Vadodara

વિશ્વામિત્રી નદીમાં મહાકાય મગર મૃત હાલતમાં મળ્યો : પ્રાણીપ્રેમીઓમાં નારાજગી

ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ, વનવિભાગ મોતનું કારણ જાણવા પીએમ કરાવશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

શહેરની એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આશરે 8 થી 10 ફૂટ લાંબો મહાકાય મગર મૃત હાલતમાં જોવા મળતા ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ કરવામાં આવતા તાત્કાલિક વનવિભાગનું તંત્ર દોડતું થયું હતું.

વનવિભાગને જાણ થતાં જ તેમણે ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ભારે જહેમત બાદ મૃત મગરને નદીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. મગરનું કદ ખૂબ મોટું હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં સમય લાગ્યો હતો. ફોરેસ્ટર આર.આર. જાધવે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે, સાયન્સ ફેકલ્ટી પાછળ નદીમાં એક મૃત મગર જોવા મળ્યો છે. આશરે 8 થી 10 ફૂટનો આ મગર હતો. અમે ફાયર બ્રિગેડની મદદથી તેને બહાર કાઢ્યો છે. હાલ મગરના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વનવિભાગ દ્વારા મૃતદેહનો કબજો લઈ વનવિભાગની નર્સરી ખાતે લઈ જઈ જવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત કુદરતી હતું કે બીમારીને કારણે થયું કે કોઈ અન્ય કારણ હતું તે સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદી મગરો માટે જાણીતી છે અને શહેરની વચ્ચેથી પસાર થતી આ નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. ચોમાસા દરમિયાન નદીના પાણી શહેરમાં ફરી વળતા મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે. જોકે વધુ એક વખત આટલો મોટો મગર મૃત હાલતમાં મળતા વન્યજીવ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી.

Most Popular

To Top