એકબીજાની સામે ચૂંટણી લડતા બે હરીફ રાજકીય પક્ષો આપ અને કોંગ્રેસના કાર્યકરો આજે એક સાથે વીજકંપની સામે મોરચો માંડ્યો હતો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતા-કાર્યકરોએ આજે શહેરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ (DGVCL)ની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિસાવદરની પેટાચૂંટણીમાં એકબીજા સામે ગંભીર આક્ષેપો કરનાર આ બંને પક્ષોનું ચૂંટણી લડવામાં નહીં, પરંતુ વિરોધ કરવા માટે થયેલું આ ગઠબંધન સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.
આ બંને હરીફ રાજકીય પક્ષોએ આજે વીજકંપનીની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં એકબીજા સાથે મળીને પ્રદર્શન કર્યું હતું. બંને પક્ષો આજે સુરતના કાપોદ્રા ખાતે આવેલી DGVCLની કચેરી સામે સંયુક્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન માટે બંને પક્ષો દ્વારા આમંત્રણના અલગ-અલગ મેસેજ અને યાદીઓ જાહેર કરવામાં આવી હતી, જે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
વીજકંપની દ્વારા 5 મહિના પહેલાં વિદ્યુત સહાયકની પરીક્ષાનાં પરિણામ જાહેર કરાયા હતા. ત્યાર બાદ આજદીન સુધી 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂકપત્ર અપાયા નથી. આ મામલે આદિવાસી નેતાઓ ચૈતર વસાવા (AAP) અને અનંત પટેલ (કોંગ્રેસ) કાપોદ્રા ખાતે આવેલી DGVCLની મુખ્ય કચેરી ખાતે આજે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, ભરતી પ્રક્રિયા અને સ્માર્ટ મામલે બંને પક્ષોએ એકજૂથ થઈ વિરોધ નોંધાવ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના યુવાનોની લડાઈમાં હું અનંત પટેલ સાથે જોડાયું છું. આ લડાઈ સામાજિક મુદ્દાની છે, કોઈ રાજકીય પક્ષની નથી. સમાજની વ્યક્તિ તરીકે વિરોધ કરી રહ્યાં છે. વસાવાએ આક્ષેપ કર્યો કે રૂપિયા લઈ નિમણૂંક કરાઈ છે. આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે.

આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના યુવાનો સાથે અન્યાય થયો છે. પરીક્ષા લીધા પછી નિમણૂકપત્ર અપાયા નથી. આ માટે અમે હલ્લાબોલ કરી રહ્યાં છીએ. આ મુદ્દે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં, પરંતુ વિરોધ કરવા માટે અમે નેતાઓ એક થયા છીએ.
દરમિયાન આદિવાસી નેતાઓના તેવરને જોતા વીજકંપની ડીવીસીએલે નમતું જોખ્યું હતું. ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યો વચ્ચે બેઠક મળી હતી, જેમાં ડીજીવીસીએલ દ્વારા એવી લેખિત બાયંધરી આપવામાં આવી હતી કે શનિવારે 35 પાત્ર ઉમેદવારોને નિયમિતનો ઓર્ડર અપાશે. તેમજ આગામી સમયમાં 100 નવી નિમણૂંક કરાશે. આ જાહેરાત થતા વિરોધ પ્રદર્શન શાંત થયું હતું.
DGVCLએ શું બાયંધરી આપી
વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે, ખાલી પડતી જગ્યા પ્રમાણે તબક્કાવાર ભરતી કરવામાં આવશે. જયાં તત્કાલ જરૂર હોય ત્યાં ખાનગી રીતે આઉટસોર્સિંગ પદ્ધતિથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. પરંતુ જેમ જેમ જગ્યા ખાલી થશે, તેમ તેમ નિયમિત નિમણૂક કરવામાં આવશે.વિરોધ કરતા ઉમેદવારો તરફથી સ્પષ્ટ કરાયું છે કે, જો અનામત અને બિનઅનામત કેટેગરી મુજબ રોસ્ટર પદ્ધતિનું પાલન નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
