Gujarat

સરકારની મોટી જાહેરાત, નવરાત્રિમાં શેરી ગરબા રમી શકાશે

કોરોના મહામારીના (Covid-19) લીધે ગયા વર્ષે નવરાત્રિમાં (Navratri) ગરબા રમી શકાયા નહોતા, પરંતુ આ વર્ષે તેમ નહીં બને. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોય રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે (Gujarat CM Bhupendra Patel) મહત્ત્વનો નિર્ણય લીધો છે. માતાજીના ભક્તો ગરબા રમી શકે તે માટે સરકારે શેરી ગરબાના આયોજનની મંજૂરી આપી છે. 400 લોકોની મર્યાદા સાથે શેરીગરબા રમી શકાશે.

આ સાથે જ રાત્રિ કરફ્યૂમાં પણ છૂટછાટ અપાઈ છે. રાત્રિ કરફ્યૂનો સમયગાળો રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો કરવામાં આવ્યો છે. જોકે, પાર્ટીપ્લોટ, ક્લબ કે ફાર્મહાઉસ પર ગરબાના મોટા પાયે આયોજનોને હજુ પણ મંજૂરી આપવામાં આવી નથી, જેના લીધે પ્રોફેશનલ આયોજકો અને ખૈલેયાઓ થોડા નિરાશ જરૂર થયા છે.

માર્ચ 2020માં દેશભરમાં કોરોના મહામારી ત્રાટકી ત્યાર બાદથી જ દેશમાં ઉત્સવોની ઉજવણી ફિક્કી બની છે. કોરોનાની પહેલી લહેર પૂરી થયા બાદ દિવાળીમાં થોડી છૂટછાટ મળી હતી. લોકોએ દિવાળીમાં નજીકના પ્રવાસન સ્થળો પર જઈ મન હળવું કર્યું હતું, પરંતુ એપ્રિલ 2021માં ફરી એકવાર કોરોનાની બીજી લહેર ત્રાટકતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સરકાર દ્વારા અનેક પ્રતિબંધો મુકી દેવામાં આવ્યા હોય લોકો તહેવારોની ઉજવણી કરી શકતા નહોતા.

દરમિયાન કોરોનાનું સંક્રમણ ઓછું થતાં ગણેશ ઉત્સવમાં મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવાની સરકારે પરવાનગી આપી હતી. 4 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની મંજૂરી અપાઈ હતી. ગણેશ ભક્તોએ નિયમોનું પાલન કરી ઉત્સવની ઉજવણી કરી હોય હવે સરકારે વધુ એક ભેંટ આપી છે. રાજ્યમાં કોરોનાના કેસ ઘટી ગયા હોય સરકારે નવરાત્રિની ઉજવણી માટે નિયમો હળવા કર્યા છે. નવરાત્રિમાં લોકો ઘરના આંગણે ગરબા રમી શકે તે માટે શેરીગરબાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે. જોકે, 400 લોકોની મર્યાદિત સંખ્યામાં જ ગરબા રમી શકાશે.

પાર્ટીપ્લોટ અને ફાર્મહાઉસના ઓર્ડરો રદ કરવા પડશે

કોરોનાના લીધે લોકો પણ પોતાના ગ્રુપમાં જ ઉત્સવો ઉજવવાનું પસંદ કરે છે. તેથી આ વર્ષે શહેરના કેટલાંક ફાર્મહાઉસમાં સ્પેશ્યિલ ગ્રુપ્સના ગરબા માટે બુકિંગ થયા હતા, પરંતુ હવે સરકારે ફાર્મહાઉસ પર આયોજનોની પરવાનગી આપી નહીં હોય ફાર્મહાઉસધારકોને મોટું નુકસાન થશે.

કરફ્યૂની નવી ગાઈડલાઈન 26મી સપ્ટેમ્બરથી અમલી બનશે

આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે મહત્વનો નિર્ણય કર્યો છે.  કરફ્યૂની નવી ગાઈડલાઈન 26મી સપ્ટેમ્બરથી જ અમલી બની જશે.

Most Popular

To Top