વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોવાનો આક્ષેપ, સાંસદે સમાજના અગ્રણીઓ સાથે કલેક્ટર કચેરીએ બેઠક યોજી વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી
(પ્રતિનિધિ), વડોદરા. તા.27
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન ખાસવાડી સ્મશાન ખાતે દશપિંડ વિધિના શેડના નવીનીકરણની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતાં સ્થાનિક મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ અને નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અંતિમવિધિ જેવા સંવેદનશીલ અને ધાર્મિક કાર્યોમાં પડી રહેલી હાલાકીને ધ્યાને લઈને આખરે વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોષી મધ્યસ્થી બન્યા છે. તેમણે સમાજના પ્રતિનિધિ મંડળને કલેક્ટર કચેરી સ્થિત નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે ખાસ બેઠક માટે બોલાવી પ્રશ્નનો ઝડપી નિકાલ લાવવાની મજબૂત ખાતરી આપી છે.

મહારાષ્ટ્રીયન સમાજમાં મૃત્યુ બાદ દશપિંડ વિધિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ખાસવાડી સ્મશાન ખાતે આ વિધિ માટેનો શેડ હાલ અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ બાબતે સમાજના અગ્રણીઓ દ્વારા અગાઉ વડોદરા મહાનગરપાલિકા, સ્થાનિક સાંસદ તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય દંડકને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી જમીન પર કોઈ નક્કર કામગીરી શરૂ ન કરાતા લોકોમાં વહીવટી તંત્રની ઉદાસીનતા સામે ભારે નારાજગી વ્યાપી હતી.

પ્રતિનિધિ મંડળે સાંસદ સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, સ્મશાનમાં દશપિંડ વિધિ માટેનું સ્થળ એટલું જર્જરિત થઈ ગયું છે કે ત્યાં બેસવું પણ મુશ્કેલ બન્યું છે. ચોમાસામાં કે આકરા તાપમાં સગા-સંબંધીઓ ગુમાવી ચૂકેલા પરિવારોને ધાર્મિક વિધિઓ કરતી વખતે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિકાસની વાતો વચ્ચે સ્મશાન જેવી પ્રાથમિક અને સંવેદનશીલ સુવિધાનું કામ અટકી પડવું તે દુઃખદ છે.

સમગ્ર મામલાની ગંભીરતા અને લોકલાગણીને સમજીને વડોદરાના યુવા અને સક્રિય સાંસદ હેમાંગ જોષીએ તાકીદે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે સમાજના આગેવાનો સાથે કલેક્ટર કચેરી ખાતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
સાંસદ હેમાંગ જોષી સાથેની આ બેઠક બાદ સમાજના અગ્રણીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સાંસદના હકારાત્મક અભિગમ અને ત્વરિત નિકાલની ખાતરીને પગલે હવે વર્ષોથી અટકેલું ખાસવાડી સ્મશાનની સુવિધાનું આ કામ ઝડપથી ગતિ પકડશે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે તેવી આશા વ્યાપી છે. આ બેઠકમાં સમાજના વિવિધ મંડળોના હોદ્દેદારો, સામાજિક કાર્યકરો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.