World

ઈજિપ્ત સુધી પહોંચ્યો ઈરાન-અમેરિકા સંઘર્ષ! ડામિએટા પોર્ટ પર અમેરિકન ગેસ ટેન્કર પર ડ્રોન હુમલો

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવે હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધી ફારસની ખાડી અને આસપાસના વિસ્તારો સુધી મર્યાદિત રહેલો સંઘર્ષ હવે ઈજિપ્ત સુધી પહોંચી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બુધવારે ઈજિપ્તના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ડામિએટા પોર્ટ પર ઊભેલા અમેરિકન માલિકીના એક ગેસ ટેન્કર પર ડ્રોન હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલા બાદ જહાજમાં જોરદાર વિસ્ફોટ થયો અને ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધારી છે અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા સંઘર્ષ અંગે નવી આશંકાઓ ઊભી કરી છે.

મળતી માહિતી મુજબ હુમલો ‘એનર્જોસ વિન્ટર’ નામના અમેરિકન માલિકીના ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગેસિફિકેશન યુનિટ (FSRU) પર થયો હતો. આ જહાજનો ઉપયોગ લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ના સંગ્રહ અને ગેસમાં રૂપાંતર માટે કરવામાં આવે છે. તેની ક્ષમતા આશરે 1,38,250 ઘન મીટર LNG સંગ્રહ કરવાની હોવાનું જણાવવામાં આવે છે. હુમલા બાદ થયેલો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આગ નજીકમાં ઊભેલા અન્ય LNG વાહક જહાજ ‘ગેસલાગ સેલમ’ અને એક ટગબોટ સુધી પણ ફેલાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે જહાજમાં રહેલા તમામ નાવિકોને સમયસર સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ હુમલાને કારણે બંદર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો. બ્રિટિશ મરીન સિક્યુરિટી કંપની ‘એમ્બ્રે’એ પોતાના અહેવાલમાં આ ઘટનાને ડ્રોન હુમલો ગણાવ્યો છે. જોકે ઈજિપ્તના પેટ્રોલિયમ મંત્રાલયે આગ લાગ્યાની ઘટનાની પુષ્ટિ કરી છે, પરંતુ ડ્રોન હુમલાના દાવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જેના કારણે ઘટનાના ચોક્કસ કારણ અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

આ ઘટનાએ મિડલ ઈસ્ટમાં ઊર્જા સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોને લઈને પણ ચિંતા વધારી છે. ડામિએટા પોર્ટ ઈજિપ્તનું મહત્વપૂર્ણ LNG નિકાસ કેન્દ્ર છે અને અહીં કોઈ પણ પ્રકારની સુરક્ષા ખામી વૈશ્વિક ઊર્જા બજાર પર અસર કરી શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે જો આવા હુમલાઓ ચાલુ રહેશે તો વૈશ્વિક ગેસ સપ્લાય અને વેપાર પર તેની અસર પડી શકે છે. હુમલા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક વલણ અપનાવવાના સંકેત આપ્યા છે. ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા હવે ઈરાન સામે વધુ આક્રમક કાર્યવાહી કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમેરિકા જોરદાર જવાબ આપશે અને ઈરાન જાણે છે કે હવે આગળ શું થવાનું છે. ટ્રમ્પે રશિયા સામે પ્રસ્તાવિત પ્રતિબંધો સાથે ઈરાન પર પણ કડક ટેરિફ અને આર્થિક દબાણ વધારવાની વાત કરી હતી.

મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવ સતત વધી રહ્યો છે. ડામિએટા પોર્ટ પર થયેલી ઘટનાના થોડા કલાકો પહેલાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ ઈરાકમાં ઈરાન સમર્થિત પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિસ (PMF)ના ઠેકાણાઓ પર સંયુક્ત હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. બીજી તરફ ઈરાને પણ જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઈલ છોડ્યાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા વેપારી જહાજોને નિશાન બનાવવાની પણ ધમકી આપવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ તમામ ઘટનાઓને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. ઊર્જા પુરવઠો, સમુદ્રી વેપાર અને આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર તેની અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ સંઘર્ષ વધુ વિસ્તરશે તો તેની અસર માત્ર મિડલ ઈસ્ટ પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલ તેમજ LNGના ભાવ પર પણ જોવા મળી શકે છે. આ ઘટનાને લઈને વિવિધ દેશો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. હાલ હુમલા પાછળ કોણ જવાબદાર છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સતત વધી રહેલા હુમલાઓને કારણે સમગ્ર પ્રદેશમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આગામી દિવસોમાં અમેરિકા, ઈરાન અને અન્ય દેશોની પ્રતિક્રિયા પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

Most Popular

To Top