Sports

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયાનો થયો આ ફાયદો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમે દક્ષિણ આફ્રિકાને (South Africa) તેના જ ઘરમાં ટેસ્ટ શ્રેણીમાં (Test series) કારમી હાર આપી છે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 182 રનથી ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (World Test Championship) ફાઈનલમાં (Final) આવી પહોંચી છે.

સાઉથ આફ્રિકાન ટીમ આ કારમી હારથી ત્રણ નંબરથી સરકીને ચોથા સ્થાન પર આવી પહોંચી છે. ત્યારે દક્ષિણ આફ્રિકાની હાર સાથે ટીમ ઈન્ડિયાનો ફાઈનલમાં જવાનો રસ્તો આસાન થતો જોવા મળી રહ્યો છે. પોઈન્ટ ટેબલમાં કાંગારૂ ટીમ 78.57 ટકા સાથે ટોપ પર છે. આ પોઈન્ટના મામલામાં ઓસ્ટ્રિલિયાની આસપાસ કોઈ ટીમ જોવા નથી મળી રહી. તમને જણાવી દઈએ કે ફાઈનલ મેચ લંડનના ધ ઓવલ ખાતે પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમો વચ્ચે રમાશે.

બીજા નંબર પર ભારતની સ્થિતિ મજબૂત બની
જ્યારે આફ્રિકન ટીમની આ કારમી હારથી ભારતીય ટીમને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મોટો ફાયદો થયો છે. ટીમ ઈન્ડિયાએ હાલમાં જ બાંગ્લાદેશને બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. આ સાથે ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. આફ્રિકાની હારથી ભારતીય ટીમની સ્થિતિ વધુ મજબૂત થઈ છે. હાલમાં ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 58.93 છે.

તમને જણાવી દઈએ કે આ હાર બાદ દક્ષિણ આફ્રિકા ચોથા નંબર પર પહોંચી ગયું છે. આ ટીમની જીતની ટકાવારી 50 છે. શ્રીલંકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. તેની જીતની ટકાવારી 53.33 છે. હવે ભારતીય ટીમે તેની આગામી શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમવાની છે. આ 4 ટેસ્ટ શ્રેણી જીતવાની સાથે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર બની જશે.

પ્રથમ સિઝનમાં ન્યુઝીલેન્ડ બન્યું હતું ચેમ્પિયન
આ ચેમ્પિયન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝન છે, જે 2021 થી 2023 સુધી ચાલશે. ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિઝનમાં ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી. તેણે ફાઈનલ મેચમાં ભારતીય ટીમને હરાવી હતી. આ ટાઈટલ મેચ સાઉથમ્પટનમાં રમાઈ હતી. આ વખતે ટીમ ઈન્ડિયા પાસે ફરીથી ફાઇનલમાં પહોંચવાની શાનદાર તક છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ સિસ્ટમ

  • ટેસ્ટ મેચ જીત – 12 પોઈન્ટ – 100 ટકા
  • મેચ ડ્રો – 4 પોઈન્ટ – ટકાવારી 33.33
  • ટાઈના કિસ્સામાં – 6 પોઈન્ટ – ટકાવારી 50

ટીમ ઈન્ડિયા માટે ફાઈનલમાં પહોંચવાનું સમીકરણ?

  • જો તેઓ ઓસ્ટ્રેલિયાને 4 ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ કરશે તો ટીમ ઈન્ડિયા સરળતાથી ફાઈનલમાં પ્રવેશ કરી લેશે. જ્યારે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા તેમની બાકીની મેચો જીતીને પણ ફાઇનલમાં પ્રવેશી શકશે નહીં.
  • ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં જો 3-0થી જીત મળે તો પણ ભારતીય ટીમ આસાનીથી ફાઇનલમાં જગ્યા બનાવી લેશે.
  • પરંતુ જો ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં હાર થાય છે અથવા શ્રેણી ડ્રોમાં સમાપ્ત થાય છે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ વધી જશે. ત્યારપછી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમ પોતાની બાકીની મેચો જીતીને ફાઈનલનો દાવો કરશે.

Most Popular

To Top