Madhya Gujarat

ડિજીટલ યુગમાં બાળકો પ્રત્યે જાતિય સતામણીના કૃત્યો વધ્યા છે

આણંદ : હાલના ડિજીટલ યુગમાં બાળકો પ્રત્યે જાતિય સતામણીના કૃત્યો વધ્યા છે. આવા કૃત્યોને નાથવા માટે દરેકને કાયદાની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. જાતિય સતામણીને રોકવા માટે છોકરાઓની જેટલી જવાબદારી છે તેટલી જ જવાબદારી છોકરીઓની છે વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ઘડતર ઊપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ,તેમ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ નિરલ મહેતાએ વિદ્યાનગરની જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે યોજાયેલ કાનુની જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓ કાયદા પ્રત્યે વધુ સજ્જ અને જાગૃત બને તેવા આશયથી ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે પોક્સો કાયદા અંગેની જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ બિરેન વૈષ્ણવએ જણાવ્યુ હતું કે, જીવનમાં વાંચનનું ખુબ જ મહત્વ રહેલુ છે. મોબાઈલ અને ઈન્ટરનેટ આવ્યા પછી આપણે સાહિત્ય ભૂલી ગયા છીએ.

વધુમાં તેમણે મોબાઇલના લીધે બાળકોના માનસ પર વિપરીત અસર થાય છે, જેના લીધે બાળક ગુનો કરી બેસતા હોય છે આ કાર્યક્રમમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ટી. આર. દેસાઈએ પોક્સો કાયદાની જાણકારી આપતા જણાવ્યુ કે, 18 વર્ષથી નીચેની કોઇ પણ વ્યક્તિ કાયદાની ભાષામાં બાળકમાં આવે છે. આ કાયદા હેઠળ યૌન સંબંધિત ગુનાઓ જેવા કે બાળકનો પીછો કરવો, ના ગમતુ બતાવવું, ખરાબ રીતે જોવું, અડપલા કરવા, અશ્લિલ ગીત ગાવા, અપશબ્દનો પ્રયોગ કરવો વગેરે માટે દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.

આણંદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. એ. નકુમએ જણાવ્યુ હતું કે, 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી કોઇ પણ વ્યક્તિની સાથે તેની સહમતીથી સંબંધ બાંધ્યો હોય તો પણ આ કાયદા હેઠળ ગુનો બને છે. લોકોને આ કાયદો અને તેની જોગવાઈઓ વિશે માહિતગાર કરવા ખુબ જ જરૂરી છે તેમ કહી જો લોકો જાગૃત થશે તો જ બાળકો સાથે જાતિય સતામણીના ગુના અટકશે તેમ વધુમાં જણાવ્યુ હતું.

આ કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વિદ્યાર્થિઓએ સાથે પ્રશ્નોત્તરી કરી મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં આણંદના મુખ્ય ન્યાયાધિશ વી. બી. ગોહિલ, ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના પુર્વ પ્રમુખ સી. કે. પટેલ, આણંદ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ એ. જી. શેખ, ચારૂતર વિદ્યામંડળના મંત્રી એસ. જી. પટેલ, ચારૂતર વિદ્યામંડળના આચાર્યઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ચારૂતર વિદ્યામંડળના વાઈસ ચેરમેન મનિષભાઈ પટેલે આભાર વિધી કરી હતી.

Most Popular

To Top