અરજદારોથી ધમધમતી કચેરીમાં અચાનક આગ ફાટી નીકળતા હાહાકાર, લાખો રૂપિયાનું સાધનસામગ્રી નુકસાન પામ્યું
કરોડોના ખર્ચે બનેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના અભાવે ઉઠ્યા સવાલો, સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવા કરી જહેમત
બોડેલી, તા. 4
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવાસદનમાં ગુરુવારે બપોરે અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સેવાસદનની પ્રથમ માળે આવેલી પ્રાંત અધિકારીની કચેરીમાં લાગેલી આગના કારણે અધિકારીઓ, કર્મચારીઓ અને કામ અર્થે આવેલા મોટી સંખ્યામાં અરજદારોમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે આશરે 3 વાગ્યાના સુમારે પ્રાંત કચેરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તે સમયે સેવાસદનમાં વિવિધ કામકાજ માટે તાલુકાના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારો હાજર હતા. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર કચેરી પરિસરમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને સુરક્ષાના કારણોસર વિવિધ વિભાગોની કામગીરી તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી.

આગની ઘટનામાં કચેરીમાં રાખવામાં આવેલા બે ટેલિવિઝન, કોમ્પ્યુટર, ફર્નિચર સહિતની કિંમતી સામગ્રી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગની જાણ થતાં બોડેલી ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ આગે વધુ વિસ્તાર આવરી લીધો હતો.
નોંધનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા તાલુકા સેવાસદન સંકુલમાં પૂરતી ફાયર સેફ્ટી વ્યવસ્થાના અભાવને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આગને કાબૂમાં લેવા માટે સ્થાનિક લોકો અને કર્મચારીઓએ પ્રાથમિક સ્તરે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
તાલુકા સેવાસદન ખાતે પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ નાયબ કચેરી તેમજ તાલુકા પંચાયત સહિતની મહત્વની સરકારી કચેરીઓ આવેલી હોવાથી દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. આવા સંજોગોમાં આગ જેવી ગંભીર ઘટના સામે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ ચિંતાનો વિષય બન્યો છે.
ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગોએ આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ફાયર સેફ્ટી વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે.
રિપોર્ટર: ઝહીર સૈયદ