Dakshin Gujarat

સુરત શહેરને અડીને આવેલું તેમજ બુલેટ ટ્રેનને કારણે પ્રખ્યાત થયેલું પલસાણા તાલુકાનું આ ગામ

પલસાણા (Palsana) તાલુકાનું અંત્રોલી ગામ હાલ તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના (Bullet train) લીધે પ્રખ્યાત થયું છે. બુલેટ ટ્રેનનું સ્ટોપેજ અપાતાં આ ગામની રોનક બદલાઈ ગઈ છે અને અહીં જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો બુલેટ ટ્રેનના કારણે સરકારે પણ અહીંના ખેડૂતોને જંત્રીના ચારગણા રૂપિયા આપતાં ખેડૂતો પણ માલામાલ થઈ ગયા છે.
પલસાણા તાલુકાનું છેલ્લું અને સુરત શહેરને અડીને આવેલું અંત્રોલી ગામ સરકારી ચોપડે માત્ર 2114 ની વસતી ધરાવે છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. અહીં ગામની બહાર સેંકડો એપાર્ટમેન્ટ બની ગયાં છે. અંદાજે 5000થી પણ વધુ વસતી અહીં આજે જોવા મળે છે. અંત્રોલી ગામના લોકો મૂળ ખેતી સાથે જોડાયેલા છે અને જેમ અહીંના ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને કેળાં છે તેમ કેટલાક ખેડૂતો શાકભાજીના પાક તરફ પણ વળ્યા છે. આ ગામમાં પાણીથી લઈને રસ્તા જેવી તમામ સુવિધાઓ જોવા મળે છે. આ ગામમાં લોકોમાં એક સંપ ખરો. અહીં દરબાર-રાજપૂત, અનાવિલ-દેસાઈ, કોળી પટેલ અને આદિજાતિની વસતી પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ગામમાં રામજી મંદિર અને મહાદેવનું મંદિર આવેલું છે. તેમજ ગામમાં બે વિશાળ તળાવ પણ આવેલાં છે. જેના કારણે ગામમાં પાણીનાં સ્તર ઊંચા રહે છે.

અંત્રોલી ગામમાં ધીમે ધીમે અન્ય પ્રાંતના લોકો આવીને વસતા થયા હોવાથી કેટલાક લોકો અંત્રોલી છોડીને નજીકના બારડોલી અને નવસારી જેવાં ગામોમાં પણ સ્થાયી થયા છે. તેમ છતાં રોજ સવારે ખેતી કરવા ગામમાં આવે છે. આ ગામમાં ભણતરનું પ્રમાણ પણ સારું હોવાથી ઘણા યુવાનો ડોક્ટર, વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા જોવા મળે છે. અંત્રોલી ગામના લોકો વિદેશમાં પણ સ્થાયી થયા છે. જેને કારણે તેમણે ગામના વિકાસમાં યોગદાન આપતાં આજે ગામની કાયાપલટ થઈ રહી છે. ખાસ કરીને કોરોનાના સમયમાં એનઆરઆઈ ભાઈઓએ ગામના જરૂરિયાતમંદ લોકોની પડખે રહીને અનાજની કિટ્સનું વિતરણ કર્યું હતું. તેમજ ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટે યુનિફોર્મ તેમજ તેમને લગતી જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ગ્રામજનોના સહકારથી પૂરી પાડવામાં આવી રહી છે.

