Science & Technology

NASAએ એલન મસ્કને 30000 સ્ટારલિંક સેટેલાઇટ લોન્ચિંગ મામલે આપી ચેતવણી

ન્યુયોર્ક: અમેરિકન બિઝનસમેન એલન મસ્કની (Alan Musk) કંપની સ્પેસએક્સ (SpaceX) 30,000 સ્ટારલિંક સેટેલાઇટ (Starlink Satellite) અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહી છે. તેના આ પ્લાન પર નાસાએ ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી છે. સ્પેસએક્સે અગાઉ 12000 ઉપગ્રહો દ્વારા બ્રોડબેન્ડ ઈન્ટરનેટ (સ્ટારલિંક ઈન્ટરનેટ)ની લોન્ચ કરવાની મંજૂરી લીધી હતી. હવે સ્પેસએક્સ 30000 ઉપગ્રહોથી બનેલા સેકન્ડ જનરેશન મેગાકોન્સ્ટેલેશનની લોન્ચિંગ માટે વિનંતી કરી રહ્યું છે. સ્પેસએક્સની આ યોજના પર નાસાએ ચેતવણી આપતા કહ્યું છે કે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં આટલા બધા ઉપગ્રહોને મોકલવાથી વિજ્ઞાન અને માનવ અવકાશ ઉડ્ડયન પર અસર પડી શકે છે. નાસાએ એવી ચેતવણી પણ આપી છે કે આટલી મોટી માત્રામાં ઉપગ્રહોની જમાવટથી અવકાશમાં અથડામણની શક્યતા અનેક ગણી વધી જશે. થોડા દિવસો પહેલા ચીનનો એક સાયન્સ સેટેલાઇટ રશિયન સેટેલાઇટના કાટમાળ સાથે અથડાતા બચી ગયો હતો.

એલન મસ્ક ટીકાઓ છતાં અવકાશમાં 30,000 ઉપગ્રહો તૈનાત કરવાના પ્રોજેક્ટને વળગી રહ્યા છે. સ્ટારલિંક પ્રોજેક્ટની શરૂઆતથી લોન્ચ થયેલા ઘણા સેટેલાઇટ્સ કામ કરવાનું બંધ કરી ચુક્યા છે. તેઓ હવે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં અવકાશમાં ભંગાર બનીને ફરી રહ્યા છે. તેમનાથી અન્ય અવકાશયાન ક્રેશ થવાનો ભય છે. નાસાનું કહેવું છે કે આ રીતે આટલા બધા ઉપગ્રહો તરતા મુકવાથી અવકાશ અવ્યવસ્થિત થઈ જશે.

સ્ટારલિંક સેટેલાઇટ ચીનના સ્પેસ સ્ટેશન સાથે ટકરાતા બચ્યો હતો
ડિસેમ્બરમાં, ચીને એલન મસ્કની ટીકા કરી આરોપ લગાવ્યો કે તેના સ્પેસ સ્ટેશન ટિઆંગોંગ SpaceX ઉપગ્રહો સાથે બે વાર અથડાતા બચ્યો છે. ચીનના સ્પેસ સ્ટેશન ટિઆંગોંગ પર હાલમાં ત્રણ અવકાશયાત્રીઓ સવાર છે. ચીને સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં આ સંભવિત અથડામણની માહિતી આપવામાં આવી છે. આ ઉપગ્રહો ખગોળીય અવલોકનોમાં અવરોધ ઉભો કરી રહ્યા છે.

નાસાએ ફેડરલ કોમ્યુનિકેશન કમિશનને કરી આ અપીલ
નાસાએ ફેડરલ કોમ્યુનિકેશન કમિશનને જણાવ્યું છે કે સ્ટારલિંક પ્રોજેક્ટમાં ઉપગ્રહોની સંખ્યા વધારવાથી અવકાશમાં અથડામણની ઘટનાઓ વધી શકે છે. જેનાથી નાસાના વિજ્ઞાન અને માનવ મિશનને પણ ખતરો બની શકે છે. નાસાએ કહ્યું કે હાલમાં પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં કુલ 25000 વસ્તુઓને ટ્રેક કરવામાં આવી છે, જેમાંથી લગભગ 6100 વસ્તુઓ 600 કિમીથી નીચે છે. સ્પેસએક્સનું સેકન્ડ જનરેશન વિસ્તરણ પૃથ્વીની નિચલી ભ્રમણકક્ષામાં ટ્રેક કરાયેલી વસ્તુઓની સંખ્યા બમણી કરતા વધારી શકે છે. નાસાએ એ પણ અહેવાલ આપ્યો છે કે આ મિશન 600 કિમીથી નીચેની વસ્તુઓની સંખ્યામાં પાંચ ગણો વધારો કરશે. હાર્વર્ડ સ્મિથસોનિયન સેંટર ફોર એસ્ટ્રોફિઝિક્સના જોનાથન મેકડોવેલે પણ આ વાતને સમર્થન આપ્યું છે કે આ રીતે આટલી મોટી સંખ્યામાં સેટેલાઈટ મોકલવાથી અંતરિક્ષની ચિંતા સાથે અમારી ચિંતામાં પણ વધારો થશે.

Most Popular

To Top