હતું. ત્યાર પછી સ્વચ્છ સંસદની માગણીઓ થઈ, એટલે કે ગુનાહિત અથવા ભ્રષ્ટ પૃષ્ઠભૂમિ ધરાવતા પ્રતિનિધિઓની ગેરહાજરી.

વધુમાં, ચૂંટણી પ્રક્રિયામાં સુધારાની માગણીઓ પણ ઊભી થઈ, અને તેને વ્યાપક સમર્થન મળ્યું. 2009માં, તેમણે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો. લોકોને એક કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને, તેમણે ફાઇવ સ્ટાર મૂવમેન્ટ (M5S) પાર્ટીની સ્થાપના કરી. તેણે તેનું ચાર્ટર પ્રકાશિત કર્યું અને સીધી લોકશાહી લાગુ કરવા અને સ્થાપિત રાજકારણને નકારવાનું વચન આપ્યું. ઘણા સામાજિક કાર્યકરો, પર્યાવરણવાદીઓ અને અર્થશાસ્ત્રીઓએ તેમાં ભાગ લીધો હતો. શરૂઆતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાગ લઈને, તેમણે રાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ વિસ્તાર્યો. 2013ની ઇટાલીની રાષ્ટ્રીય ચૂંટણીમાં આ પક્ષ બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ બન્યો હતો.

2011ની આસપાસ સ્પેનમાં શરૂ થયેલી ઇન્ડિગ્નાડોસ 15-એમ આંદોલન, આર્થિક અસમાનતા, ભ્રષ્ટાચાર અને પરંપરાગત બે-પક્ષીય રાજકીય વ્યવસ્થા સામે જાહેર વિરોધ હતો. ઇન્ડિગ્નાડોસનો અર્થ ગુસ્સે ભરાયેલા, અસંતુષ્ટ નાગરિકો થાય છે. તે સમયે આ ગુસ્સાનાં ઘણાં કારણો હતાં. 2008ની મંદી દરમિયાન, ઘણા કરકસરનાં પગલાં અમલમાં મુકાયાં હતાં. જોકે, નાગરિકો રાજકીય ભ્રષ્ટાચાર પણ જોઈ રહ્યા હતા. બેરોજગારી વધી ગઈ.

વિવિધ સ્પેનનાં શહેરોમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં હતા. ત્યાર બાદ આ ચળવળ સીધી રાજકારણમાં પ્રવેશી. 2014માં, પાબ્લો ઇગ્લેસિયસ સહિત યુનિવર્સિટીના પ્રોફેસરો અને કાર્યકરોના એક જૂથે પોડેમોસ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી. ત્યાર બાદ તેઓ ચૂંટણી મેદાનમાં ઊતર્યા હતાં. સ્પેનમાં હંમેશાં બે-પક્ષીય રાજકીય માળખું રહ્યું છે. કોઈ ત્રીજો વિકલ્પ નહોતો. પોડેમોસે તે વિકલ્પ પૂરો પાડ્યો. તેમને ચૂંટણીમાં પણ સફળતા મળી. 2020માં તેઓએ સ્પેનિશ સોશિયાલિસ્ટ વર્કર્સ પાર્ટી (પીએસઓઇ) સાથે ગઠબંધન સરકાર બનાવી હતી.

2010ની આસપાસ, એવા અહેવાલો સામે આવ્યા કે ગ્રીસ નાણાકીય મુશ્કેલીમાં છે. આ યુરોપિયન દેશ મોટા દેવા સંકટનો સામનો કરી રહ્યો હતો, જેની પગાર અને પેન્શન પર અસર પડી હતી. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે આર્થિક કટોકટીનાં કડક પગલાં લાદ્યાં, અને ગ્રીક નાગરિકો આ મુશ્કેલીઓથી ગુસ્સે થયા. આના કારણે પરિસ્થિતિ સામે વ્યાપક વિરોધપ્રદર્શનો થયાં. આ વિરોધ પ્રદર્શનોમાંથી કોઈ નવો પક્ષ ઊભરી આવ્યો નહીં. જોકે, એક નાનો, અસ્તિત્વમાં રહેલો પક્ષ ‘સિરીઝા’ બન્યો, નેતૃત્વ પૂરું પાડ્યું અને દેશમાં એક મહત્ત્વપૂર્ણ રાજકીય પક્ષ બની ગયો. 2015ની ચૂંટણીમાં આ પક્ષે લગભગ 35 ટકા મત મેળવ્યા અને ઍલેક્સિસ સિપ્રાસ વડા પ્રધાન બન્યા હતા.

