Madhya Gujarat

પીપલગના સમૂહલગ્નમાં 4 લાખની ભેટ સોગાદ અપાઇ

આણંદ: નડિયાદના પીપલગ ગામમાં ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ – માતૃસંસ્થાના ઉપક્રમે અને સ્વ. કાંતિભાઈ ડાહ્યાભાઇ પટેલ (ડુમરાલ) પરિવાર તથા પાટીદાર સમાજ ડુમરાલના સૌજન્યથી 111મો સમૂહલગ્નોત્સવ પીપલગમાં પ્રમુખ સ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર, સમાજ વાડીમાં ઉજવવામાં આવ્યો હતો. આ સમૂહલગ્નોત્સવમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહલગ્નમાં પ્રત્યેક દિકરીને ચાર લાખ ઉપરાંતની ભેટ સોગાદો આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રત્યેકને એક્ટિવા પણ દાતા તરફથી ભેટ આપવામાં આવ્યાં હતાં.

નડિયાદના પીપલગ ગામમાં યોજાયેલા દાતાઓના તથા નવયુગલોના સન્માન સમારંભના અતિથિ વિશેષ તરીકે દાતા કલ્પેશભાઇ કાંતિભાઈ પટેલ તથા વિપુલભાઈ કાંતિભાઈ પટેલ (ડુમરાલ), પ્રમુખસ્થાને માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વાગત માતૃસંસ્થાના સમૂહ લગ્ન સમિતિના કન્વીનર કલ્પેશ પટેલે કર્યું હતું અને માતૃસંસ્થાનો પરિચય અને અહેવાલ માતૃસંસ્થાના સહમંત્રી ધીરુભાઇ પટેલે આપ્યો હતો અને સમાજની સ્થાપનાથી લઈ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરેલી પ્રગતિની ઝાંખી કરાવી હતી અને સમૂહલગ્નોત્સવનું સુંદર આયોજન કરવા બદલ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કન્યાદાન ભેટના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નોત્સવ વિશિષ્ટ હતો કારણ કે સમૂહલગ્નોત્સવમાં ભાગ લેનારા પ્રત્યેક નવયુગલને રૂ. 4 લાખ ઉપરાંતની કુલ 26થી વધુ ભેટસોગાદો દાતાઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં સોનાની બુટ્ટી, ટીવી, ફ્રીઝ, ઘરઘંટી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, મીકસર, ઇન્ડકશન વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત 67 દાતા તરફથી રોકડ દાન અને 22 દાતા તરફથી ચેકથી દાન પ્રાપ્ત થયું હતું.

આ પ્રસંગે દાતા પરિવારના વિપુલભાઈ કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાજ દ્વારા દર વર્ષે જે સમૂહલગ્ન યોજાય છે તેમાં અત્યાર સુધીમાં 2900 થી વધારે નગયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા છે. તો આવા સમૂહલગ્નનો લાભ લેનારા દંપતિઓમાંથી આવું કોઈ સારું સામાજિક કાર્ય કરવા માટે કોઈ આગળ આવે તેની આશા તેમણે વ્યક્ત કરી હતી. નવયુગલોનું સન્માન નગીનભાઈ પટેલ, દાતા પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ ગીરીશભાઈ બી. પટેલે કરી હતી. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નડિયાદ શાખા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.

સમૂહલગ્નોત્સવના મુખ્ય દાતા સ્વ. કાંતિભાઈ ડાહ્યાભાઇ પટેલ પરિવાર, કલ્પેશભાઇ કાંતિભાઈ પટેલ તથા અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ કાંતિભાઈ પટેલ, દીપ કલ્પેશભાઇ પટેલ (USA), વ્રજ વિપુલભાઈ પટેલ (Canada), વિપુલભાઈ કાંતિભાઈ પટેલ પરિવાર હતા. સૌપ્રથમ વાર 11 નવયુગલોને વિપુલભાઈ કાંતિભાઈ પટેલ પરિવાર તરફથી 11 એક્ટિવા ભેટમાં આપવામાં આવ્યા હતાં.

Most Popular

To Top