₹1200ના બદલે ₹800-900 પે-આઉટ મળતા રોષ, પેમેન્ટ વધારો નહીં થાય તો અનિશ્ચિત હડતાળની ચીમકી


(પ્રતિનિધિ) વડોદરા, તા. 18
ક્વિક કોમર્સ કંપની બ્લિન્કીટના પેમેન્ટ સ્ટ્રક્ચરમાં કરાયેલા ઘટાડા સામે વડોદરાના ડિલિવરી રાઇડર્સમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શનિવારે સવારે મોટી સંખ્યામાં રાઇડર્સ તરસાલી સ્થિત કંપનીના મુખ્ય ગોડાઉન ખાતે એકત્ર થયા હતા અને પેમેન્ટ વધારાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધને પગલે ગોડાઉનનું કામકાજ પણ પ્રભાવિત થયું હતું.
રાઇડર્સના જણાવ્યા મુજબ કંપનીએ ઓર્ડર દીઠ મળતા કમિશન અને પેટ્રોલ ભથ્થામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. અગાઉ 12થી 13 કલાક કામ કરવા બદલ રોજના આશરે ₹1200થી વધુની કમાણી થતી હતી, જ્યારે હવે તે ઘટીને માત્ર ₹800થી ₹900 સુધી સીમિત રહી ગઈ છે. ઉપરાંત, અગાઉ 5 કિમીની ડિલિવરી માટે મળતા ₹55થી ₹60ના બદલે હવે માત્ર ₹40થી ₹45 જ ચૂકવવામાં આવી રહ્યા હોવાનું રાઇડર્સે જણાવ્યું હતું.
રાઇડર્સનું કહેવું છે કે તેઓ તડકો, વરસાદ અને રાત-દિવસ જીવના જોખમે ગ્રાહકો સુધી સમયસર ડિલિવરી પહોંચાડે છે, છતાં કંપની તેમની મહેનતનું યોગ્ય વળતર આપતી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કંપનીના મેનેજર નીતિન કદમ દ્વારા પણ દબાણ અને ધમકીભર્યો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન રાઇડર્સે કંપનીને ચેતવણી આપી હતી કે જો આગામી 7થી 10 દિવસમાં લેખિતમાં પેમેન્ટ વધારાની ખાતરી આપવામાં નહીં આવે તો તેઓ કામ પર પરત નહીં ફરે. સાથે જ અન્ય રાઇડર્સને પણ કામ નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ વિરોધને કારણે શહેરના અનેક વિસ્તારોમાં બ્લિન્કીટની ઓનલાઈન ડિલિવરી સેવા પ્રભાવિત થઈ હતી. અનેક ગ્રાહકોને ઓર્ડર બુક કરવામાં મુશ્કેલી પડી હતી અને ડિલિવરીનો સમય પણ નોંધપાત્ર રીતે વધી ગયો હતો.