અગાઉ આ ગામમાં માત્ર એક જ પ્રાથમિક શાળા સાત ધોરણ સુધી હતી. આથી ગામના લોકોએ કડોદરા તેમજ સાબરગામ ખાતે વધુ અભ્યાસ માટે જવું પડતું હતું. પરંતુ હાલમાં અંત્રોલીમાં પરપ્રાંતીઓની વસાહતમાં ધોરણ-10 સુધીની શાળા પણ ખૂલી ગઈ છે. તેમ છતાં આ શાળામાં માત્ર પરપ્રાંતીઓનાં બાળકો જ અભ્યાસ કરતા આવ્યાં છે. આજે પણ આ ગામના લોકો સાબરગામ કે સુરત શહેરમાં અભ્યાસ કરવાનું વધુ પસંદ કરે છે. અંત્રોલી ગામ શહેરને અડીને આવેલું હોવાથી ગ્રામ પંચાયત દ્વારા અહીં કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ગામની સુરક્ષા માટે ગામના દરેક મુખ્ય માર્ગ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ઘણી વખત શહેરમાં કે નજીકનાં ગામોમાં ચોરી, લૂંટ કે હત્યા થાય છે ત્યારે આ કેમેરા પોલીસ માટે વરદાનરૂપ સાબિત થાય છે.

માજી મહિલા સરપંચ કલાબેને તેમના કાર્યકાળમાં ગામની કાયાપલટ કરી
અંત્રોલી ગામમાં મહિલાઓ શિક્ષિત હોવાથી ગામના વિકાસમાં એમનો પણ સિંહફાળો છે. અંત્રોલીનાં માજી મહિલા સરપંચ કલાબેન પ્રવીણભાઈ પટેલના સમયમાં અંત્રોલીથી વાંકાનેડા કટ સુધીના ડામર રોડનું કામ કરવામાં આવ્યું હતું. તેમજ ચોમાસા દરમિયાન અંત્રોલી ગામમાં મુખ્ય એન્ટ્રી ઉપર ખાડીનું ગરનાળું નાનું હોવાથી પાણી ભરાઈ જવાની સમસ્યા હતી. જેથી કલાબેનનાં સરપંચ કાળમાં આ બંને ગરનાળાં પર લો લેવલ બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો. સાથે ગામમાં પુલ ફળિયામાં સીસી રોડનું કામ, ચોકી ફળિયા સાથે રામજી મંદિરથી મહાદેવ મંદિર જતા સીસી રોડનું કામ કરાયું હતું. ટેકરી ફળિયામાં ગટર લાઈન સાથે સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. દરેક સમાજને ન્યાય મળે એ હેતુથી ભૂરી ફળિયું, હળપતિવાસ અને હરિજનવાસમાં પણ સીસી રોડની કામગીરી કરાઈ હતી. ગામના લોકોને હરવાફરવા સમાન પંચવટી ગાર્ડનનું કામ પણ કલાબેનના સમયમાં કામ કરવામાં આવ્યું હતું. તેઓ ભૂતકાળમાં પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉપપ્રમુખ તરીકે સેવા પણ બજાવી ચૂક્યાં છે.

બુલેટ ટ્રેન પ્રથમ ફેસમાં અંત્રોલી સ્ટેશનથી બીલીમોરા સુધી દોડશે
સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર ટિકિટબારી તથા વેઇટિંગ હોલ બનાવાશે
પહેલા માળે દુકાનો પણ હશે, જેથી લોકો ખરીદી કરી શકે તેમજ આહાર પણ લઈ શકે

બુલેટ ટ્રેન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ પહેલાં સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડવાની છે. આ ટ્રેનનું સ્ટેશન સુરતમાં અંત્રોલી ખાતે બની રહ્યું છે. હાલમાં અંત્રોલી ખાતે સ્ટેશનનો બીજો માળ બની ચૂક્યો છે. ત્યારે ટૂંક સમયમાં એ સ્ટેશન તૈયાર થઇ જશે એવી આશા રખાઇ રહી છે. જે રીતે રાત-દિવસ કામ ચાલી રહ્યું છે તે જોતાં 2024 પહેલાં આ ટ્રેનનો પહેલો ફેસ શરૂ થઇ જશે તેમ જોવા મળી રહ્યું છે.

