National

રામચરિતમાનસ ઉપર વિવાદિત નિવેદન બાદ સ્વામી પ્રસાદે હિંદુ ધર્મને છેતરપિંડી ગણાવ્યો

નવી દિલ્હી: સપા પ્રમુખ અખિલેશ યાદવે હાલમાં જ પાર્ટીના નેતાઓને વિવાદાસ્પદ નિવેદનો ન કરવાની સલાહ આપી હતી. તેમ છતાં સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સ્વામી પ્રસાદે દિલ્હીના જંતર-મંતર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે હિંદુ ધર્મને છેતરપિંડી ગણાવી હતી. આ નિવેદન બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું, “હિંદુ ધર્મ એક છેતરપિંડી છે.સુપ્રીમ કોર્ટે 1995માં પોતાના આદેશમાં કહ્યું હતું કે કોઈપણ રીતે હિંદુ ધર્મ કોઈ ધર્મ નથી, તે જીવન જીવવાની રીત છે.”

સપા નેતાએ વધુમાં કહ્યું કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બે વખત કહ્યું કે હિંદુ એ ધર્મ નથી. તે માત્ર જીવન જીવવાની રીત છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે હિંદુ કોઈ ધર્મ નથી. જ્યારે આવા નિવેદનો મોદીજી અને ભાગવત કરે છે, તો તેમની લાગણી દુભાતી નથી. પણ જો સ્વામી પ્રસાદ મૌર્ય એ જ વાત કહે કે હિંદુ ધર્મ એ ધર્મ નથી પણ છેતરપિંડી છે. તેમજ આપણે જેને હિંદુ ધર્મ કહીએ છીએ તે અમુક લોકોનો ધંધો છે. તો લોકોની લાગણી દુભાય છે.”

બ્રાહ્મણ મહાપંચાયતમાં વિવાદાસ્પદ નિવેદનો ચર્ચાનો વિષય બન્યા હતા
હાલમાં જ લખનૌમાં મહા બ્રાહ્મણ સમાજ પંચાયતનું સંમેલન યોજાયું હતું. જેમાં સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ભાગ લીધો હતો. સાભા દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનોનો મુદ્દો પણ અખિલેશ યાદવની સામે આવ્યો હતો. બ્રાહ્મણ સમુદાયના લોકો, એસપી પ્રબુદ્ધ સભાની રાજ્ય કાર્યકારિણીના અધિકારીઓ અને કાર્યકરોએ નામ લીધા વિના સ્વામી પ્રસાદ મૌર્યના હિંદુ ધર્મ અને રામચરિતમાનસ અંગેના નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે જ અધિકારીઓ અને અન્ય લોકોએ આવા નિવેદનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

અખિલેશે કહ્યું વિવાદાસ્પદ નિવેદનો ઉપર નિયંત્રણ રાખો
જ્યારે આ મુદ્દો પંચાયતમાં ઉઠાવવામાં આવ્યો ત્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવે અધિકારીઓ અને કાર્યકરોને આશ્વાસન આપ્યું હતું. અખિલેશ યાદવે કહ્યું કે આવા નિવેદનો ઉપર અંકુશ લગાવવામાં આવશે. આ સાથે જ તેમણે તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને ધર્મ અને જાતિ ઉપર ટિપ્પણી ન કરવાની સલાહ આપી હતી. અગાઉ પણ અખિલેશ યાદવે નેતાઓને જાતિ અને ધર્મને લઈને કોઈપણ પ્રકારની ટિપ્પણી ટાળવા માટે સૂચના આપી હતી, પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી.

Most Popular

To Top