Dakshin Gujarat

વલસાડમાં વ્યસની પિતાએ ચાર વર્ષના માસૂમ બાળક સાથે કર્યું આવું…

વલસાડ : વલસાડમાં ચાર વર્ષના માસૂમ બાળક સાથે વ્યસની પિતાએ કરેલી આવી કરતૂતના લીધે પત્નીએ અભયમની મદદ લેવી પડી હતી. સમજાવવા છતાં પિતા નહીં માનતા આખરે અભયમની ટીમે કડક વલણ અપનાવતા આખરે તે નરમ પડ્યો હતો.

  • વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી ૪ વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું
  • પરિણીતાએ 5 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ પતિ શંકા કરી મારઝૂડ કરતો હોવાથી પિયર રહેતી હતી

વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાનો પતિ સાથે ઝઘડો થતા બાળક સાથે સગાસંબંધીને ત્યાં રહેતી હતી. પતિ બાળકને પરત મૂકી જવા માટે જણાવી બાળક લઈ ગયો હતો પરંતુ મોડી રાત્રિ સુધી બાળક પરત મૂકી નહીં જતા પતિને બાળક પરત મૂકી જવા જણાવ્યું હતું, પરંતુ પતિએ ધમકી આપતા 181 અભયમ ટીમની મદદ માંગી હતી.

જેથી વલસાડ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી પરિણીતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, પરિણીતાએ આશરે પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી પતિ વ્યસન કરીને ખૂબ જ મારઝુડ કરતો અને ખોટી શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. ઘરમાં જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લાવી આપતો નહીં હોવાથી ઝઘડા થતા હતા.

પરિણીતાના માતા-પિતા હયાત નહીં હોવાથી મોટી બહેનના ઘરે રહે છે અને ત્યાંથી કંપનીમાં નોકરી કરવા જાય છે. પતિ બાળકને થોડા સમય પછી પરત મૂકી જઈશ એમ કહી લઈ ગયો હતો, પરંતુ રાત્રિનો સમય થઈ જવા છતાં પરત નહીં મૂકી જતા પરિણીતાએ પતિને બાળક મૂકી જવા કહ્યું હતુ.

પતિએ અપશબ્દ બોલી બાળકને કોઈપણ હાલતમાં પરત નહીં મૂકી જવા જણાવી ધમકી આપી હતી. જેથી બાળકનો કબજો મેળવવા ૧૮૧ પર ફોન કરી અભયમ ટીમની મદદ માંગી હતી. અભયમ ટીમે પતિને કાયદાકીય સલાહ સૂચન આપી અને સમજાવવાની કોશિષ કરી જણાવ્યું કે, બાળક માત્ર ૪ વર્ષનું છે અને તમે વ્યસન કરેલી હાલતમાં હોવાથી બાળકની સાર સંભાળ રાખી નહીં શકો જેથી બાળકને માતાને સોંપી દેવા જણાવ્યું હતું. ઘણી સમજાવટ બાદ પતિ બાળકને પરત આપવા રાજી થતા પરિણીતાને બાળકનો કબજો મળ્યો હતો. જેથી પરિણીતા અને તેમના સગા સંબંધીઓએ 181 ટીમનો આભાર માન્યો હતો.

Most Popular

To Top