India

ગુજરાતમાં થશે સૌથી મોટું રાજકીય પુનઃસીમાંકન?

લોકસભાની બેઠકો 40 અને વિધાનસભાની બેઠકો 273 સુધી વધવાની શક્યતા

ગુજરાતમાં આગામી વર્ષોમાં રાજકીય નકશામાં સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. દેશવ્યાપી લોકસભા,વિધાનસભાની મતવિસ્તાર સીમાંકન (Delimitation) પ્રક્રિયા અમલમાં આવ્યા બાદ ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ, હાલની 26 લોકસભા બેઠકો વધીને 39 અથવા 40 થઈ શકે છે, જ્યારે 182 વિધાનસભા બેઠકો વધીને આશરે 273 સુધી પહોંચી શકે છે. આ ફેરફાર માત્ર બેઠકોની સંખ્યામાં વધારો નહીં કરે પરંતુ સમગ્ર ગુજરાતના રાજકીય સમીકરણો, મતવિસ્તારોની સરહદો અને ચૂંટણીઓની વ્યૂહરચનામાં પણ મોટો બદલાવ લાવી શકે છે. સાથે જ મહિલાઓને અનામત આપતા મહિલા આરક્ષણ કાયદાના અમલનો માર્ગ પણ વધુ સરળ બનશે.

છેલ્લા પાંચ દાયકામાં સૌથી મોટો ફેરફાર
રાજકીય નિષ્ણાતોના મતે ગુજરાતમાં છેલ્લા લગભગ 50 વર્ષમાં આ સૌથી મોટું ચૂંટણી આધારિત પુનર્ગઠન સાબિત થઈ શકે છે. રાજ્યની વસ્તીમાં છેલ્લા બે દાયકામાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં મતદારોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે.હાલના ઘણા લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોમાં મતદારોની સંખ્યા ખૂબ વધી જતાં પ્રતિનિધિત્વનું સંતુલન ખોરવાયું હોવાનું માનવામાં આવે છે. નવી સીમાંકન પ્રક્રિયાનો મુખ્ય હેતુ વસ્તી અને મતદારોના પ્રમાણ અનુસાર વધુ સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો છે.

લોકસભાની બેઠકો 40 સુધી પહોંચે તેવી શક્યતા
હાલ ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો છે. નવા સીમાંકન બાદ આ સંખ્યા વધીને 39 અથવા 40 થઈ શકે છે.જો કે
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક લોકસભા બેઠકમાં સરેરાશ મતદારોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલમાં અનેક બેઠકોમાં 20 લાખથી વધુ મતદારો છે. નવા માપદંડ મુજબ એક લોકસભા બેઠક દીઠ અંદાજે 12થી 15 લાખ મતદારો રાખવાનો વિચાર ચાલી રહ્યો છે.તેના પરિણામે વધતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં નવી બેઠકો બનાવવાની શક્યતા વધી રહી છે.

વિધાનસભાની બેઠકોમાં પણ મોટો વધારો
હાલ ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે. નવા સીમાંકન બાદ આ સંખ્યા વધીને આશરે 273 સુધી પહોંચી શકે છે.
જો આવું થાય તો રાજ્યના ઘણા જિલ્લાઓમાં નવા વિધાનસભા મતવિસ્તારોનું સર્જન થશે અને કેટલાક હાલના મતવિસ્તારોની સરહદોમાં પણ મોટા ફેરફારો થશે.

અમદાવાદમાં સૌથી મોટો બદલાવ
અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં સૌથી મોટો ફેરફાર થવાની સંભાવના છે.હાલ અમદાવાદનું પ્રતિનિધિત્વ બે લોકસભા બેઠકો દ્વારા થાય છે – અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ.પરંતુ બંને વિસ્તારોમાં મળીને 37 લાખથી વધુ મતદારો હોવાથી હવે અહીં ત્રીજી લોકસભા બેઠક બનાવવાની ચર્ચા ચાલી રહી છે.શહેરના નવા વિસ્તારો, વધતી વસતી અને નવા રહેણાંક ઝોનને ધ્યાનમાં રાખીને મતવિસ્તારોની નવી રચના થઈ શકે છે.

