Gujarat

ACB નું ઓપરેશન, ઉમરેઠનો નાયબ મામલતદાર 2.25 લાખની લાંચ લેતા પકડાયો

ભષ્ટ્રાચારમુક્ત સરકારના અવારનવાર બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. છાશવારે રાજ્યમાં સરકારી બાબુઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ રહ્યાં છે, પરંતુ સરકારને કોઈ ફરક પડતો નથી. આજે ફરી એકવાર નડીયાદનો એક સરકારી બાબુ ટેબલ નીચેથી બેનંબરી રોકડ લેતા ઝડપાયો છે. એન્ટીકરપ્શન બ્યૂરોએ લાંચિયા અધિકારીને પાઠ ભણાવવા માંડ્યો છે. નડીયાદથી મળતી માહિતી મુજબ અહીંના ઉમરેઠની મામલતદાર કચેરીમાં એક અધિકારી વ્યવહાર લેતા પકડાયો છે.

  • ઉમરેઠની મામલતદાર કચેરીના ઈ-ધારા કેન્દ્રમાં ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી પકડાયો
  • જમીનના દસ્તાવેજમાં સામાન્ય ભૂલ સુધારવા બિલ્ડર પાસે 3 લાખ માંગ્યા હતા
  • ભાલેજની તાડપુરા ચોકડી પાસે જાતે લાંચની રકમ લેવા ગયો ત્યારે ACBએ ઝડપી પાડ્યો

કચેરીમાં ઈ-ધારા કેન્દ્રમાં જયપ્રકાશ સોલંકી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. સોલંકીએ અહીંના એક બિલ્ડર પાસે લાંચ માંગી હતી. વાત એમ છે કે અહીંના ભાલેજમાં બિલ્ડીંગ કન્ટ્રકશનનું કામ કરતા એક બિલ્ડર નાયબ મામલતદાર જયપ્રકાશની પાસે આવ્યા હતા. આ બિલ્ડર તેમને ખરીદેલી 11 વીંઘાના જમીન વેચાણના દસ્તાવેજમાં કોઈ ભૂલ હોવાથી તેઓ જમીનના ક્ષેત્રફળની ભૂલ સુધારવા માટે નાયબ મામલતદાર માટે ગયા હતા. બિલ્ડરને આ ખામી સુધારીને પાકી નોંધ સર્ટીફાઈ કરાવવી હતી. તે સમયે મામલતદાર દ્વારા આ કામ કરવા માટે 3 લાખ રૂપિયાની લાંચની માગણી બિલ્ડરની પાસેથી કરવામાં આવી હતી.

સામાન્ય ભૂલના સુધારા માટે આટલી મોટી રકમની લાંચ આપવા બિલ્ડર તૈયાર ન હોઈ બંને વચ્ચે રકઝક થઈ હતી. આખરે 2.25 લાખ પર વાત નક્કી થઈ હતી, પરંતુ બિલ્ડરનું મન ખાટું થયું હતું. તેથી બિલ્ડરે એન્ટી કરપ્શન બ્યૂરોને જાણ કરી દીધી હતી. ગુરુવારે બિલ્ડરે સાંજના સમયે લાંચની રકમ ભાલેજની તાડપુરા ચોકડી પાસે આવેલા અમન એપાર્ટમેન્ટ પાસે લેવા માટે નાયબ મામલતદારને બોલાવ્યા હતા. તેથી એન્ટી કરપ્શન બ્યુરોના PI એમ.એફ. ચૌધરીએ લાંચિયા નાયબ મામલતદારને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.

જયારે નાયબ મામલતદાર ગુરુવારે સાંજે અમન કોમ્પ્લેક્ષ પાસે લાંચની રકમ લેવા માટે બિલ્ડર પાસે આવ્યો અને તેને લાંચની રકમ સ્વીકારી એટલે ACBના અધિકારીઓને નાયબ મામલતદાર જયપ્રકાશ સોલંકીને પકડી લીધો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં ACB દ્વારા તપાસ કરવામાં આવે છે કે, આ લાંચિયા અધિકારીએ અગાઉ કામ કરાવવા માગતા લોકોની પાસેથી કેટલી લાંચ લીધી છે.

Most Popular

To Top