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વર્ષ 2024માં નોંધપાત્ર ઊથલપાથલ થઈ. આ યુવાનોની સરકારમાં પરિવર્તનની ઇચ્છા અને સ્થાપિત રાજકીય નેતૃત્વ પ્રત્યેના તેમના ગુસ્સાને કારણે હતું. અહીં ‘જેન-ઝી’એ સોશિયલ મીડિયાથી આ ચળવળ શરૂ કરી અને તેને પોતાના હાથમાં લીધી. આનું કારણ એક એવું બિલ હતું જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે સરકારી નોકરીઓમાં અનામત ચાલુ રાખવાની જોગવાઈ હતી. આ ક્વૉટા મોટા ભાગના યુવાનોને સ્વીકાર્ય ન હતો. આનાથી તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળના શાસક પક્ષ અવામી લીગ સામે લોકોનો આક્રોશ ભડકી ઊઠ્યો, જેઓ પહેલાથી જ ચૂંટણી પ્રણાલીમાં દખલગીરી અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યાં હતાં. વિરોધપ્રદર્શનો હિંસક બન્યાં, જેના કારણે હસીનાને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી.

બાંગ્લાદેશનાં વિરોધપ્રદર્શનો હવે સમાચારમાં નથી. જોકે, બીજા એક ભારતના પાડોશી દેશ નેપાળમાં સપ્ટેમ્બર,2025માં સોશિયલ મીડિયા દ્વારા ‘જેન-ઝી’ આંદોલન ફેલાયું, જે અંતે એક તખ્તાપલટની સ્થિતિ સુધી પહોંચ્યું. નેપાળના યુવાનો આર્થિક અસમાનતા અને ઘટતી રોજગારીની તકો અંગે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. તેઓ રાજકીય નેતાઓનાં બાળકો પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા હતા, જેમને ‘નેપોકિડ્સ’ તરીકે ઓળખવામાં આવે છે.

સરકારે ફેસબુક, યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો. નેપાળ લાંબા સમયથી રાજકીય રીતે અસ્થિર રહ્યું છે, પરંતુ સત્તા સતત અમુક ચોક્કસ લોકો પાસે જ બદલાતી રહી છે. આનાથી અસંતોષ પણ વધ્યો હતો. આ ગુસ્સો આખરે રસ્તાઓ પર ભડકી ઊઠ્યો. વ્યાપક હિંસા અને આગચંપી થઈ. વિરોધ કરનારા લોકો સંસદમાં પણ ધસી ગયા. ઘણા રાજકીય નેતાઓ અને મંત્રીઓ પર હુમલો કરવામાં આવ્યો. વડા પ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી.

આ અસ્થિરતા પછી વિરોધપ્રદર્શન કરનારા લોકોએ નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને આગામી ચૂંટણી સુધી વચગાળાનાં વડાં પ્રધાન બનવા વિનંતી કરી. કાર્કીએ થોડા સમય માટે વડાં પ્રધાન તરીકે સેવા આપી હતી. ત્યાર બાદ નેપાળમાં માર્ચ 2026માં બીજી ચૂંટણી યોજાઈ હતી. વિરોધીઓએ ભૂતપૂર્વ રૅપર અને રાજધાની કાઠમંડુના મૅયર બાલેન શાહ અને તેમની રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટીને ટેકો આપ્યો. શાહ બહુમતીથી ચૂંટાયા અને નેપાળના વડા પ્રધાન બન્યા.

Most Popular

To Top