ગાંધીનગરમાં પણ નવી બેઠક બની શકે
ગાંધીનગર લોકસભા બેઠકમાં હાલમાં અંદાજે 21 લાખથી વધુ મતદારો છે.સીમાંકન બાદ ગાંધીનગર લોકસભા વિસ્તારને બે ભાગમાં વહેંચી શકાય છે. નવા મતવિસ્તારમાં કલોલ, દહેગામ સહિતના વિસ્તારોને સામેલ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતને મળશે મોટો લાભ
ઝડપથી વિકસતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં પણ પ્રતિનિધિત્વ વધવાની શક્યતા છે.સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સતત વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને અહીં એક અથવા બે નવી લોકસભા બેઠકો બનાવવામાં આવી શકે છે.સુરતમાં છેલ્લા બે દાયકામાં વસતી અને મતદારોમાં થયેલો વધારો રાજ્યમાં સૌથી વધુ ગણાય છે.

ત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારોને પણ મળશે પ્રતિનિધિત્વ
બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં મળીને લગભગ 40 લાખ જેટલા મતદારો હોવાથી અહીં પણ એક વધારાની લોકસભા બેઠકની માંગ મજબૂત બની રહી છે.આ ઉપરાંત પંચમહાલ, દાહોદ અને અન્ય આદિવાસી વિસ્તારોમાં પણ નવા મતવિસ્તારો બનાવવાની ચર્ચા ચાલી રહી છે જેથી સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ વધુ અસરકારક બની શકે.

રાજકોટમાં પણ બદલાઈ શકે રાજકીય નકશો
રાજકોટ જિલ્લામાં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારને અલગ પ્રતિનિધિત્વ આપવા માટે નવા મતવિસ્તારો બનાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.શહેરી વિસ્તારની વધતી વસતીને કારણે રાજકોટમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે.

મહિલા આરક્ષણના અમલમાં મળશે મદદ
ભારત સરકારે પસાર કરેલા મહિલા આરક્ષણ કાયદાનો અમલ સીમાંકન બાદ જ થવાનો છે.નવી બેઠકો નક્કી થયા પછી મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરવામાં આવશે. જેના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધી શકે છે.

રાજકીય પક્ષોની વ્યૂહરચના બદલાશે
જો સીમાંકન અમલમાં આવશે તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોને પોતાની ચૂંટણી વ્યૂહરચના સંપૂર્ણપણે બદલવી પડશે.
નવા ઉમેદવારોને તક મળશે.
અનેક વર્તમાન મતવિસ્તારોનું અસ્તિત્વ બદલાઈ શકે.
કેટલાક વિસ્તારો જોડાશે તો કેટલાક અલગ પડશે.
નવા સામાજિક અને રાજકીય સમીકરણો ઉભા થશે.

શું બદલાઈ શકે?
સીમાંકન બાદ નીચે મુજબના ફેરફારો શક્ય છે:
લોકસભા બેઠકો 26થી વધીને 39-40 થઈ શકે.
વિધાનસભા બેઠકો 182થી વધીને લગભગ 273 થઈ શકે.
અમદાવાદમાં ત્રીજી લોકસભા બેઠક બની શકે.
ગાંધીનગરમાં નવી બેઠકનું સર્જન થઈ શકે.

સુરત, નવસારી અને વલસાડમાં વધારાનું પ્રતિનિધિત્વ મળી શકે.
ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં નવી બેઠકો બનવાની શક્યતા.
રાજકોટમાં શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે અલગ મતવિસ્તારો બની શકે.
મહિલા આરક્ષણનો અમલ સરળ બનશે.

અંતિમ નિર્ણય હજુ બાકી
હાલમાં આ તમામ ફેરફારો અંગે કોઈ સત્તાવાર અંતિમ જાહેરાત કરવામાં આવી નથી. સીમાંકન પ્રક્રિયા, વસ્તી ગણતરીના આંકડા, કેન્દ્ર સરકારના નિર્ણય અને સીમાંકન પંચની ભલામણો બાદ જ અંતિમ મતવિસ્તારો જાહેર થશે.જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો ગુજરાતનું રાજકીય ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે અને આગામી લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી નવા રાજકીય સમીકરણો સાથે યોજાશે. રાજ્યના અનેક વિસ્તારોને પ્રથમ વખત અલગ પ્રતિનિધિત્વ મળશે અને વધતી વસ્તીને અનુરૂપ લોકશાહી પ્રતિનિધિત્વ વધુ સંતુલિત બનશે.

Most Popular

To Top