Editorial

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ ભાજપ-કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ સમાન

લોકસભાની ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે તે પહેલા તેના રિહર્સલ જેવી ચૂંટણી પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ હવે યોજાવાની છે. આ ચૂંટણીઓ માટેના કાર્યક્રમની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી. છેવટે આ કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ એ પાંચ રાજ્યોની વિધાનસભાઓના ચૂંટણી કાર્યક્રમની સોમવારે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે મુજબ આવતા મહિનાની ૭થી ૩૦ તારીખ વચ્ચે આ ચૂંટણીઓ યોજાશે અને આ તમામ રાજ્યોની મત ગણતરી ત્રીજી ડિસેમ્બરના રોજ થશે અને પરિણામો તે જ દિવસે જાહેર થશે. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી થશે જ્યાં ૭ અને ૧૭ નવેમ્બરે મતદાન થશે. ટૂંકમાં, પાંચમાંથી એક જ રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થશે. આ ચૂંટણી કાર્યક્મ જાહેર થતાની સાથે જ હવે ફરી એકવાર હાકોટા પડકારા શરૂ થઇ જશે.

આ પાંચ રાજ્યોની ચૂંટણીઓ એ આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે લિટમસ ટેસ્ટ સમાન ગણાશે. આ પાંચ રાજ્યોમાંથી બે રાજ્યો – રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન છે જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપનું શાસન છે. તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ(બીઆરએસ)નું અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટનું શાસન છે. આમાંથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે, જ્યારે તેલંગાણામાં પણ આ બંને પક્ષો સત્તા કબજે કરવાની હરિફાઇમાં છે જ્યાં કે. ચંદ્રશેખર રાવની બીઆરએસ ત્રીજી ટર્મ માટે સત્તા મેળવવાની આશા રાખે છે જયારે મિઝોરમમાં પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ હાલના શાસક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટને પડકાર આપશે. આ પાંચમાંથી ત્રણ રાજયો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગાણા એ રાષ્ટ્રીય રાજકારણની રીતે પણ મહત્વના છે અને તેથી આ ત્રણેય રાજ્યો પર ભાજપ અને કોંગ્રેસ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. નવા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સૌથી મોટા પક્ષ એવા કોંગ્રેસ માટે આ ચૂંટણી ઘણી મહત્વની બની રહેશે. જો તે આ ચૂંટણીઓમાં સારો દેખાવ કરશે તો લોકસભા ચૂંટણી માટે પણ ઉત્સાહવર્ધક બાબત હશે.

આ પાંચેય રાજ્યો મળીને કુલ ૧૫ કરોડ કરતા વધુ મતદારો છે, આમાં ૮.૨ કરોડ પુરુષ મતદારો, ૭.૮ કરોડ મહિલા મતદારો છે જ્યારે ૬૦.૨ લાખ મતદારો નવા એટલે કે પ્રથમ વખત મતદાન કરનારા મતદારો છે. મતદારોની સંખ્યાની દષ્ટિએ પણ આ પાંચ રાજ્યોની ચૂંટણી કવાયત મહત્વની બની રહેશે. મહિલા અનામત કાયદો ઘડાયાની કેટલી અસર મહિલા મતદારો પર થાય છે તે પણ કદાચ ભાજપ ચકાસશે. તો બીજી બાજુ કોંગ્રેસ જ્ઞાતિ સર્વેનું પત્તું રમવાનો પણ પ્રયાસ ખાસ કરીને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કરશે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચૂંટણી યોગ્ય અને વાજબી રીતે થાય તે માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મતદાન યોગ્ય અને વાજબી રીતે થાય તે માટેના સંપૂર્ણ પ્રયાસો ચૂંટણી પંચ કરે તે જરૂરી છે. છેવટે તો લોકશાહીને સાર્થક બનાવવા માટે મુક્ત, વાજબી અને ન્યાયી ચૂંટણીઓ ખૂબ જરૂરી છે.

Most Popular

To Top