SURAT

સ્માર્ટ સિટી સુરતના ગાર્ડનોમાં રમતગમત અને કસરતનાં સાધનોની હાલત જોઈને શરમ આવી જશે

સુરત: સ્માર્ટ સિટી સુરતમાં મોટા ઉપાડે ગાર્ડનો બનાવી તેમાં રમતગમત અને કસરતના સાધનો મુકી દેવાયા છે પરંતુ જાળવણીના અભાવે આ સાધનોની હાલત બદતર થઈ છે. કસરત અને રમતગમતના સાધનોની હાલત જોઈ પ્રજાને તો શરમ આવી રહી છે, શાસકો અને અધિકારીઓને તેનાથી કોઈ ફરક પડતો હોય તેમ લાગતું નથી.

મેયર દક્ષેશ માવાણી પદભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં દેખાયા હતા. તેઓએ કતારગામ ઝોનમાં આવેલા શ્યામાપ્રસાદ મુખર્જી લેક ગાર્ડન તેમજ અલકાપુરી સુમુલ ડેરી રોડ પર આવેલા મનપાનાં ગાર્ડનોની વિઝિટ લીધી હતી. મોર્નિંગ વોક સાથે સ્થાનિક કોર્પોરેટરો તેમજ પ્રજા સાથે વોક કરી રજૂઆતો સાંભળી હતી, જેમાં ખાસ કરીને લેક ગાર્ડનમાં સાધનોની ચોરી તેમજ અન્ય બાબતે લોકોએ રજૂઆતો કરી હતી. જેનો તાકીદે નિકાલ લાવવા માટે મેયરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. અને દર અઠવાડિયે મેયર ગાર્ડનોની વિઝિટ લેશે તેવી વાતો થઈ હતી. પરંતુ હજી પણ શહેરનાં અન્ય ગાર્ડનોની હાલત બદતર જોવા મળી રહી છે.

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે બાળકો ગાર્ડનોમાં રમવા જઈ રહ્યા છે, પરંતુ રમતગમતનાં સાધનો જ તૂટેલી હાલતમાં હોવાના કારણે બાળકો અહીં રમી શકતાં નથી.

મનપા દ્વારા મોટા પાયે પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકી દેવામાં આવે છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે લોકઉપયોગી સાબિત થતા નથી. મનપા દ્વારા શહેરમાં ઠેકઠેકાણે ગાર્ડનો સાકાર કરાયાં છે. પરંતુ આ ગાર્ડનનું યોગ્ય મેઈન્ટેનન્સ ન થતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.

શહેરના પુણા વિસ્તારમાં બીઆરટીએસ કેનાલ રોડ પર આવેલા પુણા ઉદ્યાન નામના ગાર્ડનમાં બાળકો માટેનાં રમતગમતનાં મોટા ભાગનાં સાધનો તૂટી ગયાં છે, પરંતુ હજુ સુધી કોઈ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત કસરત કરવા માટેનાં સાધનો પણ તૂટીને ભંગાર થઈ ગયાં છે, તેમ છતાં તેમના પર ધ્યાન આપવામાં આવતું નથી.

આ સિવાય પુણા વિસ્તારમાં આઇ માતા રોડ પર સુરભી સોસાયટીની બાજુમાં આવેલા પુષ્ટિ ઉદ્યાનમાં પણ આવી જ હાલત છે. બાળકોના હીચકા તૂટી ગયા છે. આ ઉપરાંત અલગ અલગ સાધનો પણ તૂટી જવા છતાં તંત્ર દ્વારા કોઇ તકેદારીનાં પગલાં લેવામાં આવ્યાં નથી. તેમજ ગાર્ડનમાં મૂકવામાં આવેલી કચરાપેટી પણ તૂટેલી હાલતમાં પડી છે. જેથી કચરાના પણ ઢગલા ગાર્ડનમાં કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top