Business

જ્વાળામુખી બનતા નહિ

એક દરિયાઈ ટાપુ પર વિશાળ જ્વાળામુખી હતો.પહેલાં તે ફાટતો અને તેમાંથી ગરમ લાવા નીકળતો પણ ઘણાં વર્ષોથી તે જ્વાળામુખી ફાટ્યો ન હતો અને તેની ઉપર વૃક્ષો ઊગી નીકળ્યાં હતાં એટલે તે બહારથી લીલોતરીથી ભરેલો શાંત પર્વત લાગતો.  લોકોને લાગ્યું આ જ્વાળામુખીની અંદરનો લાવા શાંત થઈ ગયો લાગે છે. હવે તે કયારેય નહિ ફાટે. એટલે આદિવાસીઓ કોઈ ડર વિના પર્વતની ઉપર ફૂલ, ફળ, લાકડાં ભેગા કરવા જતાં અને લીલોતરીથી ભરેલો પર્વત હતો એટલે તેની નજીક પોતાની નવી ઝૂંપડીઓ બનાવવા લાગ્યાં.

આદિવાસીઓના વૃધ્ધ સરદારે તેમને ચેતવ્યા કે આ જ્વાળામુખી પર્વત છે. ગમે ત્યારે ફાટશે અને નુકસાન પહોંચાડશે પણ કોઈએ તેમની વાત કાને ધરી નહિ. પણ હકીકતમાં અનુભવી સરદારની વાત સાચી હતી,પર્વતની અંદર વર્ષોથી લાવા ભેગો થતો હતો. અનેક વર્ષોથી ભેગો થયેલો તે લાવવા ઉકળી રહ્યો હતો. એક દિવસ નાની ધ્રુજારી થઈ… પછી મોટો વિસ્ફોટ… જ્વાળામુખી ફાટ્યો …ધખધખતો લાવારસ બહાર આવ્યો અને ચારે બાજુ વિનાશ થયો. આસપાસ બનાવેલાં આદિવાસીઓનાં ઝૂંપડાંઓ નાશ પામ્યાં. યુવાન આદિવાસીઓ વૃદ્ધ સરદાર પાસે ગયાં અને પૂછવા લાગ્યાં આ પર્વત તો વર્ષોથી શાંત હતો તો પછી આટલા વર્ષે તે કેમ ફાટ્યો? વૃદ્ધ સરદાર બોલ્યા, ‘આ પર્વત આજે નથી ફાટ્યો.

તે વર્ષોથી અંદર ભરાતો હતો.ગરમાગરમ લાવાથી ઉકળતો હતો અને દબાણ વધતાં ફાટ્યો. તમે મારી ચેતવણી ત્યારે સાંભળી નહિ અને આજે આ બનાવ પછી હું જે સમજાવું છું તે સાંભળજો અને યાદ રાખજો. આપણા બધાના દિલની અંદર પણ આવો એક જ્વાળામુખી છે. અંદર એક લાવા સતત સળગે છે. જે ગમે ત્યારે ફાટી શકે છે. વૃધ્ધ સરદારની વાત કોઈને સમજાઈ નહિ પણ છતાં બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

એક યુવાને પૂછ્યું, ‘સરદાર બધાની અંદર જ્વાળામુખી એટલે શું?’ વૃદ્ધ સરદાર બોલ્યા, ‘આપણી અંદર પણ જીવનમાં થયેલાં દરેક અપમાન, દરેક ગુસ્સો , દરેક દુઃખ, દરેક દગો વગેરેનો લાવાની જેમ સંગ્રહ થતો જાય છે.વર્ષો સુધી દબાવેલી લાગણીઓ એક દિવસ વિસ્ફોટ કરે જ છે. આ વિસ્ફોટની અંદર હોય છે: કોઈકે આપેલું દુઃખ ,બધાની વચ્ચે થયેલું અપમાન, પ્રિયજને કરેલો અસ્વીકાર, જીવનની એકલતા, કોઈ ભૂલનો પસ્તાવો, કોઈ જાણ્યો કે અજાણ્યો ભય મળીને ઉકળતો લાવા……. આ લાવા આપણા જીવનને અને આપણી આજુબાજુના સંબંધોનો નાશ કરી શકે છે એટલે હંમેશા ચેતતા રહેજો અને મનમાં કંઈ સંઘરતા નહિ; નહિતર જ્વાળામુખીની જેમ ફાટશે તો વિનાશ નોતરશે.’

એક યુવાને પૂછ્યું, ‘સરદાર તો શું કરવું જોઈએ?’ સરદારે કહ્યું, ‘મેં કહ્યું હતું કે આ જ્વાળામુખી પર્વતથી દૂર રહેજો તેમ મનને જ્વાળામુખી પર્વત બનવા ન દેતા…મનમાં અનેક પ્રકારની નકારાત્મક લાગણીનો લાવા ભરાઈ ન રહે  તે માટે મન સાફ રાખજો અને  જે લાગણી થાય તે મનમાં સંઘરી રાખવી નહિ પણ સામેવાળાને કહી દેવી અને ઉભરો ઠાલવી નાખવો અને પછી ભૂલી જવું તેમાં જ સમજદારી છે.’ સરદારે સુંદર સમજ આપી.

Most Popular

To Top