Dakshin Gujarat

અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક એસ.ટી. બસ શેરડી ભરેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ

અંકલેશ્વર: અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં શનિવારે બપોરે અકસ્માતની (Accident) ઘટના સર્જાતાં ભારે ટ્રાફિક જામનાં (Trafic Jam) દૃશ્યો સર્જાયાં હતાં. સરકારી એસ.ટી. બસ (S.T.Bus) અને શેરડી ભરેલી ટ્રક વચ્ચે આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી એસ.ટી. બસ ધડાકાભેર ઘૂસી જતાં એક સમયે ઉપસ્થિત લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.અચાનક એસ.ટી. બસ ટ્રકના પાછળના ભાગે ઘૂસી જતાં બસમાં સવાર મુસાફરોમાં (Passengers) પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો અને તુરંત તમામ મુસાફરો બસની બહાર દોડી આવ્યા હતા. એસ.ટી. બસના ચાલકે સમય સૂચકતા ન વાપરતાં આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી
અકસ્માતને પગલે સ્થળ ઉપર એક સમયે લોકોનાં ટોળાં જામ્યાં હતાં. ઘટના બાદ થોડા સમય માટે માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામનાં પણ દૃશ્યો સર્જાયાં હતાં. જો કે, સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં બસમાં સવાર મુસાફરો સહિત ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાના પગલે સ્થાનિક પોલીસના જવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા અને અકસ્માતગ્રસ્ત બંને વાહનોને માર્ગ પરથી ખસેડવાની તજવીજ હાથ ધરી માર્ગને ખુલ્લો કરવાની કવાયત શરૂ કરી હતી.

ઉચ્છલના મોગલબારા પાસે ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતાં એકનું મોત
વ્યારા: ઉચ્છલ તાલુકાના મોગલબારા ગામની સીમમાં ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકચાલક ઘવાતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ટ્રકચાલક સ્થળ ઉપર વાહન મૂકી નાસી છૂટ્યો હોવાથી પોલીસે પ્રવીણ ગોરજી વસાવા (રહે., લીંબાસોટી, મંદિર ફળિયું, તા.ઉચ્છલ, જિ.તાપી)ની ફરિયાદને આધારે આ ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું
ઉચ્છલના મોગલબારા ગામની સીમમાંથી પસાર થતો ઉચ્છલથી નિઝર તરફ જતા ધોરી માર્ગ ૮૦ ઉપર તા.૪/૧૧/૨૦૨૨નાં રોજ બપોરે ૩:૩૦ વાગ્યાનાં અરસામાં ટ્રક નં. જીજે ૧૯ વી ૦૮૯૦નાં ચાલકે ટ્રક પુરઝડપે હંકારતા હોય મો.સા.નં. જીજે ૨૬ એડી ૧૬૨૦ને સામેથી ટકકર મારતા બાઈક ચાલક વિશાલ અરવીંદ વસાવા રોડ ઉપર ફેંકાઈ ગયો હતો. જેમાં બાઇક સવાર ફિલીપ પ્રવીણ વસાવાને બન્ને પગના ઘુંટણના ભાગે ફેક્ચર તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બાઈક ચાલક વિશાલ અરવીંદ વસાવાને શરીરે ઓછી-વત્તી ઇજાઓ થઈ હતી. તેના જમણા પગે જાંઘના ભાગે ફેક્ચર તેમજ જમણા હાથના કોંણીની નીચેના ભાગે તથા કાંડાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.

Most Popular

To Top