Columns

બનો પાણી જેવા

એક દિવસ ગુરુજીએ શિષ્યોને પૂછ્યું, ‘ચાલો, આજે તમે બધા મને કહો કે જીવનમાં શું બનવા માંગો છો? કોના જેવા બનવા માંગો છો?’ બધા શિષ્યો એક પછી એક જવાબ આપવા લાગ્યા.કોઈકે કહ્યું, ‘સફળ રાજનેતા’.કોઈકે કહ્યું, ‘સૌથી શ્રીમંત.’કોઈકે કહ્યું, ‘સૌથી વધારે જ્ઞાની.’બીજા એક શિષ્યે કહ્યું, ‘મારા પિતા જેવા સફળ.’ત્રીજો શિષ્ય બોલ્યો, ‘તમારા જેવા શિક્ષક / ગુરુ.’ચોથો શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, હું તો પવનની જેમ મુક્ત જીવન જીવવા માંગું છું.’પાંચમો શિષ્ય બોલ્યો, ‘હું ખુલ્લા આકાશમાં પંખીની જેમ ઊડવા માંગું છું.’

આમ અનેક શિષ્યોએ પોતાના મનની જુદી જુદી કલ્પનાઓ કહી.ગુરુજીએ સાંભળી અને સાંભળતા જ રહ્યા. થોડી વાર રહીને ગુરુજી બોલ્યા, ‘તમારી મહત્ત્વાકાંક્ષાઓ અને ઇચ્છાઓ સારી વાત છે; પણ યાદ રાખજો જે પણ બનવું હશે તે માટે તમારે બહુ મહેનત કરવી પડશે અને હવે હું તમને બધાને જેના જેવા બનવાનું કહું છું તે ચોક્કસ બનજો.તમારે બધાએ બનવાનું છે ‘પાણી’જેવા.’ શિષ્યોને નવાઈ લાગી, ‘ગુરુજી,‘પાણી’જેવા બનવું એટલે તમે કહેવા શું માંગો છો? તમે કૈંક સમજાવવા માંગો છો?’ગુરુજી બોલ્યા, ‘હા,મારી વાત ધ્યાનથી સાંભળજો.

હું સમજાવું છું કે હું તમને કેમ ‘પાણી’જેવા બનવાનું કહું છું.પાણી જીવન માટે એકદમ ઉપયોગી છે.તમે બધા જ જીવનમાં અન્યને માટે એટલા જ ઉપયોગી બનજો.પાણી જેવું પારદર્શક હોય છે તમારું મન પણ એવું પારદર્શક રાખજો.પાણીને જે પાત્રમાં ભરવામાં આવે તો તે તેવો આકાર ધારણ કરી લે છે તેવી રીતે તમે પણ જીવનમાં જે સંજોગો આવે તેને અનુરૂપ થઈને જીવજો.હંમેશા યાદ રાખજો કે પાણી જેવા બનજો.’ શિષ્યો બહુ ધ્યાનથી ગુરુજીની વાત સાંભળી રહ્યા હતા.ગુરુજી આગળ બોલ્યા, ‘શિષ્યો, હજી એક ખાસ વાત.પાણી જેમ પોતાનો સ્વભાવ ક્યારેય નથી છોડતું તેમ તમે પણ તમારો મૂળ સ્વભાવ ક્યારેય નહિ છોડતા.

પાણીને ગરમ કરીએ તો તે ઉકળે છે. વરાળમાં પરિવર્તિત થઈ જાય છે, પણ જયારે થોડો સમય પસાર થઈ જાય પછી પાણી આપોઆપ મૂળ સ્વરૂપમાં ઠંડું થઈ જાય છે.તેમ તમને જીવનમાં ઘણા સંજોગોમાં ક્રોધ આવે ત્યારે મગજ ગરમ થઈ જાય, પણ થોડો સમય પસાર થતાં મગજ શાંત કરી લેવું અને આપણા મનની પ્રસન્નતાને છોડવી નહિ.આ રીતે જીવનમાં જે બનવું હોય તે બનજો, પણ સાથે સાથે બધા જ પાણી જેવા પારદર્શક, ઉપયોગી ,તરલ અને મૂળ સ્વભાવને જાળવી રાખનારા બનજો.’ગુરુજીએ શિષ્યોને સાચી સમજણ આપી.

Most Popular

To Top