દેશમાં મોંઘવારી, બેરોજગારી અને પરીક્ષાઓમાં પેપર લીક જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોટું રાજકીય અભિયાન શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આ મુદ્દે દિલ્હીના ઇન્દિરા ભવનમાં કોંગ્રેસની હાઈલેવલ બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, તમામ મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રાહુલ ગાંધીની એક ટિપ્પણી ખાસ ચર્ચામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશની હાલની સ્થિતિ અંગે વાત કરતા તેમણે ‘મોદી ને મરવા દીયા’ શબ્દપ્રયોગ કર્યો હતો. રાજકીય વર્તુળોમાં આ નિવેદનની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધીનો આશય કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરવાનો નહોતો, પરંતુ તેમણે સામાન્ય બોલચાલના મુહાવરા તરીકે આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમનું કહેવું હતું કે દેશના વિવિધ વર્ગો આજે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને સરકાર તેમની ચિંતાઓ દૂર કરવામાં નિષ્ફળ રહી છે.
બેઠકમાં રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દાને ગંભીર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે લાખો યુવાનો નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે વિવિધ ભરતી પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. તેમના મતે, વર્ષોની મહેનત પછી પણ પરીક્ષાઓમાં પારદર્શિતા ન હોવાને કારણે યુવાનોમાં નિરાશા વધી રહી છે. મોંઘવારીના મુદ્દે પણ કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો કે વધતી કિંમતોના કારણે સામાન્ય લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ખેડૂતોના મુદ્દે પણ કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી હતી. બેઠકમાં કહેવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય વેપાર કરારો અને કૃષિ નીતિઓને લઈને ખેડૂતોમાં અનિશ્ચિતતા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ખેડૂતોના હિતોને પૂરતું મહત્વ આપવામાં આવી રહ્યું નથી. આ ઉપરાંત કોંગ્રેસે લોકશાહી સંસ્થાઓ અને સંવિધાનિક મૂલ્યોના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. પક્ષના નેતાઓએ દાવો કર્યો કે દેશમાં લોકશાહી વ્યવસ્થાને મજબૂત રાખવા માટે વધુ જવાબદારીપૂર્વક પગલાં લેવાની જરૂર છે.
બેઠક બાદ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે પક્ષ આગામી બે મહિના સુધી દેશવ્યાપી અભિયાન ચલાવશે. આ અભિયાન માત્ર મોટા શહેરો પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર સુધી પહોંચાડવામાં આવશે. કોંગ્રેસના કાર્યકરો લોકો વચ્ચે જઈને તેમની સમસ્યાઓ સાંભળશે અને વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરશે. રાજકીય રીતે આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધી ગયું છે કે તાજેતરમાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા ચાલી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વ અને કોંગ્રેસ વચ્ચે વધતા સંપર્કોને પણ રાજકીય નિરીક્ષકો મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે. વિપક્ષી એકતાના પ્રયાસો વચ્ચે યોજાયેલી આ બેઠકને આગામી રાજકીય વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીએ બેઠકમાં એવો દાવો પણ કર્યો કે રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને RSS સામે અસરકારક રીતે લડવાની ક્ષમતા કોંગ્રેસ પાસે છે. તેમણે કાર્યકરોને વધુ સક્રિય બનવા અને લોકો વચ્ચે જઈને મુદ્દાઓ ઉઠાવવાની અપીલ કરી હતી. કોંગ્રેસ હવે મોંઘવારી, બેરોજગારી, પેપર લીક અને ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આગામી દિવસોમાં સરકાર સામે આક્રમક અભિયાન ચલાવવાની તૈયારીમાં છે. રાહુલ ગાંધીની ટિપ્પણી અને પક્ષની નવી વ્યૂહરચના બંનેને લઈને દેશના રાજકીય માહોલમાં ચર્ચા તેજ બની છે.