દિવસમાં ૨ થી ૩ અકસ્માતો થતાં રહીશોમાં ફાળ: ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતા વાહનચાલકો સામે કડક કાર્યવાહીની માંગ
વડોદરા: શહેરનો ગોત્રી-સેવાસી રોડ અવારનવાર સર્જાતા અકસ્માતોને કારણે સતત ચર્ચામાં રહે છે, ત્યારે તાજેતરમાં નાયરા પેટ્રોલ પંપ પાસે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોત્રી-સેવાસી રોડ પર પૂરઝડપે અને બેફામ રીતે દોડતા એક ડમ્પરના ચાલકે કારને જોરદાર અડફેટે લેતા મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ માર્ગ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને સ્થાનિકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

આ વિસ્તારમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગોત્રી-સેવાસી રોડ પર ડમ્પર ચાલકો ટ્રાફિકના તમામ નીતિ-નિયમોના ધજાગરા ઉડાડીને યમદૂતની જેમ વાહનો હંકારી રહ્યા છે. તંત્ર કે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ આ માર્ગ પર દિવસમાં બે થી ત્રણ વખત નાના-મોટા અકસ્માતો સર્જાય છે, જેના કારણે નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓનો જીવ સતત જોખમમાં મુકાઈ રહ્યો છે.
સતત વધી રહેલા અકસ્માતોને પગલે વિસ્તારના સ્થાનિક રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે. અવારનવાર બનતી ઘટનાઓ છતાં આ બેફામ ડમ્પર ચાલકો પર કડક રોકટોક કે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અકસ્માત બાદ સ્થાનિકોએ વહીવટી તંત્ર અને ટ્રાફિક પોલીસ પાસે માંગ કરી છે કે બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવે અને રોડ પર યોગ્ય ટ્રાફિક નિયંત્રણ લાદવામાં આવે જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.