Entertainment

ઐશ્વર્યા ફરી સંમોહન કરશે

ઐશ્વર્યા રાયને સિનેમાના પરદા પર જોવા આતુર પ્રેક્ષકો હજુ પણ ઓછા નથી. ઐશ્વર્યા જો કે શરૂથી જ ઓછી ફિલ્મોમાં કામ કરે છે અને એ વાતની દરકાર રાખે છે કે લોકો બ્યુટી માટે જ ફિલ્મ જોવા ન આવે, અભિનય માટે પણ આવે. છેલ્લા કેટલાંક વર્ષોથી અથવા ‘હમ દિલ કે ચૂકે સનમ’થી તે આ બાબતે વધારે ગંભીર થઈ છે. જો કે તેની પર કમાણી કરતા રહેવાનું દબાણ પણ નથી અને એટલે જ પસંદગીપૂર્વક જ કામ કરે છે. મણીરત્નમની ફિલ્મો હંમેશા ક્લાસિક્સનો ટચ પામે છે.

હિન્દીમાં તેઓ ઓછી ફિલ્મ બનાવે છે પણ ‘રોજા’, ‘બોમ્બે’, ‘દિલ સે’, ‘યુવા’, ‘ગુરુ’ અને છેલ્લે ‘રા – વન’ (ન બનાવતે તો ચાલત)થી હિન્દીમાં પ્રેક્ષકોમાં તેમતો ઓળખ ઊભી કરી છે. હવે તેમની ‘પોન્નિયીન સેલ્વન – 1’ રજૂ થવાની તૈયારીમાં છે. અત્યારે ‘RRR’ની જેમ આ ફિલ્મનું નામ પણ ‘PS – 1’ કરી દેવાયું છે. 500 કરોડના બજેટવાળી આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે તમિલની સાથે ડબ્ડ થઈને તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રજૂ થશે ત્યારે ફરી ઐશ્વર્યા રાય રાણી નંદિનીરૂપે જોવા મળશે.

મણીરત્નમ માટે આ અત્યંત મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. કલ્કી કૃષ્ણમૂર્તિની નવલકથા પરથી ઠેઠ 1958માં M.G.રામચંદ્રને આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરેલી. તે વખતે તેમણે ‘વૈજ્યંતીમાલા’, ‘પદ્મિની’, ‘બી.સરોજા દેવી’, ‘જૈમિની ગણેશન’ વગેરેને નક્કી કરેલી પણ શૂટિંગ શરૂ થવા પહેલા રામચંદ્રને અકસ્માત નડેલો અને પછી ફિલ્મ અટકી તે અટકી. મણિરત્નનાં મનમાં ય આ ફિલ્મ હતી અને 1994માં કહેલું કે મારો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેમણે કમલહસન સાથે મળીને તેની પટકથા પણ તૈયાર કરેલી, પણ બજેટ એટલું મોટું થતું હતું કે ફિલ્મ શરૂ કરી શકાય નહોતી.

હવે આ ફિલ્મ જયમરવિ, વિક્રમ, કાર્થી, ત્રિશા, શોભિતા ધૂલીપાલા, પ્રકાશરાજ, રહેમાન સહિતના દક્ષિણના જબરદસ્ત કલાકારો સાથે બની છે અને ઐશ્વર્યારાય તેમાં ડબલ રોલ કરી રહી છે. 10મી સદીના ચૌલા રાજવંશની વાર્તા છે. 2019માં મણી રત્નમે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરેલું. હૈદરાબાદ, જેસલમેર, જયપુર, મધ્યપ્રદેશના અનેક સ્થળો પર ફિલ્માવાયેલી આ ફિલ્મનું છેલ્લું શૂટિંગ પૂડુચેરીમાં થયું છે. ઓચ્છા, ગ્લાલિયર, મહેશ્વરમાં ઘણા દૃશ્યો ફિલ્માવાયા છે. મણી રત્નમ કાંઈ પણ ઓછું કરવામાં માનતા નથી. ફિલ્મનું સંગીત એમના માનીતા A.R.રહેમાનનું છે, એટલે આ વર્ષની સૌથી પ્રશંસિત ફિલ્મમાં તે સ્થાન પામે તો નવાઈ નહીં.

ઐશ્વર્યા રાયે આ ફિલ્મ વિશે જાહેરમાં વધુ વાત કરી નથી. કારણ કે કરવાની નહોતી, પણ મણી રત્નમની તે એક ફેવરીટ એકટ્રેસ છે. આ પહેલાં રત્નમની ‘ઈરુવર’, ‘ગુરુ’, ‘રાવન’માં ઐશ્વર્યા જ હતી. હિન્દીની કોઈ અભિનેત્રી સાથે મણિ રત્નમે આટલું કામ નથી કર્યું. મણી રત્નમે ગયા અઠવાડિયે જે પોસ્ટરથી પ્રચાર શરૂં કર્યો. તેમાં ઐશ્વર્યાનું મહત્ત્વ આપોઆપ છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ઐશ્વર્યાના પાત્રનું નામ નંદિની જ હતું અને હવે ફરી નંદિની અને મંદાકિનીના પાત્રમાં તે આવશે. તેની પાસે અત્યારે ‘જસ્મીન સ્ટોરી ઓફ એ લિઝ્ડવોમ્બ’ નામની ફિલ્મ છે, પણ ‘PS – 1’ રજૂ થયા પછી તેની માંગ વધી જશે. તે એક કલાસિક બ્યુટી છે, તેનો ફરી પરિચય મણી રત્નમ્ કરાવશે.

Most Popular

To Top