National

એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાનો બીજો મામલો સામે આવ્યો

નવી દિલ્હી: (New Delhi) 26 નવેમ્બરના રોજ એર ઈન્ડિયાની (Air India) ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં (New York-Delhi Flight) નશામાં એક યાત્રીએ વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાનો મામલો હજુ પણ ચર્ચામાં છે. દરમિયાન અન્ય એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં (International Flight) પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની પેરિસ-દિલ્હી ફ્લાઈટમાં એક પુરુષ પેસેન્જરે મહિલા પેસેન્જરના બ્લેન્કેટ પર પેશાબ (Urine) કર્યો હતો. જો કે બાદમાં મુસાફરે લેખિત માફી માંગી હતી જેના પગલે તેની સામે કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 142માં 6 ડિસેમ્બરે આ ઘટના બની હતી. પાઈલટે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ને જાણ કરી હતી જેના પગલે પુરુષ મુસાફરની અટકાયત કરવામાં આવી હતી. મુસાફર કયા ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ ફ્લાઈટ સવારે 9.40 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થઈ હતી. એરપોર્ટ અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સિક્યૂરિટીને માહિતી મળી હતી કે પુરુષ પેસેન્જર દારૂના પ્રભાવ હેઠળ હતો અને કેબિન ક્રૂની સૂચનાઓનું પાલન કરતો ન હતો. બાદમાં તેણે મહિલા પેસેન્જરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો.

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતરતાની સાથે જ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા પુરુષ મુસાફરને પકડી લેવામાં આવ્યો હતો. બાદમાં મહિલા પેસેન્જર અને તેની વચ્ચે પરસ્પર સમાધાન કરી લેવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ પુરુષે લેખિત માફી માંગ્યા પછી તેને છોડી દેવામાં આવ્યો હતો. મહિલા મુસાફરે શરૂઆતમાં લેખિત ફરિયાદ કરી હતી પરંતુ પોલીસ કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ એરપોર્ટ સિક્યોરિટીએ ઈમિગ્રેશન અને કસ્ટમ્સ સંબંધિત ઔપચારિકતાઓ બાદ પેશાબ કરતા પેસેન્જરને જવા દીધો હતો.

એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં 26 નવેમ્બરે બનેલી શરમજનક ઘટનાના 10 દિવસ બાદ જ આ ઘટના બની છે. ત્યારે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા એક નશામાં ધૂત મુંબઈના વેપારીએ વૃદ્ધ મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. હવે દિલ્હી પોલીસે એર ઈન્ડિયાની ફરિયાદ પર નવેમ્બરની ઘટના અંગે એફઆઈઆર નોંધી છે અને આરોપીઓને પકડવા માટે ઘણી ટીમો બનાવી છે.

Most Popular

To Top