બે વર્ષ પહેલાં 2021માં તો અંત્રોલીમાં બંજર જગ્યા પડી હતી. આજે ત્યાં હાઇસ્પીડ ટ્રેન માટેનું કામકાજ એટલી ઝડપથી થઇ રહ્યું છે કે અંત્રોલીની એ જગ્યાની સૂરત બદલાઇ ગઇ છે. ગુજરાતના આઠ જિલ્લામાંથી પસાર થતી આ ટ્રેનના 352 કિલોમીટરના ટ્રેકના કામ માટે 100 ટકા સિવિલ કોન્ટ્રાક્ટ અપાઇ ગયા છે. બીજી તરફ માર્ગમાં આવતી નદીઓ ઉપરના પુલનાં કામ પણ થઇ રહ્યાં છે. તો સુરતની વાત કરીએ તો બુલેટ ટ્રેન માટે અંત્રોલી ખાતે સ્ટેશન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ અંત્રોલી ખાતે સ્ટેશનનો બીજો માળ બની ગયો છે અંત્રોલી સુરત શહેરથી થોડો દૂરનો વિસ્તાર છે, તેથી બુલેટ ટ્રેનના મુસાફરોને સુરત સુધી જવા આવવામાં અગવડ ન પડે એ માટે સારોલીથી અંત્રોલી સુધીનો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થઇ રહ્યો છે. આ રૂટ લગભગ 4 કિલોમીટર લાંબો છે. ડિસેમ્બર-2022 સુધીમાં તો 15.7 કિલોમીટરના વાયડક્ટ તૈયાર થઇ ગયા છે. 118 કિલોમીટરના વિસ્તારમાં પિલર પણ બની ગયા છે. ગુજરાતમાં 29.78 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.

અંત્રોલી સ્ટેશને બીજો માળ બંધાઇ રહ્યો છે. આ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર ટિકિટબારી તથા વેઇટિંગ હોલ બનાવાશે. જ્યારે પહેલા માળે દુકાનો પણ હશે. જેથી લોકો ખરીદી કરી શકે તેમજ આહાર પણ લઇ શકે. પહેલા માળે પણ વેઇટિંગ હોલ બનાવાશે. જેથી મુસાફરો ત્યાં બેસીને રાહ જોઇ શકે. આરામ કરી શકે. જ્યારે બીજા માળે પ્લેટફોર્મ આવી જશે. મતલબ કે ત્યાંથી લોકો બુલેટ ટ્રેનમાં બેસી શકશે. મેટ્રો સ્ટેશનની જેમ અહીં પણ મેટલ અને કાચનો શેડ હશે અને ત્યાંથી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી શકાશે.

અંત્રોલીના યુવાનો માટે સ્પોર્ટસ એક્ટિવિટી માટે તૈયાર થયેલું આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ
પલસાણા તાલુકાના અંત્રોલી ગામે અંત્રોલી ગામ ગૌશાળા ટ્રસ્ટને પણ બુલેટ ટ્રેન ફળી હોય એમ લાગે છે. જેના કારણે ગામની ટ્રસ્ટની જગ્યાનું પણ થોડું સંપાદન થવાથી ટ્રસ્ટને સરકાર દ્વારા 4 કરોડ આપવામાં આવ્યા હતા. જેથી ગૌશાળા ટ્રસ્ટના વહીવટ કરનારાઓએ ગામના યુવાધન માટે ગામનાં બાળકો મોબાઇલ, અન્ય વ્યસન કે કુટેવમાં નહીં ફસાય એ માટે અંદાજિત 11 વીઘાં જેટલી જમીન એટલે કે 2.50 લાખ સ્ક્વેર ફૂટ જમીનમાં આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાખોનો ખર્ચ કરી રણજીના ખેલાડી ક્રિકેટ રમે તેવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને એની અસર થોડા સમયમાં જ ગામમાં જોવા મળી રહી છે. ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણસિંહ દેવધરાએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ પાસે મોટી જમીન છે. અહીં ટ્રસ્ટની આર્થિક સ્થિતિ પણ સધ્ધર છે. હાલના સમયે ગામનાં બાળકો યુવાનો મોબાઈલની લત લગાવીને બેઠા છે, રમતગમતથી દૂર જતા જણાઈ રહ્યા છે. ગામના કેટલાક યુવાનો આગળ આવતાં આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનું નક્કી કર્યુ. જેને ટ્રસ્ટ અને ગામના આગેવાનોએ સંમતિ આપતાં યુવાનોની મહેનતથી હરિયાળા વિસ્તારમાં વચ્ચોવચ ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થયું છે. ગ્રાઉન્ડ તૈયાર કરવામાં તજજ્ઞોની મદદ લેવામાં આવી છે. ગ્રાઉન્ડની ત્રણ ગ્રાસવાળી ત્રણ ટફ વિકેટ (પિચ) તૈયાર કરવામાં આવી છે. જ્યારે 3 પ્રેક્ટિસ વિકેટ બનાવવામાં આવી છે. ઉપરાંત ગ્રાઉન્ડ એટલું વિશાળ છે કે, 65 મીટર જેટલી બાઉન્ડ્રી છે. ગ્રાઉન્ડ બન્યાના પ્રથમ વર્ષે જ સિઝન બોલથી ઇન્ટર વિલેજની બે ટુર્નામેન્ટ રમાડવામાં આવી છે, જેમાં 10 જેટલી ટીમે ભાગ લીધો છે. 60થી લઈ 14 વર્ષના ગામના યુવા વર્ગે ભાગ લીધો હતો, એ ઘણી મહત્ત્વની બાબત છે. તેમજ આ ગ્રાઉન્ડ હવે ઘણું લોકપ્રિય થઇ જવાથી અહીં આંતર સમાજની પણ ટુર્નામેન્ટ રમાઈ ચૂકી છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ આજુબાજુના વિસ્તારમાં હવે લોકપ્રિય બન્યું છે. જેથી યુવાનો શનિ અને રવિવારે મોટી સંખ્યામાં મેચ જોવા આવી રહ્યા છે.

