રેસકોર્સમાં આવેલા ગોલ્ડના શો રૂમમાં સોનાના દાગીના મોઢામાં છુપાવીને મહિલાનો ભાગવાનો પ્રયાસ, CCTVમાં હરકત કેદ થતાં સ્ટાફે પોલીસને બોલાવી, મહિલાની માનસિક બીમારીની ફાઈલ પતિએ પોલીસ સમક્ષ રજૂ કરી
વડોદરા તા.8
વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલા માલાબાર ગોલ્ડના શોરૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક મહિલા સોનાના દાગીનાની ચોરી કરવાનો પ્રયાસ કરતી ઝડપાઈ ગઈ હતી. મહિલાએ દાગીના મોઢામાં છુપાવીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની શંકાસ્પદ હરકતો CCTV કેમેરામાં કેદ થઈ જતા સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે મહિલાના પતિને બોલાવતા તેઓ આ મહિલાની માનસિક બીમારીની દવા ચાલતી હોવાની ફાઈલ લઈને પોલીસ સમક્ષ રજૂ કરી હતી. જેથી પોલીસે હવે મહિલા ખરેખર માનસિક બીમારીથી પીડાય છે કે પછી કાવતરું રચ્યું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના રેસકોર્સ રોડ પર આવેલા મા
મલાબાર ગોલ્ડના શોરૂમમાં એક મહિલા ગ્રાહકનો સ્વાંગ રચીને ચોરી કરવા માટે આવી હતી. દાગીના જોવાના બહાને તેણે સોનાના કેટલાક દાગીના મોઢામાં છુપાવી લીધા હતા. જોકે શોરૂમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં તેની સમગ્ર હરકત કેદ થઈ ગઈ હતી.
કેમેરાના ફૂટેજમાં ચોરીની ઘટના નજરે પડતાં શોરૂમના સંચાલકો અને સ્ટાફ સતર્ક બની ગયા હતા. તાત્કાલિક અકોટા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મહિલાની પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી.
ચોરી કરતી પકડાઈ ગયેલી મહિલાએ પોલીસ અને શોરૂમના સંચાલકો સમક્ષ હાથ જોડી માફી માંગતા પોતાને છોડી દેવા આજીજી કરતા નજરે પડી હતી. જોકે પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી મહિલાને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે મહિલાની ઓળખ તેમજ અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવણી રહી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
બીજી તરફ પોલીસે મહિલાના પતિને ફોન કરીને બોલાવતા તેઓ આ ચોરીનો પ્રયાસ કરનાર મહિલા ની માનસિક બીમાર હોવાની દવા ચાલતી હોય તેની ફાઈલ લઈને પોલીસ સમક્ષ રજુ કરી હતી. ત્યારે હવે પોલીસે ખરેખર આ મહિલા માનસિક રીતે બીમાર છે કે પછી કોઈ કાવતરું રચીને છટકવાનો પ્રયાસ કર્યો છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.