Kalol

બકરી ઈદ પૂર્વે કાલોલ પોલીસ એલર્ટ મોડમાં : શહેરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ

ડીવાયએસપી નવીન આહિરની આગેવાની હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની કૂચ
“ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવો” : પોલીસની નાગરિકોને અપીલ

કાલોલ, તા. ૨૭/૦૫/૨૬
આગામી પવિત્ર બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)ના તહેવારને અનુલક્ષીને કાલોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાલોલ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તહેવાર દરમિયાન શાંતિ અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તેવા હેતુસર શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ફૂટ પેટ્રોલિંગ કાલોલ વિભાગના ડીવાયએસપી નવીન આહિરની સીધી આગેવાની હેઠળ યોજાયું હતું. જેમાં કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ આર.ડી. ભરવાડ, પીએસઆઈ પી.કે. ક્રિશ્ચિયન, મહિલા પોલીસ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસ કાફલાએ શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય બજારો, ભીડભાડવાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પગપાળા કૂચ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા તેમજ ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવાર ઉજવવા અપીલ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે બકરી ઈદને ધ્યાનમાં રાખીને શહેરના સંવેદનશીલ પોઈન્ટ્સ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સતત વોચ રાખવામાં આવી રહી છે.
પોલીસના આ આયોજનબદ્ધ અને સઘન ફૂટ પેટ્રોલિંગના પગલે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બની હોવાનું જોવા મળ્યું હતું. અનેક લોકોએ પોલીસની સતર્ક કામગીરીને બિરદાવી હતી.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top