SURAT

સુરત: વેવાઈને એટેક આવ્યો, તેમને જોવા ગયેલા વેવાણને પણ એટેક આવતા મોત

સુરત- પાંડેસરામાં એક અજીબોગરીબ ઘટના બનવા પડી છે, જેમાં વેવાઈને એટેક (Attack) આવ્યો હતો. વેવાઈની ખબર કાઢવા માટે વેવાણ ગયા ત્યારે વેવાઈને જોઈને જ વેવાણને પણ એટેક આવતા તેમનું પણ મોત (Death) નિપજ્યું હતું. વેવાઈના મોત બાદ માત્ર એક કલાકમાં વેવાણનું પણ મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા વિસ્તારમાં ગોપાલનગરમાં રહેતા નરેશભાઈ ગોરખ ગુરવ( 68 વર્ષ) મનપામાં ક્લાર્ક તરીકે રિટાયર્ડ થઈને નિવૃત્ત જીવન જીવતા હતા. તેમની દીકરી જાગૃતિના લગ્ન ભેસ્તાન વિસ્તારમાં આવેલા અંજનીનંદન રો હાઉસમાં રહેતા વિજય ગુરવના દીકરા સાથે થયા હતા. બંને પરિવાર વચ્ચે બહુ સારો મનમેળ હતો. આજરોજ શુક્રવારે સવારે 10 વાગ્યાના સુમારે નરેશભાઈ ગુરવને એટેક આવ્યો હતો. એટેક બાદ તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. તેમની ડેડબોડી ઘરે જ હતી. બધા સગાવાળાઓને ફોન કરીને એટેક આવ્યો હોવાની જાણ કરી હતી. નરેશભાઈ ગુરવના વેવાણ આશાબેન( 51 વર્ષ)ને પણ જાણ કરવામાં આવી હતી. આશાબેનને માત્ર એટલું જ કહ્યું કે નરેશભાઈને એટેક આવ્યો છે. તેમનું મોત નિપજ્યું હોવાની માહિતી તેમનાથી છૂપાવવામાં આવી હતી.

આશાબેન આશરે 10.45 વાગે નરેશભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યારે તેમને નરેશભાઈને જોયા. તે સમયે પરિવારના સભ્યો રડારડ કરતા હતા. તે સમયે તેમને ખબર પડી કે નરેશભાઈ નથી રહ્યાં. તેજ સમયે આશાબેનની પલ્સ ધીમી પડી અને બ્લડ પ્રેશર પણ ઓછું થવા લાગ્યું હતું. તેમને નજીકના દવાખાનામાં લઈ જવાયા હતા. નજીકના ડોક્ટરે મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. આશાબેનને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે શંકા વ્યક્ત કરી હતી કે આશાબેનને એટેક આવ્યો હોઈ શકે છે. જોકે આશાબેનના મોત બાબતે પોલીસને જાણ કરાઈ ન હતી કે તેમનું પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું ન હતું.

હજીરામાં યુપીવાસી યુવકને ઊંઘમાં જ એટેક આવ્યો અને પળવારમાં મોત
સુરત: હજીરા વિસ્તારમાં ભટલાઈ ગામ ખાતે રહેતા 32 વર્ષના યુવકને ઊંઘમાં જ એટેક આવતાં તેનું મોત નિપજ્યું હતું. એટેક આવ્યો તે પહેલા યુવક જોર-જોરથી નસકોરા લેતો હતો. યુવકના 20 મેના રોજ લગ્ન થવાના હતાં. પોલીસ સૂત્રો અને નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની સનુકુમાર રામઆધાર સિંગ (32), હાલ હજીરાના ભટલાઈ ગામ વિસ્તારમાં કાકા સાથે રહેતો હતો. હજીરાની કંપનીમાં નોકરી કરતા સનુકુમાર સવારે સુતેલો હતો, ત્યારે જોર-જોરથી નસકોરા બોલાવતો હતો. નસકોરાનો અવાજ આવતાં તેના કાકા રાધામોહન તેની પાસે ગયા અને તેમણે સનુકુમારને કહ્યું કે શું થયું? ત્યારે સનુકુમાર કાકા તરફ જોઈને થોડું હસ્યો. પરંતુ બાદમાં તેના શરીરની તમામ મુવમેન્ટ બંધ થઈ ગઈ હતી. તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સનુકુમારની સગાઈ થઈ ગઈ છે અને આગામી 20 મી મેના રોજ તેના લગ્ન થવાના હતાં. આજ રોજ સવારે પાંચ વાગે તેણે પોતાની ફિયાન્સી સાથે ફોન પર વાત કરી હતી.

Most Popular

To Top