Comments

ભરોસાની સરકાર માટે ભરોસો કોના પર? નજર ક્યાં ને નિશાન કોણ?

ચૂંટણી પંચના અધિકારીઓના ગાંધીનગરના વધી પડેલા આંટાફેરાને પગલે ગુજરાતની ચૂંટણીની જાહેરાતની હવે જાણે ઘડીએ ગણાઇ રહી છે. જો કે હજુ વડા પ્રધાનના બે ત્રણ પ્રવાસો બાકી છે, નિર્ધારિત લોકાર્પણો- ખાતમુહૂર્તો હજુ પૂરાં થયાં નથી એટલે ચૂંટણી કેવી રીતે જાહેર થઇ શકે? ભાજપને ચૂંટણીની એકદમ ઉતાવળ હોય એવું લાગતું નથી, કારણ કે તાજેતરના ઓપિનિયન પોલ અનુસાર સંભવિત નુકસાન સરભર ન થાય, ત્યાં સુધી પાર્ટીને કંઇ નાસી જતું નથી. હવે તો નિર્ધારિત સમયે જ ચૂંટણી થાય એવું સત્તાધારી પાર્ટી ઇચ્છી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં હમણાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડ્યો. પરંતુ વડા પ્રધાનના ચહેરા પરની ચિંતાની રેખાઓ જોવા મળી હતી. આનો સીધો મતલબ એવો કાઢવામાં આવી રહ્યો છે કે સરકારે જે જે કંઇ સારું કર્યું, એની તુલનાએ મોંઘવારી, બેરોજગારી, ગેરવહીવટ, કુશાસન, ભ્રષ્ટાચાર, માળખાકીય સુવિધાઓમાં મોટા મોટા ખાડા વગેરે જેવી આમ પ્રજાને સીધી સ્પર્શતી બાબતોમાં જોઇએ એ ધ્યાન અપાયું નથી. મોંઘવારી અને ભ્રષ્ટાચારનો મુદ્દો સૌ કોઇને સ્પર્શી રહ્યો છે. એનો માર એટલો બધો છે કે સરકારી સારી કામગીરીની બાબતો સાવ ધોવાઇ જવા બેઠી છે. એટલે જ ખુદ નરેન્દ્રભાઇએ પોતાના ગૃહ-જિલ્લા મહેસાણામાં આવીને કહ્યું હતું કે, મને અને મારી કામગીરીને તમે (હવે પણ) આશીર્વાદ આપો. એમનો વ્યૂહ (એટલે કે ચોક્કસ રીતે સરવે કરીને કાઢેલાં તારણો અનુસારનો) ન હોત તો સૌરાષ્ટ્રમાં જામકંડોરણા જેવી વ્યૂહાત્મક જગ્યાએ જઇને રેલી ન યોજી હોત.

અહીંના ભાજપવાળા આવી વ્યૂહરચના ગોઠવવામાં સફળ રહ્યા કે નિષ્ફળ એ તો ચૂંટણી પરિણામો કહેશે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો વ્યૂહાત્મક પગપેસારો છે. મધ્ય ગુજરાતમાં ભાજપ માટે એકંદરે સ્થિતિ કાબૂમાં હોવાના અંદાજો મળી રહ્યા છે. આ બધાને કારણે નરેન્દ્રભાઇનો ચહેરો ચિંતાગ્રસ્ત લાગે છે. એમણે પોતાના વિશ્વાસુ સેનાપતિ અમિતભાઇ શાહને મેદાનમાં ઊતારીને ચૂંટણીની બાગડોર સોંપી છે. બીજું કોઇ માણસ જ એમની પાસે ક્યાં છે? ભલે, જૂથવાદને પહોંચી વળીશું એવા મનસુબા સાથે અત્યારે તો ચૂંટણી પહેલાંની વ્યૂહરચના ગોઠવાઇ છે.

નરેન્દ્રભાઇ પોતાની રીતે તો સજ્જડ ચાલી રહ્યા છે. કેજરીવાલનું નામ લીધા વિના શાબ્દિક હુમલા કરી રહ્યા છે. નજર ઝાડુ પર છે, નજર પાટીદાર વોટબેન્ક પર છે અને કોંગ્રેસને નિશાન બનાવીને આમઆદમી પાર્ટીની સામે તાકી રહ્યા છે.
નરેન્દ્રભાઇ જો કે આમ તો વ્યૂહના જેટલા બળિયા છે, એટલા નસીબના પણ બળિયા છે. વિપક્ષો દ્વારા એકાદ લૂઝ બોલ ફેંકાઇ જાય, તો એને તરત ઉપાડી લે અને ઓવર બાઉન્ડ્રી ફટકારી દે છે. 2002ના ગોધરાકાંડ પછી યોજાયેલી ચૂંટણીમાં સોનિયા ગાંધીએ નરેન્દ્રભાઇને ‘મૌતકા સોદાગર’કહીને જે ભૂલ કરેલી એવી ભૂલ કેજરીવાલ આજકાલ ‘કંસ કી ઔલાદો’કહીને કરવા જઇ રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે પોતે જન્મ્યા હોવાના એમણે જે બરાડા પાડ્યા, એના કાઉન્ટર એટેક રૂપે ઠેર ઠેર એમના હિન્દુવિરોધી પોસ્ટર્સ લાગી ગયાં.

