Dakshin Gujarat Main

બારડોલીના RTOના મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અને એજન્ટે એવું તે શું કર્યું કે કચેરીમાં ખળભળાટ મચી ગયો

બારડોલી: બારડોલીમાં (Bardoli) મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલક પાસે અરજદારોને ટેસ્ટમાં (Test) પાસ કરી લાઇસન્સ ઇશ્યુ (License issue) કરી આપવાના બદલામાં રૂ.1 લાખની લાંચ (Bribery) માંગનાર બારડોલી RTOના મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અને RTO એજન્ટ એન્ટિકરપ્શન બ્યૂરોના છટકામાં રંગેહાથ પકડાઈ જતાં RTO કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. ACB દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે વર્ષોથી અડ્ડો જમાવીને કચેરીમાં બેસી રહેતા એજન્ટો અને ટાઉટ પણ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.

બારડોલી RTO કચેરીમાં ઘણા સમયથી સામાન્ય પ્રજાએ કામ કરાવવું મુશ્કેલ બની ગયું હતું. સામાન્ય માણસનું નાનું અમથું કામ પણ એજન્ટો કે ટાઉટ વગર થઈ શકતું નથી. કથિત ભ્રષ્ટાચારથી ખરડાયેલી આ કચેરીમાં નાનાં-નાનાં કામો પણ પૈસા વગર થતાં ન હોવાની બૂમરાળ છેલ્લા લાંબા સમયથી ઊઠી રહી હતી. અરજદાર સીધો કામ કરાવવા જાય તો કોઈ કાળે પણ એનું કામ થઈ શકતું નથી. એજન્ટો અને અધિકારીઓની મિલી ભગતને કારણે કચેરીમાં કથિત ભ્રષ્ટાચારની બૂમો ઊઠી હતી. અનેક ફરિયાદો બાદ પણ આરટીઓના અધિકારીઓએ બેરોકટોક લૂંટફાટ મચાવી મૂકી હતી. દરમિયાન મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા એક સંચાલક પાસે બારડોલીના મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અમિત રામપ્યારે યાદવે અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ કરી લાઇસન્સ કાઢી આપવાના કામ માટે 1.50 લાખ રૂપિયાની માંગ કરી હતી. જે લાંચની રકમ અમિત યાદવે RTO એજન્ટ તરીકે કામ કરતાં નિકુંજ નરેશ પટેલને આપવા જણાવ્યું હતું.

રકમ બાબતે રકઝકના અંતે રૂ. 1 લાખ લેવા માટે સંમત થતાં મંગળવારે સ્કૂલ ડ્રાઇવિંગ સંચાલકને પૈસા આપવાનું જણાવ્યું હતું. પરંતુ સંચાલક લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે લાંચરૂશ્વત વિરોધી બ્યૂરો (ACB)નો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. જે છટકામાં બંને આરોપી રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અમિત યાદવ અને RTO એજન્ટ નિકુંજ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડાં ડો.લીના પાટીલનો સપાટો, 20 પોલીસ જવાનોની બદલી
ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસ વડાં તરીકે ડો.લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદ જ એક્શન મોડમાં આવી ગયાં હતાં. જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર સહિતની અસામાજિક અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર ગાજ વરસાવી શરૂ કરી દીધી હતી. લો એન્ડ ઓર્ડર જાળવવા સાથે ગુનાખોરી અટકાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ મોડમાં કરી દીધું હતું. બીજી તરફ હવે ડિપાર્ટમેન્ટમાં પણ તેમણે વહીવટી કારણોસર અને જાહેર હિતમાં પગલાં લેવાનાં શરૂ કર્યાં છે. મંગળવારે DSP ડો.લીના પાટીલે તાબડતોબ સાગમટે ૨૦ પોલીસ જવાનોની બદલીના ઓર્ડરો કરાતાં પોલીસ વર્તુળોમાં સોપો પડી ગયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ભરૂચ એ, બી, સી-ડિવિઝન, અંકલેશ્વર GIDC, દહેજ મરિન, રાજપારડી, આમોદ, હાંસોટ, જિલ્લા ટ્રાફિક અને પેરોલ ફ્લો સ્ક્વોડમાં હાલ ફરજ બજાવતા ૨૦ પોલીસ કર્મચારીઓને હેડ ક્વાટર્સના હવાલે કરી દેવાયા છે. જો બદલી કરાયેલા પોલીસ જવાન હેડ ક્વાટર્સ ઉપર ગેરહાજર રહે તો એ અંગે પણ રિપોર્ટ કરવા પોલીસ અધિક્ષકે તાકીદ કરી દીધી છે.

Most Popular

To Top