અમેરિકા-ઈઝરાયલમાં વધ્યું ટેન્શન
મધ્ય-પૂર્વમાં ફરી એકવાર તણાવભર્યું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ફરીથી રાજદ્વારી ચર્ચા શરૂ થવાની ચર્ચાઓ વચ્ચે ઈરાને પોતાની સૈન્ય અને પરમાણુ સુવિધાઓને મજબૂત બનાવવા માટે ઝડપી ગતિએ કામગીરી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઈટ તસવીરોએ ઈરાનના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વધી રહેલી ગતિવિધિઓનો ખુલાસો કર્યો છે, જેના કારણે અમેરિકા અને ઈઝરાયલ બંને દેશોની ચિંતા વધી ગઈ છે.
હુમલા બાદ પુનઃનિર્માણની કામગીરી તેજ
રિપોર્ટ અનુસાર, ઈરાનના પરમાણુ અને મિસાઈલ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ મથકો પર તાજેતરમાં થયેલા હુમલાથી થયેલા નુકસાનને દૂર કરવા માટે મોટા પાયે સમારકામ અને પુનઃનિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સેટેલાઈટ તસવીરોમાં ભારે મશીનરી, વાહનોની અવરજવર અને નવા બાંધકામની કામગીરી સ્પષ્ટ જોવા મળી રહી છે.
ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે ઈરાને અમેરિકા સાથે ફરી વાતચીત આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને અમેરિકા પણ તેના માટે તૈયાર છે. જોકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અગાઉ અમલમાં રહેલો યુદ્ધવિરામ હવે સમાપ્ત થઈ ગયો છે અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા પોતાની સુરક્ષા નીતિમાં કોઈ ઢીલ નહીં આપે.ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈરાને ચર્ચા માટે સંપર્ક કર્યો છે, પરંતુ પરિસ્થિતિને જોતા સીઝફાયર હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
પારચિન સૈન્ય સંકુલમાં વધતી હલચલ
સેટેલાઈટ વિશ્લેષણમાં ઈરાનના પારચિન સૈન્ય સંકુલના ‘તાલેઘાન-2’ વિસ્તારમાં સૌથી વધુ ગતિવિધિઓ નોંધાઈ છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, ભૂતકાળમાં આ વિસ્તારનો ઉપયોગ પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલી સામગ્રીના સંશોધન અને સંગ્રહ માટે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.જૂનના અંત અને જુલાઈની શરૂઆતમાં લેવામાં આવેલી તસવીરોની સરખામણી કરતાં જાણવા મળ્યું છે કે હુમલાથી નુકસાન પામેલા વિસ્તારોમાં ઝડપથી સમારકામ અને નવી સુવિધાઓ ઉભી કરવાની કામગીરી ચાલી રહી છે.
અંડરગ્રાઉન્ડ પરમાણુ ઠેકાણાં પણ ચર્ચામાં
રિપોર્ટમાં ‘પિકએક્સ માઉન્ટેન’ વિસ્તારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્થળને ઈરાનનું સંભવિત ભૂગર્ભ પરમાણુ કેન્દ્ર માનવામાં આવે છે. સેટેલાઈટ તસવીરોમાં અહીં આવેલી સુરંગોની આસપાસ અનેક વાહનોની અવરજવર અને કામગીરી જોવા મળી છે, જેના કારણે અંદર મોટા પાયે તૈયારીઓ ચાલી રહી હોવાની અટકળો તેજ બની છે.
વૈશ્વિક સ્તરે વધી ચિંતા
સુરક્ષા વિશ્લેષકોનું માનવું છે કે ઈરાન પોતાના મહત્વના પરમાણુ અને મિસાઈલ મથકોને ફરી સંપૂર્ણ રીતે કાર્યરત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. જો આ ગતિવિધિઓ યથાવત રહે તો મધ્ય-પૂર્વમાં ફરી એકવાર તણાવ વધી શકે છે અને આંતરરાષ્ટ્રીય રાજકીય સમીકરણો પર તેની અસર જોવા મળી શકે છે.હાલ પરિસ્થિતિ પર અમેરિકા, ઈઝરાયલ સહિત અનેક દેશોની નજર છે. એક તરફ રાજદ્વારી ચર્ચાના પ્રયાસો ચાલી રહ્યા છે, જ્યારે બીજી તરફ સૈન્ય તૈયારીઓમાં વધારો થતો જોવા મળતા આગામી દિવસોમાં આ મુદ્દો વૈશ્વિક રાજકારણનું સૌથી મહત્વનું કેન્દ્ર બની શકે છે.