Vadodara

સયાજીબાગમાં દંડ વસૂલાતનો વિવાદ: VMC અધિકારી સામે ગંભીર આક્ષેપ

રૂ. ૧૦૦૦ના દંડ સામે રૂ. ૫૦ની જ પાવતી આપ્યાનો પરિવારનો દાવો

​દંડ વસૂલાતની પ્રક્રિયામાં વ્યાપક ગેરરીતિના આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ; દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલે તમામ આક્ષેપો નકારી નિયમ મુજબ કામગીરી થઈ હોવાનો બચાવ કર્યો

વડોદરાના પ્રખ્યાત સયાજીબાગમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના દંડની વસૂલાતને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાના અધિકારી ડો. મંગેશ જયસ્વાલ પર એક મુલાકાતી પરિવારે ગંભીર ગોબાચારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
​મળતી માહિતી મુજબ, સયાજીબાગની મુલાકાતે આવેલા એક પરિવાર પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોવાનું કહીને પાલિકાની ટીમ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. પીડિત પરિવારનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા તેમની પાસેથી રૂ. ૧,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સામે માત્ર રૂ. ૫૦ની જ સત્તાવાર પાવતી આપવામાં આવી હતી. બાકીની રકમ અંગે પરિવાર દ્વારા પારદર્શિતાના અભાવને લઈને સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા નગરજને સ્થળ પર જ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો, જેને પગલે દંડ વસૂલાતની પ્રક્રિયામાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
​બીજી તરફ, આ વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દબાણ શાખાના અધિકારી ડો. મંગેશ જયસ્વાલ એક્શનમાં આવ્યા હતા. તેમણે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, “અમારી ટીમ દ્વારા માત્ર કાયદાનું પાલન કરાવવાની સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી હતી. અમારી ટીમ કોઈપણ વ્યક્તિ પાસેથી ખોટો દંડ વસૂલતી નથી અને તમામ કામગીરી નિયમ મુજબ જ થઈ છે.”
​આ વિવાદને પગલે એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ વસૂલવામાં આવતા દંડનો કોઈ ચોક્કસ દર નક્કી ન હોવાથી મનફાવે તેમ દંડ વસૂલાય છે. હાલમાં આ વાયરલ વીડિયોને કારણે વડોદરા મહાનગરપાલિકાના વલણ સામે જનતામાં ભારે નારાજગી અને વિવાદ તેજ બન્યો છે.

Most Popular

To Top