SURAT

આવો વિકાસ? : એક જ મહિનામાં સુરતના 118 કરોડના બ્રિજનો રસ્તો બેસી ગયો

સુરત: મહાનગરપાલિકા દ્વારા 118 કરોડના ખર્ચે બનાવાયેલો અને એક માસ પહેલાં જ મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી વેડ-વરિયાવ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એ બ્રિજના વરિયાવ છેડે રેમ્પ બેસી જતાં મનપાના તંત્ર પર પસ્તાળ પડી રહી છે. તેમજ મનપાના તંત્રમાં પેંસી ગયેલો ભ્રષ્ટાચાર વધુ એક વખત ઉજાગર થયો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

  • 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજના કામને ધોધમાર વરસાદે ખુલ્લો પાડ્યો
  • 40 મીટર લંબાઈમાં ચાર-પાંચ મીટર પહોળાઈ સુધી રેમ્પનો રસ્તો છ ઇંચથી લઈને બે ઇંચ સુધી બેસી ગયો

વિસ્તૃત વિગતો મુજબ કતારગામના વેડ રોડ વિસ્તારને રાંદેરના વરિયાવ વિસ્તાર સાથે જોડતો અને નદીના બંને કિનારે વસતા લાખો લોકો માટે મહત્ત્વનો વેડ-વરિયાવ બ્રિજ હજુ તો એક માસ પહેલાં જ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજનું કામ નબળી ગુણવત્તાનું હોવાનું બે દિવસના વરસાદમાં જ ખુલ્લું પડી ગયું હતું.

બુધવારે બપોરે બે વાગ્યાની આસપાસ વેડ-વરિયાવ બ્રિજના વરિયાવ તરફના છેડે 40 મીટર લંબાઇમાં ચાર-પાંચ મીટર પહોળાઇ સુધી રેમ્પનો રસ્તો છ ઇંચથી લઇ બે ઇંચ સુધી બેસી જતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાના વિડીયો અને ફોટો વાયરલ થતાં જ મનપાના અધિકારીઓ દોડી ગયા હતા. તેમજ ડેમેજ કંટ્રોલ માટે કામગીરી શરૂ કરી દેવાઇ હતી. આશરે 40 મીટરની લંબાઇમાં ઠેર ઠેર રસ્તો બેસી જતાં આવું થવા પાછળનાં કારણો અંગે તર્કવિતર્ક વહેતા થઇ ગયા હતા તેમજ મનપાના તંત્ર પર ચોમેરથી પસ્તાળ પડી રહી છે.

સ્થળ પર દોડી ગયેલા વિપક્ષી નેતાનો આક્ષેપ: ભાજપે 27 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર જ કર્યો છે
વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વેડ-વરિયાવ બ્રિજની મુલાકાત લીધી હતી. બ્રિજની મુલાકાત લેતાં તેમણે કહ્યું કે, ભાજપના શાસકો માત્ર ભ્રષ્ટાચારમાં જ રત છે. પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ આપીને બદલામાં માત્ર ભ્રષ્ટાચાર જ પ્રાપ્ત કરી રહી છે. એક મહિના જેટલો ઓછો સમય થયો હોય અને 118 કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચવામાં આવી હોય તો પણ આવી સ્થિતિ જોવા મળે એ ખરેખર દુઃખદ બાબત છે.

બ્રિજના એક તરફનો છેડો બેસી ગયો છે. એક મહિનામાં આ પ્રકારની સ્થિતિ થવી એ ગંભીર બાબત છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટના નામે 1 % ફી આપવામાં આવે છે. ઇન્સ્પેક્શન માટે 1 % ટકા ફી આપીને કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યું છે.

આપના કાર્યકરોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટનો મારો ચલાવ્યો
કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા બ્રિજનો એપ્રોચ બેસી જતાં અધિકારીઓ દોડતા થયા હતા. આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ બ્રિજ ઉપર પહોંચી ગયા હતા. તથા સોશિયલ મીડિયામાં સતત વિડીયોનો મારો ચલાવ્યો હતો અને લોકો સુધી આ વાતને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વાતની જાણ થતાની સાથે જ અધિકારીઓની ટીમે ધીરે ધીરે પહોંચીને ઇન્સ્પેક્શન શરૂ કર્યું હતું.

જમીન પોચી પડતા ડામર તૂટ્યો હોવાનો લૂલો બચાવ
બ્રિજ સેલના વડા સિટી ઇજનેર અક્ષય પંડ્યા સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રિપેરિંગ હાથ ધરાયું હતું. સિટી ઇજનેરે જણાવ્યું હતું કે, એપ્રોચની બાજુમાં ખેતર જેવી જગ્યા છે, ત્યાં ખાડો પડી ગયો છે. જેમાં બે-ત્રણ દિવસના વરસાદના કારણે પાણી ભરાયું હોવાથી આજુબાજુની જમીન પોચી પડતાં એપ્રોચને અસર થઇ હોવાનું લાગી રહ્યું છે. કેમ કે, એપ્રોચમાં ડામર રોડ હોય છે અને જમીન થોડી પણ ખસકે તો ડામર તૂટવા માંડે છે. બ્રિજના સ્ટ્રક્ચરને કોઇ નુકસાન થયું નથી.

ઈજારદાર વિજય મિસ્ત્રી અને પ્રોજેક્ટ કન્સલ્ટન્સી ગ્રીન ડિઝાઇનને નોટિસ
મનપાના સિટી ઇજનેર અને બ્રિજ સેલના વડા અક્ષય પંડ્યાએ જણાવ્યું હતું કે, આ બ્રિજના ઇજારદાર વિજય મીસ્ત્રી તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ગ્રીન ડિઝાઇનને આ મુદ્દે નોટિસ પાઠવી ખુલાસો મંગાયો છે. તેમજ જવાબ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે. જે નુકસાન થયું છે તેનો ખર્ચ પણ ઇજારદાર પાસેથી જ વસૂલ કરાશે.

Most Popular

To Top