Gujarat Main

ચૂંટણી ફરજમાં નહીં જોડાનાર અમદાવાદની શિક્ષિકાને પોલીસ ઘરેથી ઊંચકી ગઈ, ગુજરાતનો પહેલો કેસ

અમદાવાદ: ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીનું શિડ્યુલ જાહેર કરી દેવાયું છે. આ સાથે જ સમગ્ર દેશમાં ચૂંટણીની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. દરેક જિલ્લામાં ચૂંટણી ફરજોની વહેંચણી કરી દેવાઈ છે, ત્યારે અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અહીં ચૂંટણી કામગીરીમાં નહીં જોડાનાર એક શિક્ષિકા સામે કાર્યવાહી થઈ છે. શિક્ષિકાને પોલીસ ઘરેથી ઊંચકી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં આવો કિસ્સો પહેલીવાર બન્યો છે.

મળતી માહિતી અનુસાર બૂથ લેવલ ઓફિસર એટલે કે BLOની કામગીરી માટે ઈનકાર કરનાર અમદાવાદના ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા હિનલ પ્રજાપતિની અમદાવાદ પોલીસે અટકાયત કરી છે. મામલતદારના હુકમ બાદ પોલીસે શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. શિક્ષિકા હિનલ પ્રજાપતિને અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા કે.કે.નગર પાસે BLOની ફરજ સોંપવામાં આવી હતી. જોકે તે જગ્યા પોતાના વિસ્તારની બહાર હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો.

શિક્ષિકાના પતિએ આ મામલે કહ્યું કે, હિનલને ચૂંટણી પંચના નિયમો વિરુદ્ધ BLOની કામગીરી સોંપાઈ હોવાથી તેણીએ કામગીરીમાં ન જોડાવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ચૂંટણી પંચના પત્રને ટાંકતા શિક્ષિકાના પતિએ કહ્યું કે, ચૂંટણી પંચના નિયમ અનુસાર કોઈ પણ મહિલાને અનિવાર્ય સંજોગોમાં જ BLOની કામગીરી સોંપવામાં આવે છે. વળી, મહિલાને તેમના મત વિસ્તારમાં જ બીએલઓની કામગીરી સોંપવાનો નિયમ છે. પરંતુ હિનલને તેના મત વિસ્તારથી દૂર કામગીરી સોંપાઈ હતી. તેથી તેણીએ કામગીરીમાં જોડાવા ઈનકાર કર્યો હતો.

આ મામલે અમે ચૂંટણી પંચના પત્રને જોડીને રજૂઆત કરી હતી કે આ કામગીરીથી હિનલને દૂર રાખવામાં આવે. જો અનિવાર્ય હોય તો હિનલને તેના મત વિસ્તારમાં જ કામગીરી સોંપવામાં આવે. હિનલની વિનંતીને અવગણી દૂરના સ્થળે કામગીરી સોંપાઈ હતી. જેને લઈને આ કામગીરીનો હિનલે અસ્વીકાર કર્યો હતો.

આખા ગુજરાતમાં આ પહેલો કેસ છે, જ્યારે મહિલા શિક્ષિકાની ધરપકડ કરાઈ છે. અમે લેખિતમાં આધાર પૂરાવા સાથે રજૂઆત કરી છે. આ બાબતને અમે સંઘમાં રજૂઆત કરીશું અને જો કોર્ટ જવાની જરૂર પડે તો પણ અમે જઈશું.

બીજી તરફ શિક્ષિકાની અટકાયત મામલે ડેપ્યુટી કલેક્ટરે કહ્યું કે, નોટિસ આપી હોવા છતાં હાજર ન રહેતા શિક્ષિકા સામે વોરંટ કાઢવામાં આવ્યું હતું. લેખિત રજૂઆતના આધારે ખુલાસો કરવા તેમને કહેવામાં આવ્યું હતું. શિક્ષિકાની રજૂઆતો યોગ્ય લાગતા બીજા ભાગમાં ડ્યુટી માટે સૂચના અપાઈ છે.

જણાવી દઈએ કે ચૂંટણી ફરજમાં ન જોડાવાના મામલે કોઈ મહિલા શિક્ષિકાની અટકાયત થઈ હોય તેવો સમગ્ર ગુજરાતમાં આ પહેલો કિસ્સો બન્યો છે.

Most Popular

To Top