ગોવા એટલે દરિયાકિનારા, કુદરતી સૌંદર્ય અને શાંતિનો અનુભવ. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે અને ગોવાની સુંદરતા માણે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા પર રીલ્સ અને શોર્ટ વીડિયો બનાવવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે ઘણા પ્રવાસીઓ મોજ-મસ્તીના નામે કાયદા અને નિયમોની અવગણના કરવા લાગ્યા છે. ખાસ કરીને ભાડે લેવાયેલી મહિન્દ્રા થાર જેવી એસયુવી ગાડીઓ લઈને બીચ પર સ્ટન્ટ્સ કરવા અને જોખમી વીડિયો બનાવવાની ઘટનાઓ સતત વધી રહી હતી. હવે આ બેદરકારી સામે ગોવા સરકારે મોટું અને કડક પગલું ભર્યું છે.
અહેવાલો અનુસાર, ગોવા સરકારે રાજ્યમાં પ્રવાસીઓને ભાડે આપવામાં આવતી ‘હાઈ-રિસ્ક’ રેન્ટલ એસયુવી ગાડીઓ માટે નવા લાયસન્સ આપવાની પ્રક્રિયા પર વચગાળાની રોક લગાવી દીધી છે. સરકારનું માનવું છે કે આવી ગાડીઓનો દુરુપયોગ વધી રહ્યો છે અને તેના કારણે પર્યાવરણ, સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. તાજેતરના સમયમાં ગોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં પ્રવાસીઓ ભાડે લીધેલી થાર ગાડીઓને દરિયાકિનારે દોડાવતા, સ્ટન્ટ કરતા અને જોખમી રીતે ચલાવતા જોવા મળ્યા હતા. માત્ર થોડા લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે લોકો પોતાની સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા અંજુના બીચ પર દિલ્હીના કેટલાક પ્રવાસીઓએ ભાડે લીધેલી થાર સીધી દરિયાના પાણીમાં ઉતારી દીધી હતી. થોડા જ સમયમાં ગાડી ભીની રેતીમાં ફસાઈ ગઈ અને બહાર નીકળી શકી નહોતી. આખરે સ્થાનિક માછીમારોને ભારે મહેનત કરીને ગાડીને બહાર કાઢવી પડી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી.
મોરજીમ બીચ પર પણ આવી જ એક ગંભીર ઘટના સામે આવી હતી. અહીં કેટલાક પ્રવાસીઓએ ભારે એસયુવી ગાડીઓ ઓલિવ રિડલે કાચબાઓના સંવેદનશીલ પ્રજનન વિસ્તારમાં દોડાવી હતી. આ વિસ્તારમાં કાચબાઓ પોતાના ઈંડા મૂકે છે. ગાડીઓના ટાયર નીચે અનેક ઈંડા અને કુદરતી આવાસને નુકસાન પહોંચ્યાની ફરિયાદો સામે આવી હતી. પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ આ ઘટનાને ગંભીર ગણાવી સરકાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગોવાના સ્થાનિક રહેવાસીઓ, માછીમારો અને બીચ શેકના સંચાલકો લાંબા સમયથી આવી હરકતોનો વિરોધ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે ઘણા પ્રવાસીઓ ગોવાના નિયમો, પર્યાવરણ અને સ્થાનિક સંસ્કૃતિનું માન રાખતા નથી. બીચ પર ગાડીઓ દોડાવવી, કચરો ફેંકવો અને જોખમી સ્ટન્ટ્સ કરવાના કારણે સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગોવામાં મહિન્દ્રા થાર જેવી શક્તિશાળી એસયુવી ગાડીઓ એક દિવસના અંદાજે રૂ.3,000થી રૂ.4,000ના ભાડે સરળતાથી મળી જાય છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, મુંબઈ અને અન્ય મોટા શહેરોમાંથી આવતા ઘણા યુવાનો આવી ગાડીઓ ભાડે લઈને બીચ પર સ્ટન્ટ્સ કરે છે અને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવે છે. ઘણી વખત આ વીડિયો વાયરલ થાય છે, જેના કારણે બીજા લોકો પણ આવી હરકતો કરવા પ્રેરાય છે.
ગોવા સરકારનું માનવું છે કે પ્રવાસન રાજ્યની અર્થવ્યવસ્થાનો આધાર છે, પરંતુ પ્રવાસનના નામે પર્યાવરણને નુકસાન પહોંચે અથવા કાયદાનો ભંગ થાય તે સ્વીકાર્ય નથી. તેથી નવા લાયસન્સ પર રોક મૂકીને સરકાર આવા વાહનોના દુરુપયોગ પર નિયંત્રણ લાવવા માંગે છે. સાથે જ બીચ અને સંવેદનશીલ વિસ્તારોમાં નિયમોનું વધુ કડક પાલન કરાવવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ નિર્ણયથી માત્ર ગેરકાયદેસર સ્ટન્ટ્સ પર જ રોક નહીં લાગે, પરંતુ દરિયાકિનારાના નાજુક પર્યાવરણ, દુર્લભ પ્રાણી-પક્ષીઓના રહેઠાણ અને સ્થાનિક લોકોની સુરક્ષાનું પણ રક્ષણ થશે. સરકારને આશા છે કે આ પગલાથી ગોવાના કુદરતી સૌંદર્યને જાળવી રાખવામાં મદદ મળશે અને જવાબદાર પ્રવાસનને પ્રોત્સાહન મળશે. રીલ્સ અને સોશિયલ મીડિયા માટે કાયદો તોડવાની માનસિકતા હવે અનેક સ્થળોએ ચિંતાનો વિષય બની રહી છે. ગોવા સરકારનો આ નિર્ણય અન્ય પ્રવાસન સ્થળો માટે પણ એક ઉદાહરણ બની શકે છે, જ્યાં પર્યાવરણ અને જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે.
Goa, Mahindra Thar, Rental SUV, Tourism, Social Media Reels