હિન્દુત્વ એ ભાજપનું સૌથી મોટું અને અસરકારક હથિયાર છે. ભાજપ એનો ઉપયોગ કરવાનું ચૂકતો નથી. એ જ્યારે જ્યારે એનો ઉપયોગ કરે છે, ત્યારે સુજ્ઞજનો એવી ડાહી ડાહી દલીલો કરવા લાગે છે કે આટઆટલાં વર્ષો સુધી રાજ કર્યું પછી, પણ ભાજપે હિન્દુત્વનો સહારો લેવો પડે છે! પરંતુ પ્રેમ અને લડાઇમાં બધું જ ચાલતું હોય છે. જેના હાથમાં દંડો હોય એ જ ભેંસને ભગાડી લઇ જઇ શકે છે. કેજરીવાલે પોતાના માટેનાં હિન્દુત્વવિરોધી પોસ્ટર્સ સામે મોં મચકોડ્યાં, પણ એ પોસ્ટર્સમાં એઓ જે ટોપી પહેરીને શોભાયમાન થઇ રહેલા દેખાય છે એને નકારવાની હિંમત કરી શક્યા નથી. આ જ બાબત મોદીની જીત છે, જેવી જીત એમણે મૌતકા સોદાગરના શબ્દપ્રયોગ સામે મેળવી હતી. પાછા કેજરીવાલને તો ગૌતમ પણ નડી રહ્યા છે ને ગોપાલ પણ નડી રહ્યા છે.

નેતાઓનાં ઉચ્ચારો ઘણી વાર હારેલી બાજી જીતાડી દેતાં હોય છે ને અનેક વાર જીતેલી બાજીને ગુમાવી પણ દેતાં હોય છે. તેમાંય મોદી હવે ગુજરાતની ચૂંટણીના મામલે ગતિવિધિઓ પર ફુલ ફ્લેજ્ડ સવાર થઇ ચૂકેલા લાગે છે. (ઘરનાઓ થોડા સખણા રહેવા જોઇએ) બાકી તો એ બધાને પહોંચી વળશે. બીજી એક વાત પણ નોંધવા યોગ્ય લાગી રહી છે કે નરેન્દ્રભાઇએ કોંગ્રેસ પર સીધો હુમલો બોલીને કોંગ્રેસને જાણે ઓવર કોન્ફિડન્સમાં લાવી દીધી છે. ગુજરાતમાં કોંગ્રેસની વાસ્તવિક હાલત કેવી છે એ સૌ કોંગ્રેસીજનો સહિત સૌ કોઇ જાણે જ છે. એટલે આવી કોંગ્રેસ ચુપચાપ રીતે ગામડે-ગામડે જઇને વ્યૂહરચના ગોઠવે છે ને મને ભાંડવાનું આઉટસોર્સિંગ બીજાને કરી દીધું છે એવું કહે છે. તેને લીધે કંઇક કોંગ્રસીજનોની છાતી ગજ ગજ ફૂલી રહી છે.

વાસ્તવિકતા શું છે એ જેટલું સૌ કોઇ જાણે છે એના કરતાં નરેન્દ્રભાઇ વધુ જાણે છે. એટલે ગુજરાતના તાજેતરના પોતાના પ્રવાસો દરમિયાન નરેન્દ્રભાઇએ સેન્સ લીધી છે. કંઇક વાતોના ગોળા સિફતપૂર્વક ગબડાવ્યા છે. હવે ગુજરાત ભાજપવાળાઓએ એને સાર્થક કરવા રહ્યા. કેજરીવાલે શિક્ષણ, રોજગારી, માળખાકીય સુવિધાઓ, કાયદો-વ્યવસ્થા વગેરે જવી બાબતોએ જે કોઇ અવલોકનો કર્યાં છે કે આરોપો મૂક્યા છે, તેના સરસ જવાબો નરેન્દ્રભાઇએ પોતાનાં તાજેતરનાં વક્તવ્યોમાં આપ્યા છે. આનો એક મતલબ એવો પણ કાઢવામાં આવી રહ્યો છે કે આ આરોપોને નરેન્દ્રભાઇ ગંભીરતાથી પણ લઇ રહ્યા છે.

ભાજપે આ વખતની ચૂંટણી માટે “ભરોસાની ભાજપ સરકાર” એવું સ્લોગન ભલે તારવ્યું હોય પણ નરેન્દ્રભાઇ બીજા કોઇ પર ભરોસો રાખવાને બદલે પોતાની રીતે આ ચૂંટણી માટે આગળ વધવા માગે છે. ‘ભરોસાની ભાજપ સરકાર’શીર્ષક હેઠળ ગૌરવયાત્રા શરૂ થઇ છે. ‘ભરોસા’શબ્દ એક ગામઠી શબ્દ છે. આ શબ્દની અંદર શ્રદ્ધા સમાયેલી છે ત્યારે ભાજપનો હેતુ એ છે કે છેલ્લાં 27 વર્ષથી ભાજપે પ્રજાલક્ષી કામો કરીને પ્રજાને જે ભરોસો અપાવ્યો છે એ ભરોસો હજુ પણ લોકોમાં અકબંધ છે. આમ, શ્રદ્ધા સાથે જોડાયેલા ‘ભરોસા’શબ્દનો ઉપયોગ કરી ભાજપ મતદારોને રીઝવવા માગી રહ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top