હજારો પરિવારોના રોટલા પર સંકટ, ઉગ્ર વિરોધ પ્રદર્શન
૧૨ વર્ષથી ટાઉન વેન્ડિંગ કમિટી ગાયબ છતાં લેવાયો એકતરફી નિર્ણય; ‘ઓનલાઈન એપ્સને ૨૪ કલાકની છૂટ તો ગરીબ ફેરિયાઓ પર જ કેમ તરાપ?’ ના સવાલ સાથે કાયદેસરના હકની માંગ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૧૪ જેટલા મુખ્ય રસ્તાઓને ‘નો-વેન્ડિંગ ઝોન’ જાહેર કરવાના નિર્ણયને પગલે સમગ્ર શહેરમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. તંત્રના આ આકરા વલણ સામે ફેરિયાઓ અને સ્થાનિક વેપારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની આજીવિકા બચાવવા માટે સેંકડો ફેરિયાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને કાયદેસરના હકો આપવાની માંગ કરી છે. ફેરિયાઓનું કહેવું છે કે તંત્રના આ અન્યાયી અને દબાણભર્યા પગલાથી વડોદરાના હજારો પરિવારોની રોજગારી પર સીધું સંકટ ઊભું થયું છે.
વેપારી સંગઠનો અને ફેરિયાઓ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયને સંપૂર્ણપણે એકતરફી, ગેરબંધારણીય અને નિયમોની વિરુદ્ધ ગણાવવામાં આવ્યો છે. આંદોલનકારીઓએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના ‘સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ ૨૦૧૪’ મુજબ શહેરમાં કોઈપણ વિસ્તારને નો-વેન્ડિંગ ઝોન જાહેર કરતા પહેલા ટાઉન વેન્ડિંગ કમિટી ની મંજૂરી લેવી કાયદાકીય રીતે અનિવાર્ય છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે વડોદરામાં છેલ્લા ૧૨ વર્ષથી આવી કોઈ ટાઉન વેન્ડિંગ કમિટી અસ્તિત્વમાં જ નથી. કમિટીની ગેરહાજરીમાં લેવાયેલો આ કાયદાકીય નિર્ણય સંપૂર્ણપણે નિયમોનું ઉલ્લંઘન કરે છે.
ફેરિયાઓએ કોર્પોરેશનની નીતિઓ પર બેવડા ધોરણો રાખવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, એક તરફ શહેરમાં ઓનલાઈન ફૂડ અને પ્રોડક્ટ ડિલિવરી કરતી મોટી એપ્લિકેશનો તેમજ કોર્પોરેટ કંપનીઓને ૨૪ કલાક વેપાર-ધંધો કરવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે બીજી તરફ વર્ષોથી પરસેવો પાડીને પેટિયું રળતા ગરીબ ફેરિયાઓ માટે માત્ર રાત્રે ૭ થી ૧૧ વાગ્યા સુધીનો જ સમય નક્કી કરવામાં આવ્યો છે, જે તદ્દન અન્યાયી છે. ફેરિયાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વહીવટી તંત્ર સાથે કોઈ ઘર્ષણ કે વિવાદ કરવા નથી માંગતા, પરંતુ ભારત સરકારના સત્તાવાર ગેઝેટમાં જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું ચુસ્ત પાલન થાય અને તેમને સન્માનપૂર્વક રોજગાર મેળવવાનો કાયદેસરનો હક આપવામાં આવે. આગામી સમયમાં જો તંત્ર દ્વારા આ નિર્ણય પર ફેરવિચારણા કરવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.