Vadodara

વાઇબ્રન્ટ સમિટ પહેલાં સાવલીનો સળગતો સવાલ!રોકાણની ચમક વચ્ચે કેમિકલ વેસ્ટ નિકાલનું કૌભાંડ

ટુંડાવ સહિતનાં વિસ્તારોમાં પ્રદૂષણથી પરેશાન ગ્રામજનો; GPCB અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો
| વડોદરા/સાવલી
એક તરફ વડોદરામાં પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે રાજ્ય સરકાર સજ્જ છે. મુખ્યમંત્રી, મંત્રીઓ, વરિષ્ઠ IAS અધિકારીઓ અને દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ રોકાણ અને વિકાસ અંગે ચર્ચા કરવા વડોદરા આવી રહ્યા છે. નવા રોકાણો આવે અને લોકોને રોજગારી મળે તે આવકાર્ય જ છે, પરંતુ સ્થાનિક લોકોની સુખાકારી સચવાય તે પણ જરૂરી છે. કેમકે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ઔદ્યોગિક પ્રદૂષણ અને કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રવિવારે લામડાપુરા–કુનપાડ રોડ પર ખુલ્લી જગ્યામાં પડેલા ઔદ્યોગિક કચરામાં આગ લાગતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. મંજુસર GIDC ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે સ્થાનિકોનો દાવો છે કે આ કોઈ એક દિવસની ઘટના નથી, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલી ગંભીર સમસ્યાનો એક વધુ દાખલો છે.
સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલીક ઔદ્યોગિક એકમોમાંથી નીકળતો ઘન કચરો અને કેમિકલ વેસ્ટ રાત્રિના સમયે ખુલ્લી જગ્યાઓ, ખેતરોની આસપાસ, રોડની બાજુ અને ગટરોમાં ઠાલવી દેવામાં આવે છે. ટેન્કરો ભરીને પણ જોખમી કેમિકલની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારબાદ પુરાવા નષ્ટ કરવા માટે તેમાં આગ લગાડવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવે છે.
ખેતી, આરોગ્ય અને પર્યાવરણ પર ગંભીર અસરનો દાવો
સ્થાનિકોનું કહેવું છે કે પ્રદૂષણના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, પાકને નુકસાન થઈ રહ્યું છે અને હવા તથા પાણીની ગુણવત્તા પણ બગડી રહી છે. કેટલાક લોકો શ્વાસની તકલીફ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ વધ્યાનો પણ દાવો કરે છે.
આખરે જવાબદાર કોણ?
સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો ગેરકાયદે વેસ્ટ ઠાલવવાની પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે, તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કેમ થઈ નથી? લોકોનો આરોપ છે કે નિયમોનું પાલન કરાવવા માટેની દેખરેખ પૂરતી અસરકારક નથી. જોકે આ મુદ્દે સંબંધિત સત્તાવાળાઓનો પ્રતિસાદ મળ્યો નથી.
ટુંડાવ સહિતના વિસ્તારો ચર્ચામાં
સ્થાનિકોના જણાવ્યા મુજબ લામડાપુરા–કુનપાડ રોડ ઉપરાંત આસોજ, ટુંડાવ, સમલાયા રોડ, લસુન્દ્રા રોડ, મંજુસર–આસોજ રોડ અને અન્ય વિસ્તારોમાં પણ ઔદ્યોગિક કચરો ઠાલવવાની અને સળગાવવાની ઘટનાઓ બનતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ દાવાઓની સત્તાવાર તપાસ થવી જરૂરી હોવાનું સ્થાનિકો માને છે.
વાઇબ્રન્ટ ગુજરાત સાથે ‘ગ્રીન ગુજરાત’ પણ જરૂરી
વાઇબ્રન્ટ ગુજરાતનો મુખ્ય ઉદ્દેશ રોકાણ, ઉદ્યોગ અને રોજગારી વધારવાનો છે. પરંતુ વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ અને સ્થાનિક લોકોના આરોગ્યની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો પ્રદૂષણ સંબંધિત આક્ષેપો થઈ રહ્યા હોય ત્યારે માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ ઉદ્યોગોની વિશ્વસનીયતા માટે પણ ગંભીર પડકાર બની શકે છે.
લોકોની મુખ્ય માંગ
ગેરકાયદે ઔદ્યોગિક કચરો ઠાલવનારા તત્વોની ઓળખ કરી કડક કાર્યવાહી કરવામાં આવે.
સમગ્ર વિસ્તારમાં સ્વતંત્ર પર્યાવરણીય તપાસ કરાવવામાં આવે.
GPCB અને જિલ્લા તંત્ર દ્વારા નિયમિત મોનિટરિંગ અને જાહેર અહેવાલ બહાર પાડવામાં આવે.
દોષિત કંપનીઓ સામે પર્યાવરણ કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવે.
ખેડૂતો અને અસરગ્રસ્ત ગામોના પ્રતિનિધિઓ સાથે ખુલ્લી જાહેર સુનાવણી યોજવામાં આવે.

Most Popular

To Top