30 મેથી બીજા રાઉન્ડ માટે નવેસરથી અરજી શરૂ, કેટેગરી બદલવાની પણ છૂટ
( પ્રતિનિધિ ) વડોદરા, તા.28
ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) મારફતે ચાલી રહેલી અંડર ગ્રેજ્યુએટ પ્રવેશ પ્રક્રિયામાં આવતીકાલે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે. રાજ્યભરમાં અંદાજે 5.50 લાખથી વધુ યુજી બેઠકો સામે અત્યાર સુધી માત્ર 2.95 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓએ ફી ભરીને પોતાની અરજી કન્ફર્મ કરી છે. એટલે કે ઉપલબ્ધ બેઠકોની સામે અંદાજે 50 ટકા જેટલું જ કન્ફર્મ રજિસ્ટ્રેશન નોંધાયું છે.
જીકાસ પોર્ટલની આંકડાકીય વિગતો મુજબ વિદ્યાર્થીઓમાં હજુ પણ ગૂંચવણ અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને કેટલીક ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે GCAS મારફતે કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ માટે અંદાજે 62 હજાર વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, GCAS પ્રણાલી સામે ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ શરૂઆતમાં પ્રવેશ પ્રક્રિયાથી દૂર રહેવાનો અભિગમ અપનાવ્યો હતો. તેમ છતાં સરકારી કોલેજોમાં પ્રવેશ મેળવવાની ઇચ્છાને કારણે હવે અંતિમ તબક્કે રજિસ્ટ્રેશનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવતીકાલે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓને વધુ તક આપવા માટે બીજા રાઉન્ડ માટે 30 મે સવારે 11 વાગ્યાથી 6 જૂન રાત્રે 11:59 વાગ્યા સુધી ફરીથી નવા રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ત્રીજા રાઉન્ડ માટે 8 જૂનથી 13 જૂન અને ચોથા રાઉન્ડ માટે 15 જૂનથી 20 જૂન સુધી નવી અરજી પ્રક્રિયા હાથ ધરાશે.
વિદ્યાર્થીઓને હવે GCAS પોર્ટલ પર કેટેગરી બદલવાની પણ છૂટ આપવામાં આવી છે. 26 મે થી આ સુવિધા અમલમાં મુકાઈ છે. અનામત અથવા PWD કેટેગરીમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ જો જનરલ કેટેગરીમાં જવા માંગતા હોય તો વધારાના રૂ.150 ફી ભરીને ફેરફાર કરી શકશે. ઉપરાંત, જનરલમાંથી અન્ય કેટેગરીમાં જવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ હજુ સુધી પ્રાપ્ત ન થયેલા વિદ્યાર્થીઓને પણ અરજી કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે, કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરતી વખતે આ સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત રહેશે.