ગામમાં બે પ્રવેશદ્વાર
અંત્રોલી ગામનાં બે પ્રવેશદ્વાર છે. આ પ્રવેશદ્વાર ઉપર બે આકર્ષક ગેટ ગામના ખેડૂત અને સહકારી અગ્રણી અરવિંદભાઈ પરભુભાઈ પટેલ દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવ્યા છે. એક ગેટ એમના પિતા પરભુભાઈ પટેલ અને બીજા ગેટ ઉપર માતા લલિતાબેન પટેલની યાદમાં બનાવવામાં આવ્યો છે.

અંત્રોલીથી ઓવિયાણ વચ્ચે આવેલા ખાડી પુલની સમસ્યા વર્ષોથી અકબંધ
ચોમાસા પહેલાં પુલનું કામ પૂર્ણ થાય તેવી ગામ લોકોની માંગ

પલસાણા તાલુકાના અંત્રોલી ગામેથી ઓવિયાણ-કોસમાડા ગામને જોડતા મીઠી ખાડી પરના પુલની વર્ષો જૂની સમસ્યા હજુ પણ અકબંધ છે. ચોમાસામાં ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જાય એટલે ઓવિયાણ અને કોસમાડા ગામ સંપર્કવિહોણા બની જાય છે. અને હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ બંને છેડા પર એપ્રોચની કામગીરી બાકી હોવાથી આજે પણ ત્રણ ગામોના હજારો રહીશો પાંચ કિલોમીટરનો ચકરાવો મારવા માટે મજબૂર બની જાય છે.
અંત્રોલી ગામની સીમમાંથી પસાર થતી મીઠી ખાડી એક સમયે ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરીસમાન હતી અને આસપાસનાં ખેતરોમાં પાણી પણ ખાડીમાંથી મળી રહેતું હતું. પરંતુ સમય જતાં કડોદરા, વરેલી તેમજ જોળવા ગામોનાં ઔદ્યોગિક એકમોનું કેમિકલયુક્ત પાણી ખાડીમાં મિક્સ થઇ જતાં હવે આ ખાડી ગામના લોકો માટે શ્રાપસમાન બની ગઇ છે. જેને લઇ આ ગામના રહીશોની એ.સી. તથા ઇલેક્ટ્રોનિક સાધન સામગ્રી પણ ખરાબ જઇ જાય છે. તેમજ વૃદ્ધોને ફેંફસાંની તકલીફો પણ વધવા પામી છે. હાલ તો માર્ગ અને મકાન વિભાગ બાકી પુલના એપ્રોચ રોડની કામગીરી વરસાદ પહેલાં પૂર્ણ કરે એવી ગામ લોકોની માંગ છે.

બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં 1126 કરોડ આવતાં સામાન્ય લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરી
અંત્રોલીમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવામાં આવી હતી અને સરકાર દ્વારા જંત્રીના ચારગણા ભાવો ખેડૂતોને આપવામાં આવ્યા છે. અંત્રોલી ગામના ખેડૂતોના ખાતામાં 1126 કરોડ રૂપિયા જમા થવાથી શ્રીમંત ખેડૂતો સાથે સામાન્ય ખેડૂતો પણ કરોડપતિ બન્યા હતા. નાના ગામમાં આટલા રૂપિયા આવવાથી પહેલા ગામમાં માત્ર એક સિન્ડિકેટ બેંક હતી, પણ બુલેટ ટ્રેનના લીધે બીજી બે બેંક આઈસીઆઈસીઆઈ અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંક પણ અંત્રોલીમાં આવી ગઈ છે. ગામમાં ઘણા ખેડૂતોએ અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદી છે, તો કેટલાક પરિવારે પૈસા આવવાથી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ પણ મોકલ્યા છે. તો કેટલાક એનઆરઆઈઓ ભારત પોતાના વતન આવી પૈસાનું ઈન્વેસ્ટ કર્યુ હતું. આમ, અંત્રોલી ગામમાં બુલેટ ટ્રેનના લીધે ગામના લોકોની આર્થિક પરિસ્થિતિ પણ સુધરી છે.

ગામના વિકાસની વાત આવે તો ભાજપ-કોંગ્રેસ ભાઈભાઈ
પલસાણા તાલુકાનું અંત્રોલી ગામ આમ છેવાડાનું નાનું ગામ હતું અને અહીં ઘરે ઘરે રાજનેતા હોવાની માન્યતા પહેલા હતી. આથી જ અહીં રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રે પણ એક અલગ ઓળખ છે. આ ગામમાં કડોદરા સહકારી નાગરિક બેંકના ઉપપ્રમુખ અને કોંગ્રેસના જિલ્લાના મહામંત્રી પદે અજયસિંહ દેવધરાનું આગવું નામ છે. તેવી જ રીતે ભાજપ તાલુકા સંગઠનમાં ઉપપ્રમુખ રહી ચૂકેલા અને ગામમાં ઉપસરપંચ પદે રહી ગામનો વિકાસ કરનારા દેવેન્દ્રસિંહ બારડનો પણ દબદબો છે. આ બંને ભાજપ-કોંગ્રેસમાં હોવા છતાં ગામની ભલાઈમાં હંમેશાં એકજૂટ રહી કામ કરતા આવ્યા છે. જેના કારણે જ આજે ગામમાં રસ્તા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાથી આ ગામ સધ્ધર છે.

અંત્રોલીના ગ્રામજનોએ કડોદરા સ્માર્ટ પોલીસ સ્ટેશન માટે કરોડો રૂપિયાની જમીન આપી
અંત્રોલીના ગ્રામજનોએ આ વિસ્તારના લોકોની પણ ચિંતા રાખી છે. જેના કારણે કડોદરા સ્માર્ટ પોલીસ સ્ટેશન માટે કરોડોની જગ્યા સરકારને ફાળવી આપી છે. આજે કડોદરામાં જે પોલીસ સ્ટેશન છે તેમાં મુખ્ય ફાળો અંત્રોલીનો છે. તેમજ એના નિર્માણ માટે પલસાણા એન્વાયરો તેમજ ઐશ્વર્યા ડાઇંગ મિલના માલિક રમેશ ડુમસિયા સાથે અન્ય ઘણી નાની-મોટી મિલોના માલિકોએ આર્થિક ફાળો આપ્યો હતો. જેના કારણે એક શાનદાર સ્માર્ટ પોલીસ સ્ટેશન બન્યું હતું. જેને તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. હાલમાં જ આ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી પ્રોજેક્ટના કંટ્રોલ રૂમનું લોકાર્પણ તેમજ સાયબર ક્રાઇમ અને જિલ્લાના ટેક્નિકલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.

