Vadodara

દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!

ન્યાય મંદિર વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજ મિક્સ થતાં રહીશો પરેશાન; પાલિકાની હંગામી કામગીરીથી કંટાળેલા લોકોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ માં સમાવિષ્ટ વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે સ્થાનિક નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના ઐતિહાસિક ન્યાય મંદિર વિસ્તાર નજીક આવેલા દૂધવાલા મોહલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીઓમાં કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતું પીવાનું પાણી તદ્દન દૂષિત અને પીવા અયોગ્ય આવી રહ્યું હોવાની બૂમો ઊઠી છે. સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર, પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ડ્રેનેજનું ગંદું પાણી મિક્સ થઈ રહ્યું છે, જેને કારણે નળમાંથી પીળાશ પડતું, દુર્ગંધયુક્ત અને જીવડાવાળું પાણી આવી રહ્યું છે. વહેલી સવારે જ્યારે પાણીનો પુરવઠો શરૂ થાય છે ત્યારે શરૂઆતમાં જ જીવાતવાળું અને દોહળું પાણી આવતું હોવાથી નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
​આ દૂષિત પાણીના વપરાશના કારણે વિસ્તારના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિકોમાં ભય છે કે જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે. તંત્રની ઉદાસીનતાથી કંટાળેલા નાગરિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ અંગે વડોદરા મહાનગરપાલિકામાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. જો કે, રજૂઆત બાદ પાલિકાના કર્મચારીઓ આવીને ડ્રેનેજ લાઈન સાફ કરી જાય છે, પરંતુ તેના માત્ર ૧૫ જ દિવસમાં ફરીથી એ જ સમસ્યા બેવડાય છે. તંત્ર દ્વારા આ ગંભીર પ્રશ્નનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં ન આવતા નાગરિકોનું આરોગ્ય જોખમાયું છે.
​સ્થાનિક રહીશોએ તંત્ર અને સત્તાધીશો સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, આ વિસ્તાર વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણાનો પોતાનો હોવા છતાં અહીં આવી દયનીય સ્થિતિ પ્રવર્તી રહી છે. જો મેયરના પોતાના જ વોર્ડના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોય, તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. વિસ્તારના લોકોએ મેયર ગીતાબેન મકવાણાને નમ્ર અપીલ કરી છે કે તેઓ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને ડ્રેનેજ મિક્સિંગની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી નાગરિકોને સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડે. તેની સાથે જ રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે તો સ્થાનિકો દ્વારા કોર્પોરેશન સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Most Popular

To Top