National

દિલ્હી પોલીસે એઆઈથી બનાવેલા ભ્રામક વીડિયો મામલે અફવા ફેલાવતા હેન્ડલ સામે કરી કાર્યવાહી

દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને અફવાઓ ફેલાવનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 300થી વધુ પોસ્ટ દૂર કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આવી પોસ્ટ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાની અને જાહેર વ્યવસ્થાને અસર પહોંચાડવાની આશંકા હતી. આ મામલે એક સોશિયલ મીડિયા હેન્ડલ સામે પણ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલી કેટલીક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી રેલી દરમિયાન દિલ્હી પોલીસે ગોળીબાર કર્યો હતો અને તેમાં પાંચ કાર્યકરોનાં મોત થયાં હતાં. આ સાથે લોકોને રસ્તા પર ઊતરીને દિલ્હીમાં માર્ગો બંધ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. જોકે, આ દાવાઓને લઈને પોલીસે તેને ભ્રામક માહિતી ગણાવી લોકોને આવી પોસ્ટ પર વિશ્વાસ ન કરવા અને તેને આગળ શેર ન કરવાની અપીલ કરી છે.

દિલ્હી પોલીસે ‘ઇન્ડિયાતિવારી01’ નામના સોશિયલ મીડિયા હેન્ડલ સામે પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હેન્ડલ અગાઉ પણ કથિત રીતે નકલી મીડિયા રિપોર્ટ, જૂનાં વીડિયો અને બનાવટી વાર્તાઓ શેર કરીને લોકોને ગેરમાર્ગે દોરતું રહ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવી અને ખોટી માહિતી દ્વારા જાહેર અશાંતિ ઊભી કરવાનો પ્રયાસ કરવો કાનૂની કાર્યવાહીનું કારણ બની શકે છે. આ ઉપરાંત, વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા એક એઆઈ દ્વારા બનાવવામાં આવેલા કથિત ભ્રામક વીડિયો મામલે પણ પોલીસે કાર્યવાહી કરી છે. આ કેસમાં 24 વર્ષીય નદીમ અહેમદની ધરપકડ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપ છે કે તેણે કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ)ની મદદથી એક વીડિયો તૈયાર કરીને ફેલાવ્યો હતો. આ વીડિયોમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસ કર્મચારીને મહિલા પત્રકાર સાથે વાંધાજનક વર્તન કરતો દર્શાવવામાં આવ્યો હતો. પોલીસે આ વીડિયો અને વિરોધ પ્રદર્શન સંબંધિત અન્ય કથિત ભ્રામક સામગ્રી દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’નો પણ સંપર્ક કર્યો છે. પોલીસ હવે સોશિયલ મીડિયા પર ફેલાતી પોસ્ટ અને વીડિયોની તપાસ કરી રહી છે. આ કાર્યવાહીનો હેતુ ખોટી માહિતીના પ્રસારને અટકાવવાનો અને જાહેર વ્યવસ્થા જાળવવાનો છે.

Most Popular

To Top