Dakshin Gujarat

પારડીમાં માટી ભરેલો ટેમ્પો ઘરમાં ઘુસી ગયો

પારડી : પારડી તાલુકાના સુખેશ ગામે આજરોજ વાઘછીપાથી પારડી તરફ જતો એક માટી ભરેલા ટેમ્પા ચાલકે સ્થાનિક રાહદારીને અડફેટમાં લેતા સ્થળ પર મુત્યુ નીપજ્યું હતું. અકસ્માતમાં ટેમ્પાનું સ્ટિયરીંગ અચાનક જામ થઇ જતા ટેમ્પો એક ઘરમાં ઘુસી ગયો હતો. જ્યાં પતરાનો શેડ તૂટી પડ્યો હતો. અકસ્માતની જાણ પારડી પોલીસને થતાં તેઓ સ્થળ ઉપર આવી પહોંચી હતી. ટેમ્પાનું સ્ટિયરીંગ જામ થતા ચાલકે સુખેશ રામપોર ફળિયામાં રહેતા શંકર કાળીયા પટેલને અડફેટે લેતાં તેઓનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જોકે,અકસ્માત કરી ટેમ્પો ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. મૃતકની લાશને પારડી સીએચસી ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. ઘટનાની ફરિયાદ લેવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી.

વેસ્મા ગામ પાસે કારે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત
નવસારી : વેસ્મા ગામ પાસે કારે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ જલાલપોરના મરોલી બજાર જનતા સોસાયટીમાં કમલેશભાઈ બાબુભાઈ પરમાર તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 30મીએ કમલેશભાઈ તેમની બાઈક લઈને પલસાણા નોકરીએ ગયા હતા. જ્યાંથી તેઓ પરત બાઈક લઈને ઘરે આવી રહ્યા હતા. ત્યારે વેસ્મા ગામ લીબર્ટી હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન પાછળથી આવતી અજાણી કારના અજાણ્યા ચાલકે કમલેશભાઈની બાઈકને ટક્કર મારી હતી. જેના પગલે કમલેશભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સનીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.વી. પાટીલે હાથ ધરી છે.

પલસાણાના એના ગામેથી ભેંસ ભરેલા ટેમ્પો સાથે બે શખ્સો ઝડપાયા
પલસાણા : પલસાણાના એના ગામની સીમમાં સુરતથી ધુલિયા તરફ જતાં રોડ ઉપરથી ગેરકાયદેર રીતે લઈ જવાતી 7 ભેંસ ભરેલા ટેમ્પો સાથે બે શખ્સને ઝડપી પાડી કુલ રૂ. 6.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પલસાણા તાલુકાનાં એના ગામની સીમમાં સુરતથી ધુલિયા તરફ જતાં માર્ગ ઉપર ગૌરક્ષકોએ એક શંકાસ્પદ આઇસર ટેમ્પાને અટકાવ્યો હતો અને પલસાણા પોલીસને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં ઘાસચારાની સુવિધા વિના ખીચોખીચ 7 જેટલી ભેંસ ટૂંકા દોરડા વડે બાંધેલી જોવા મળી હતી. જેથી પોલીસે ટેમ્પોનો ચાલક અને ક્લીનર આલમ મુસાભાઈ કાદરી તથા સાકીબ ગુડ્ડુ કુરેશીને ઝડપી પાડ્યા હતા. પોલીસે 1.40 લાખની કિંમતની કુલ 7 ભેંસ તથા ટેમ્પો મળી કુલ રૂ, 6.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top