કેળાં મંડળી વાર્ષિક સાત કરોડથી વધુનું ટર્નઓવર કરે છે
અંત્રોલી કેળાં મંડળી આ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરીસમાન મંડળી છે. આ મંડળીમાં કેળાં સાથે રાસાયણિક ખાતરથી લઈ અનાજ અને દિવાળી ઉપર ફટાકડાનો પણ વેપાર કરવામાં આવે છે. આ મંડળીનું વાર્ષિક ટર્નઓવર સાત કરોડથી પણ વધુ છે. ગાયકવાડ સરકારના વડોદરા રાજ્યના નવસારી પ્રાંતના સહકાર ખાતાના અધિકારી બેદરકર સાહેબની પ્રેરણાથી ઈ.સ.૧૯૪૬માં ભાઈચંદભાઈ ત્રિભુવનભાઈ પટેલના ચેરમેન પદે અંત્રોલી ગામની સાધન સહકારી મંડળી ચાલુ કરી હતી. પાછળથી અંત્રોલી ગામની સેવા સહકારી મંડળી લિ. બની. ૧૯૪૮માં વડોદરા રાજ્યનું ભારત સંઘમાં વિલિનીકરણ થયું અને અંત્રોલી ગામ સુરત જિલ્લામાં આવ્યું.

અને સેવા સહકારી મંડળી મારફત પેકેજ યોજના મુજબ મંડળીના સભાસદોને ખેતી માટે ધીરાણ આપવા માંડ્યું. અંત્રોલી સેવા સહકારી મંડળીને જિલ્લા પંચાયતમાંથી રાસાયણીક ખાતર વેચવાનું લાઇસન્સ મળ્યું. જેથી ધીરાણ, ખાતર, પિયતની સગવડ થતાં નિયોલ અને વાંકાનેડાના ખેડૂતો પણ અંત્રોલી સેવા સહકારી મંડળીના સભાસદ થયા. બિનપિયત પાકોને બદલે ખેડૂતોએ કેળાંની ખેતી કરી. કેળાં સારા થવા માંડ્યાં, પણ વેપારીઓ કેળાંની પૂરી કિંમત આપતા ન હતા. પુણા કુંભારિયા કેળાં સોસાયટીના પ્રમુખ દયારામ જીવાભાઈ પટેલે અંત્રોલી મંડળીનાં કેળાં તેમના સભાસદોનાં કેળાં સાથે વેચવા સંમતિ આપી અને અંત્રોલીના સભાસદોનાં કેળાં ત્યાં વેચાવા માંડ્યાં. પણ તેમના સભાસદોનાં કેળાં વેચાણ ઉપર ૧ ટકો કમિશન લેતા હતા અને અંત્રોલીનાં કેળાં ઉપર પાંચ ટકા કમિશન લેતા હતા.

