India

દિલ્હીનું બંગલા સાહિબ ગુરુદ્વારા વિવાદમાં, CEC સામેના વિરોધ બાદ રાજકીય ઘમાસાણ

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ પ્રદર્શનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ગુરુદ્વારા બંગલા સાહિબ પરિસરમાં પોલીસકર્મીઓ દેખાતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષી નેતાઓએ આ ઘટનાને લઈને સવાલો ઉઠાવ્યા છે, જ્યારે દિલ્હી પોલીસે વાયરલ વીડિયોને લઈને સ્પષ્ટતા આપતાં કાનૂની કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી આપી છે.

ગુરુદ્વારામાં પોલીસ દેખાતા વિપક્ષનો વિરોધ
મળતી માહિતી મુજબ, શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર સામે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ ગુરુદ્વારા બંગલા સાહિબમાં આશરો લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સામે આવેલા વીડિયોમાં ગુરુદ્વારા પરિસરમાં પોલીસકર્મીઓ દેખાતાં વિવાદ વકર્યો હતો.પંજાબ કોંગ્રેસના નેતા સુખપાલ સિંહ ખૈરાએ નિશાન સાહિબને શરણ અને રક્ષણનું પ્રતીક ગણાવી સરકારની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ, આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે પણ સોશિયલ મીડિયા પર સવાલ કર્યો હતો કે શું દિલ્હી પોલીસ ગુરુદ્વારા બંગલા સાહિબમાં પ્રવેશી હતી? પોલીસકર્મીઓના જૂતાં અને માથું ઢાંક્યા વગર હોવાના દાવાને લઈને પણ તેમણે વાંધો વ્યક્ત કર્યો હતો.

દિલ્હી પોલીસની સ્પષ્ટતા, કાનૂની કાર્યવાહી શરૂ
વિવાદ વધતાં દિલ્હી પોલીસે વાયરલ વીડિયોને લઈને સ્પષ્ટતા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ વીડિયોને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરીને ફેલાવવામાં આવી રહ્યો છે, જેથી એક સન્માનિત ધાર્મિક સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચે અને ધાર્મિક સૌહાર્દને નુકસાન થાય. પોલીસે આ મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું છે.બીજી તરફ, ભાજપના નેતા અને દિલ્હી સરકારના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ વિપક્ષ પર ધાર્મિક સ્થળોનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે વિપક્ષી નેતાઓ પાસે બિનશરતી માફીની માગ કરી હતી. દિલ્હી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ હરમીત સિંહ કલકાએ પણ આમ આદમી પાર્ટી પર રાજકીય લાભ માટે વિવાદ ઊભો કરવાનો આરોપ લગાવ્યો હતો.

SIR મુદ્દે CECના રાજીનામાની માંગ
આ સમગ્ર વિવાદનું મૂળ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં છે. મતદાર યાદીના ખાસ સઘન પુનરાવર્તન (SIR) દરમિયાન કથિત અનિયમિતતાઓના આરોપ સાથે પ્રદર્શનકારીઓએ તેમના રાજીનામાની માગ કરી હતી. દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી હતી અને મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા હતા.હવે બંગલા સાહિબ ગુરુદ્વારા સાથે જોડાયેલા વાયરલ વીડિયોએ ધાર્મિક સંવેદનશીલતા અને રાજકીય ટકરાવને વધુ તીવ્ર બનાવ્યો છે. જોકે, પોલીસની કાર્યવાહી અને વીડિયોની વાસ્તવિક પરિસ્થિતિ અંગેના દાવાઓ વચ્ચે સત્ય શું છે, તે તપાસના પરિણામો બાદ જ સ્પષ્ટ થશે.

Most Popular

To Top