National

કેરળના શપથ ગ્રહણમાં INDIA એલાયન્સ કેમ ગાયબ? કોંગ્રેસ માટે ઊભા થયા મોટા સવાલ

દસ વર્ષ પછી કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સરકાર સત્તામાં આવી છે. કોંગ્રેસ માટે આ જીત રાજકીય રીતે ખૂબ જ મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. લાંબા સમય સુધી ચાલેલા આંતરિક મથામણ અને નેતૃત્વ અંગેના મતભેદો બાદ આખરે VD સતીસનને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. પરંતુ તેમની શપથ ગ્રહણ વિધિ બાદ હવે એક અલગ જ રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે, INDIA એલાયન્સના મોટા નેતાઓ આખરે સમારોહમાં કેમ દેખાયા નહીં? તિરુવનંતપુરમમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહને કોંગ્રેસ માટે શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું હતું. ભાજપે અગાઉ પશ્ચિમ બંગાળ અને આસામમાં પોતાના મુખ્યમંત્રીઓના ભવ્ય શપથ સમારોહ યોજીને રાજકીય સંદેશ આપ્યો હતો. તેથી એવી અપેક્ષા હતી કે કોંગ્રેસ પણ કેરળમાં INDIA એલાયન્સના તમામ મોટા નેતાઓને એક મંચ પર લાવશે. પરંતુ હકીકતમાં એવું કંઈ બન્યું નહીં. સમારોહમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય રાજીવ ચંદ્રશેખર તેમજ CPIના નેતા વિનોય વિશ્વમ હાજર રહ્યા હતા. રસપ્રદ બાબત એ રહી કે વિરોધી વિચારધારાના આ નેતાઓ સ્ટેજ પર દેખાયા, પરંતુ INDIA એલાયન્સના અનેક મોટા ચહેરા ગેરહાજર રહ્યા.

કોંગ્રેસના સૂત્રો મુજબ, શરૂઆતમાં તામિલનાડુના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી અને અભિનેતા વિજયને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસે જ નિર્ણય લીધો કે વિજયની હાજરીથી કાર્યક્રમમાં ભારે ભીડ એકઠી થઈ શકે છે. વિજયનો કેરળમાં પણ મોટો ફેનબેઝ હોવાથી સુરક્ષા અને ભીડ નિયંત્રણ મોટો પડકાર બની શકે એમ માનવામાં આવ્યું. આ કારણસર વિજયે પોતાની તિરુવનંતપુરમ મુલાકાત રદ કરી હતી. આ નિર્ણય પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ કે કોંગ્રેસ પોતાના જ સાથી પક્ષો અને નેતાઓની હાજરીથી અસ્વસ્થ કેમ લાગી રહી હતી? કોંગ્રેસના નેતાઓએ દલીલ કરી કે કેરળ કોંગ્રેસ સમારોહને “કેરળ-કેન્દ્રિત” રાખવા માંગતી હતી અને બિનજરૂરી VIP મૂવમેન્ટ ટાળવા માંગતી હતી. તેથી મુખ્યત્વે રાજ્યના નેતાઓ અને સ્થાનિક રાજકીય પક્ષોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ગેરહાજરી માત્ર પ્રોટોકોલનો મુદ્દો નહોતો. INDIA એલાયન્સની અંદર છેલ્લા કેટલાક સમયથી વધતા મતભેદો પણ તેની પાછળનું મોટું કારણ હોઈ શકે છે.

કેરળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સીધા સામસામે લડે છે. જ્યારે દિલ્હીમાં બંને INDIA એલાયન્સનો ભાગ બની ભાજપ વિરુદ્ધ એકતા દર્શાવે છે. આ વિસંગતિ ફરી એકવાર શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સામે આવી. કોંગ્રેસના એક નેતાએ સ્વીકાર્યું કે RJD જેવા કેટલાક જૂના સાથી પક્ષો કેરળમાં ડાબેરી મોરચાનો ભાગ હતા અને કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો. બીજી તરફ DMK સાથેના સંબંધો પણ છેલ્લા સમયમાં ઠંડા પડ્યા હોવાનું કહેવાય છે. તમિલનાડુની ચૂંટણી બાદ કોંગ્રેસે અભિનેતા વિજયને ટેકો આપ્યો હતો, જે DMKને પસંદ પડ્યું નહોતું. એટલું જ નહીં, DMKએ લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થાની માંગ સાથે સ્પીકરને પત્ર પણ આપ્યો હતો. આ ઘટનાઓએ કોંગ્રેસ અને DMK વચ્ચેનું અંતર વધાર્યું હોવાનું માનવામાં આવે છે.

સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ જેવા INDIA એલાયન્સના અન્ય સાથી પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ સ્પષ્ટતા થઈ નથી. કોંગ્રેસ કે આ પક્ષોના કોઈ નેતાએ આ બાબતે ખુલ્લું નિવેદન આપ્યું નથી. કોંગ્રેસના નેતાઓએ માત્ર એટલું જ કહ્યું કે કોને બોલાવવું તે સંપૂર્ણપણે કેરળ કોંગ્રેસનો નિર્ણય હતો અને તેને INDIA એલાયન્સ સાથે જોડીને જોવું જોઈએ નહીં. આ સમગ્ર સમારોહમાં વધુ એક ગેરહાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું, શશિ થરૂર. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર પણ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. જોકે થરૂરે પહેલાથી જ સ્પષ્ટતા કરી હતી કે તેઓ અમેરિકાની ટફ્ટ્સ યુનિવર્સિટીમાં પૂર્વનિર્ધારિત કાર્યક્રમ માટે ગયા હોવાથી હાજરી આપી શક્યા નહોતા. હવે રાજકીય ચર્ચા એ મુદ્દે થઈ રહી છે કે INDIA એલાયન્સની એકતા ખરેખર કેટલી મજબૂત છે? કોંગ્રેસનું માનવું છે કે રાજ્યોમાં ભલે પક્ષો એકબીજાના વિરોધમાં ચૂંટણી લડે, પરંતુ સંસદમાં ભાજપ સામે લડવા માટે તેઓ એકસાથે રહેશે. જોકે કેરળના આ શપથ ગ્રહણ સમારોહે એ સંકેત જરૂર આપ્યો છે કે INDIA એલાયન્સની અંદર બધું સંપૂર્ણ રીતે ઠીક નથી.

Most Popular

To Top