World

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિદેશ મંત્રાલયની બહાર જોરદાર બોમ્બ બ્લાસ્ટ

નવી દિલ્હી: જ્યારથી તાલિબાનીઓએ ફરીથી અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો છે ત્યારથી અવારનવાર હિંસક ઘટનાઓ બની રહી છે. આવી જ એક હિંસક ઘટના આજે સોમવારે તા. 27મી માર્ચના રોજ બની છે. આ વખતે તોફાનીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ કર્યો છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. વિદેશ મંત્રાલયની બહાર થયેલા આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ ખૂબ જ જોરદાર હતો. બ્લાસ્ટનાલીધે અફરા-તફરી મચી ગઈ હતી. હજુ સુધી આ વિસ્ફોટ પર સરકાર દ્વારા કોઈ ઔપચારિક નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ સોમવારે તા. 27મી માર્ચના ડાઉનટાઉનમાં દાઉદઝઈ ટ્રેડ સેન્ટર પાસે થયો હતો. આ પહેલા પણ અફઘાનિસ્તાનમાં ઘણા મોટા બોમ્બ બ્લાસ્ટ થયા છે. જ્યારથી તાલિબાનનું શાસન ફરી સ્થાપિત થયું છે ત્યારથી આ વિસ્ફોટો સામાન્ય બાબત બની ગઈ છે. દર બીજા દિવસે ક્યાંક ને ક્યાંક બ્લાસ્ટ થાય છે અને કેટલાય નિર્દોષ લોકો જીવ ગુમાવે છે.

મોટી વાત એ છે કે જ્યાં આ વખતે બ્લાસ્ટ થયો છે ત્યાં જાન્યુઆરી મહિનામાં પણ આવો જ બ્લાસ્ટ થયો હતો જેમાં 20થી વધુ લોકોના મોત થયા હતા. હકીકતમાં, આ વર્ષે 11 જાન્યુઆરીએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 20થી વધુ લોકોના મોત થયા હતા.

આ બ્લાસ્ટ બુધવારે સાંજે તાલિબાનના વિદેશ મંત્રાલયની બહાર થયો હતો. અહેવાલો અનુસાર, વિદેશ મંત્રાલયની બહાર વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સંભળાયો. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ઠાકુરે જણાવ્યું હતું કે આત્મઘાતી બોમ્બરે મંત્રાલયની નજીક પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ પહેલા 12 ડિસેમ્બરે હુમલાખોરોએ કાબુલના શહર-એ-નવા વિસ્તારમાં એક હોટલને નિશાન બનાવી હતી. આ હોટલને ચાઈનીઝ હોટેલ કહેવામાં આવે છે, કારણ કે ચીનના વરિષ્ઠ અધિકારીઓ અવારનવાર અહીં આવતા-જતા રહે છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા હતા અને 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Most Popular

To Top