SURAT

સિદ્ધપુરથી સુરત આવેલા વૃદ્ધા કારમાં ડુમસ ફરવા નીકળ્યા અને રસ્તામાં મોત મળ્યું

સુરત: પાલ એલપી સવાણી રોડનો પરિવાર સિદ્ધપુરથી આવેલા સંબંધી વૃદ્ધાને લઈને ડુમસ ફરવા જવા માટે નીકળ્યો હતો. જો કે કારનું ટાયર પંક્ચર થતાં કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. કારમાં બેઠેલા તમામ પાંચને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જે પૈકી 74 વર્ષીય સિદ્ધપુરના વૃદ્ધાને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.

  • સિદ્ધપુરથી સંબંધીઓને મળવા સુરત આવ્યા અને ડુમસ ફરવા નીકળ્યા હતાં
  • કુવાડા ત્રણ રસ્તા પાસે ટાયર પંક્ચર થતાં કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી

ડુમસ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પાલમાં એલપી સવાણી રોડ પર આવેલ શાશ્વત રેસિડેન્સીમાં કૈલાસબેન મનહરલાલ મંગુવાલા (64 વર્ષ) પરિવાર સાથે રહે છે. હાલમાં તેમના સંબંધી લલીતાબેન બાબુલાલ મોઢ (74 વર્ષ. રહે. ઓડવાસ, શ્રાવકની ખડકી, સિદ્ધપુર, જિલ્લો પાટણ) સિદ્ધપુરથી સુરત સંબંધીઓને મળવા માટે આવ્યા હતા.

23એ બધા સંબંધીઓ ભેગા થયા હતાં અને ત્યારબાદ તેઓએ ડુમસ ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. બપોર બાદ તેઓ ડુમસ ફરવા ગયા હતા. તમામ હ્યુંડાઈની સેન્ટ્રો કારમાં ફરવા નીકળ્યા હતા. કાર કૈલાસબેનના દિયર કિશોરભાઈ ઇશ્વરલાલ મહેતા (રહે. જ્ઞાનદીપ રો-હાઉસ, રામેશ્વર રેસિડેન્સી પાસે, એલ.પી.સવાણી રોડ) ચલાવી રહ્યાં હતાં.

કારમાં કૈલાસબેન, લલીતાબેન મોઢ (74 વર્ષ), કલ્પનાબેન અનિલકુમાર આઈવાલા અને કિરણબેન કિશોરભાઈ મહેતા હતા. તેઓ એરપોર્ટથી ડુમસ તરફ જઈ રહ્યા હતા ત્યારે ડુમસમાં કુવાડા ત્રણ રસ્તા પાસે કારનું જમણી બાજુનું ટાયર પંકચર થયું હતું. જેથી ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર જોરથી ડિવાઈડર સાથે અથડાઈ હતી જેમાં કારમાં બેસેલા તમામને નાની-મોટી ઇજા થઈ હતી.

લલીતાબેનને કમર અને છાતીના ભાગે ઇજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમિયાન ગતરોજ સાંજે મોત નિપજ્યું હતું. ડુમસ પોલીસે કાર ચલાવરનાર કિશોરભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top