ડાઈવર્ઝન પાસેનું ગરનાળું તૂટતાં રસ્તાને ભારે નુકસાન, ગામ જાણે બે ભાગમાં વહેંચાયું
(પ્રતિનિધિ) સાવલી, તા. 19
વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા સતત વરસાદના કારણે ધનતેજ–સધાપુરા ગામોને જોડતા માર્ગ પર આવેલું ગરનાળું ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ડાઈવર્ઝન પાસેનું ગરનાળું તૂટી પડતાં માર્ગને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે બંને ગામો વચ્ચેની અવરજવર ખોરવાઈ ગઈ છે. રસ્તો બંધ થતાં ગામ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરીયાતોને હાલાકી; તાત્કાલિક મરામતની ગ્રામજનોની માંગ
સાવલી પંથકના વિવિધ ગામોમાં ગઈકાલથી મેઘમહેર યથાવત રહેતા ગ્રામિણ માર્ગોની હાલત વધુ બગડી છે. ધનતેજ અને સધાપુરાના રહેવાસીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરીયાત વર્ગ માટે રસ્તો બંધ થતાં મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારે વરસાદ વચ્ચે ગ્રામિણ માર્ગોની ગુણવત્તા અને જાળવણી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા ધનતેજ–સધાપુરા માર્ગના તાત્કાલિક મરામત કામની માંગ ઉઠાવવામાં આવી રહી છે, જેથી જનજીવન ફરી સામાન્ય બની શકે.
રિપોર્ટર: વિમલ પટેલ