અંત્રોલીના પરભુભાઈ રણછોડજી પટેલ અને ભગુભાઈ હરિસિંહ દેવધરાને આ યોગ્ય ન લાગતાં અંત્રોલી મંડળીએ કેળાં જાતે વેચવા જોઈએ એવો આગ્રહ ભાઈચંદભાઈએ કર્યો. અને અંત્રોલી કેળાં મંડળની સ્થાપના કરી, તે નામે મુંબઈના મેસર્સ મુલ્લા બ્રધર્સને અંત્રોલીનાં કેળાં વેચવા માંડ્યાં. અંત્રોલીના ધીરાણથી કેળાં બનાવનાર મોટા ભાગના ખેડૂતોને વિશ્વાસ નહીં કે મુલ્લા બ્રધર્સ કેળાંના પૈસા આપશે. આથી તેમણે તેમનાં કેળાં પુણા-કુંભારિયા મંડળીમાં જ આપવાનું ચાલુ રાખ્યું. જેથી મુંબઈ માટે ટ્રક કે વેગન ભરવા જોઈતાં કેળાં મળે નહીં, ત્યારે અંત્રોલીના મગનભાઈ ગાંડાભાઈ પટેલે અંત્રોલી કેળાં મંડળને જ કેળાં આપવા સભાસદોને સમજાવવામાં ખૂબ મદદ કરી હતી. અને વસૂલાતની શરૂઆતમાં ખેડૂતોને કેટલાં કેળાં લાવવા એ જણાવવું, કેળાં તોલી ખેડૂતોની તેની પહોંચ આપવી, મંડળીના ચોપડાઓ લખવા, બેંક-વેપારીઓ અને ખાતરના એજંટો સાથે વાત કરવી, ધીરાણ કરવું, ખાતર વેચવું અને બીજાં બધાં કામો મોહનસિંહ બારડ એકલા હાથે કરતા હતા. બધુ કામકાજ એમના ઘરમાં જ ચાલતું હતું. કામ જેમ વધતું ગયું તેમ બીજા કર્મચારીઓ વધાર્યા. અને કેળાં વેચવાનું ચાલુ થયું. એટલે કામરેજ અને ચોર્યાસી તાલુકાનાં કેટલાંક ગામો અને પલસાણા તાલુકાનાં બીજાં ગામો પણ અંત્રોલી મંડળીમાં જોડાતાં ગયાં.
અંત્રોલી સેવા સહકારીના કાર્યક્ષેત્રમાં તેમનો સમાવેશ થઈ ન શકે. આથી ચીફ પ્રમોટરે મુખ્ય આયોજક તરીકે શ્રી અંત્રોલી વિભાગ સહકારી કેળાં મંડળ લિ.ની નોંધણી માટે અરજી કરી. કેટલાકનો વિરોધ હોવા છતાં ખાતાના સુરત જિલ્લાના રજિસ્ટ્રાર દ્વારા તા.૭-૯-૬૫ના રોજ કેળાં મંડળીની નોંધણીનો હુકમ કર્યો હતો. અંત્રોલીના કામકાજથી પ્રભાવિત થઈને ધ સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ. પરચેઝે સેલ યુનિયનના તે સમયના પ્રમુખ લલ્લુભાઈ હરિભાઈ પટેલની આગેવાની હેઠળ કતારગામના ખેડૂતો પણ પોતાનાં કેળાં અંત્રોલીમાં આપવા લાગ્યા હતા અને આજે અંત્રોલી કેળાં મંડળીના પારદર્શક વહીવટના કારણે સાત કરોડનું ટર્નઓવર કરનારી મંડળી બની છે. હાલ પ્રમુખ તરીકે અરવિંદભાઈ પટેલ વહીવટ કરી રહ્યા છે.

આગામી દિવસોમાં ફ્રૂટ માર્કેટનું નિર્માણ થશે
આગામી દિવસોમાં અંત્રોલીમાં એક વિશાળ ફ્રૂટ માર્કેટ પણ બની જશે. જે ગાંધી ફ્રૂટ માર્કેટના નામે નિર્માણ થઈ રહ્યું છે. હાલ કેટલાક સમયથી ફ્રૂટ માર્કેટનું કામ બંધ જોતાં હજુ આ માર્કેટ શરૂ થતાં થોડો વધુ સમય જોવાઈ રહ્યો છે. આ માર્કેટમાં ફ્રૂટના હોલસેલ વેપારીઓ માટે 165 દુકાન બનશે તેમજ પાંચ માળ સુધી અન્ય ઓફિસ, કોમર્શિયલ દુકાનો, હોટેલ બનાવવાની તૈયારી પણ ચાલી રહી છે. આમ, અંત્રોલી વેપારની દૃષ્ટિએ પણ આગામી દિવસોમાં એક અલગ નામના મેળવશે. આંતરરાજ્યમાંથી વિવિધ જાતનાં ફ્રૂટ આગામી દિવસોમાં જોવા મળશે.

Most Popular

To Top